શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (17:18 IST)

વડોદરામાં 3 ટેમ્પો ખરીદવા 1.5 કરોડની લોન લીધા બાદ ટેમ્પોની ડિલિવરી ન લીધી, પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ

વડોદરામાં 3 આઇસર ટેમ્પો ખરીદવા રૂપિયા 1.5 કરોડની લોન લઈને આઇસર ટેમ્પોની ડિલિવરી ન લઇને છેતરપિંડી આચરવા મામલે ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સહિત ત્રણ શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી પ્રમુખ સ્વામીનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પાટીલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ ડીએમ એન્ટરપ્રાઇઝના માલિક મેહુલ પટણી ત્રણ આઈસર ટેમ્પો ખરીદ્યા બાદ ટેમ્પોને ટેન્કરમાં કન્વર્ટ કરવા માટે આવ્યા હતા અને આઇસર ટેમ્પોની ખરીદી કરવા માટે લોનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી ત્રણ આઇસર ટેમ્પો ખરીદવા 1.5 કરોડની લોન મંજૂર કરી આપી હતી. આ લોન ડીએમ એન્ટરપ્રાઇઝના ભાગીદાર મેહુલ પટણી તેમજ તેમના પિતા અનિલ પટણીએ સંયુક્ત રીતે લીધી હતી. જેમાં જામીનદાર તરીકે કૃષ્ણ શેટી અને કૃણાલ પટણી રહ્યા હતા અને ત્રણેય ટેમ્પોને ટેન્કરમાં કન્વર્ટ કરવા માટે રિલેક્સ ટેકનો ફેબ કંપનીના ખાતામાં રૂપિયા 27 લાખ અને વીજી ઓટોમોબાઇલ્સ કંપનીના ખાતામાં 78 લાખ જમા કરાવ્યા હતા. લોન મેળવી લીધા બાદ મેહુલભાઈએ વીજી ઓટો મોબાઇલ્સ કંપનીમાં આઈસર ટેમ્પોની ડિલિવરી આવી ગઇ હોવા છતાં ટેમ્પો લીધા ન હતા અને રીલેક્સો ટેકનો કંપનીના માલિક નિખિલ રાઠોડે રૂપિયા કંપનીને પરત કરવાના બદલે ડીએમ એન્ટરપ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. જે.પી.રોડ પોલીસે આ મામલે મેહુલ પટણી અને તેના પિતા અનિલ પટણી અને નિખીલ રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.