શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2023 (17:49 IST)

પોલ ખોલ ચેનલના તોડબાજ એડિટર આશિષ કંજારિયા સામે આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટીએ ફરિયાદ કરી

Paul Khol channel editor Ashish Kanjaria
ખાનગી ટીવી ચેનલના તોડબાજ એડિટર આશિષ કંજારિયા સામે વધુ એક સ્કૂલના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે. શહેરની આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત શહેરમાં ચાર નામાંકિત સ્કૂલોના ટ્રસ્ટીઓએ પણ આ તોડબાજ સામે ફરિયાદ કરી છે.

આરોપી આશિષ કંજારિયા વાલી મંડળનો પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વોટ્સએપ મારફતે પોલ ખોલી ટીવી યુટ્યુબ ચેનલના વીડિયો, અગાઉ કરેલી આર.ટી.આઈ. અરજીઓ તથા મેસેજ મોકલી સ્કૂલના ટ્રસ્ટીઓને ધમકાવી સ્કૂલ ચલાવવી હોય તો પૈસા આપો કહી ખંડણી માંગતો અને ના પાડે તો ધમકી આપતી પૈસા પડાવતો હતો.

આશિષ કંજારિયાએ આનંદ નિકેતન સ્કૂલમાં એક વાલી પાસેથી બે લાખ રૂપિયા લઈને એડમિશન કરાવ્યું હતું. જેની જાણ થતાં સ્કૂલના ટ્રસ્ટીએ તેને આ પ્રકારે એડમિશન કરાવવાની ના પાડી હતી. તે છતાંય તેણે બીજી વાર એડમિશન કરાવવાની કોશિષ કરતાં સ્કૂલે ફરીવાર ના પાડી હતી. ત્યારે તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને થોડા થોડા કરીને 6 લાખ રૂપિયા પડાવ્યા હતાં. તે ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીના ભાઈની ઓફિસ પર પણ આઈટીની રેડ પડાવવાની ધમકીઓ આપને બે લાખ રૂપિયા પડાવ્યા હતાં. જેથી સ્કૂલના ટ્રસ્ટીએ આશિષ સામે ફરિયાદ નોંધાવી છે. આશિષ સામે હવે વધુ સ્કૂલો ફરિયાદ નોંધાવા સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંગે ક્રાઈમ બ્રાંચમાં આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શહેરની જાણિતી ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે. મનન ચોકસીને સ્કૂલમાં એડમિશન કરી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમણે આ પ્રકારે એડમીશનની ના પાડતાં જ આશિષ તેમની સામે ખોટી અરજી અને આરટીઆઈ કરતો હતો. તે સ્કૂલમાં આવીને કહેતો હતો કે તમારી સ્કૂલ વિરૂદ્ધમાં ખોટા પુરાવા ઊભા કરીને ફસાવી દઈશ અને જામીન પણ નહીં મળે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ. તે ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સંત કબીર સ્કૂલ પાસે પણ આશિષ કનજારિયાએ ખંડણી માગી હતી. બીજી તરફ સેટેલાઈટ શ્યામલ રો હાઉસમાં રહેતા શશીબહેન ભટ્ટ બોપલ અને સાણંદમાં શ્રી રામ વિદ્યાલય ધરાવે છે. 2017 માં આશિષ તેમને મળવા ગયો હતો અને પોતે વાલી મંડળનો પ્રમુખ, આરટીઆઈ એકટીવીસ્ટ અને પોલખોલ યુ ટ્યૂબ ચેનલના તંત્રી તરીકે ઓળખાણ આપી સ્કૂલની કેટલીક માહિતી માંગી હતી. જે નહીં આપતા સ્કૂલમાં આંદોલનની ધમકી આપીને વાર્ષિક રૂ.50 હજારની માંગણી કરી હતી. તેમણે પણ આશિષ સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં આશિષ સામે કુલ ચાર ફરિયાદો નોંધાઈ છે. આશિષે ઘણી સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આશિષ વિરુદ્ધ હજુ અન્ય કેટલીક ફરિયાદો દાખલ થઇ શકે છે. જેના માટે પોલીસ સામેથી પણ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરી રહી છે.