મોરારી બાપુ પર થયેલા હૂમલાના વિરોધમાં મહુઆ અને વિરપુર સજ્જડ બંધ
દ્વારકા ખાતે મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શુક્રવારે આ મામલે તલગાજરડા સજ્જડ બંધ રહ્યું હતું. આજે આ મામલે મહુવા અને વિરપુર જલારામ સજ્જડ બંધ રહ્યા છે. શુક્રવારે મહુવામાં પાલિકા, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલ, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સહિત 211 જેટલા લોકોની બેઠક મળી હતી. જેમાં શનિવારે મહુવા સજ્જડ બંધ રાખવાનો ઠરાવ કરાયો હતો. બીજી તરફ વિરપુરમાં જલારામ બાપુના પરિવારના લોકોએ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની બનાવને વખોડી કાઢ્યો છે.
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ મામલે આજે મહુવા સજ્જડ બંધ રહ્યું છે. આજે સાધુ સમાજ તરફથી તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં પબુભા માણેક તલગાજરડા આવીને બાપુની માફી માંગે તેવી માંગણી કરવામાં આવશે. જો તેઓ માફી ન માંગે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધને પગલે શનિવારે વિરપુર જલારામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને આજે વિરપુર સજ્જડ બંધ રહ્યું છે. વિરપુર મંદિર દ્વારા મોરારિબાપુ પર દ્વારકામાં હુમલાના પ્રયાસને વખોડી કાઢવામાં આવ્યો છે. જલારામ બાપાના પરિવારે આ કૃત્યને વખોડી કાઢ્યું છે.આજે આ વાતનો વિરોધ કરવા માટે વિરપુરમાં તમામ વેપારીઓ અને ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. આજે તમામ દુકાનો અને ધંધા બંધ રહ્યા છે. એટલું જ નહીં વિરપુરના ગ્રામજનો તરફથી આજે રાજકોટને કલેક્ટરને આવેદનપત્ર આપીને પબુભા માણેક સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.