ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (09:27 IST)

હવામાન અપડેટ: ગુજરાતમાં છવાયા વાદળ, જાણો ક્યાં પડશે ગરમી ક્યાં વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતમાં 10 માર્ચ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે ગુજરાત વિસ્તારમાં વરસાદ પડશે. 11 માર્ચથી હવામાન ચોખ્ખું રહેશે અને તડકો જોવા મળશે. જેના કારણે ગરમીનો પ્રકોપ જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. બીજી તરફ ગુજરાતમાં હવા ગુણવત્તા સૂચકાંક મોટાભાગના શહેરોમાં સંતોષકારક શ્રેણીમાં છે. ચાલો જાણીએ કે આજે ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં હવામાન કેવું રહેશે. 
 
 ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર રાજ્યમાં જોવા મળવાની છે. ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.
 
અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આછું વાદળછાયું વાતાવરણ રહેશે. 'સંતોષકારક' શ્રેણીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 59 પર નોંધવામાં આવ્યો છે.
 
સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અહીં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. તે જ સમયે, હવા ગુણવત્તા સૂચકાંક 181 છે અને તે 'મધ્યમ' શ્રેણીમાં છે.
 
વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશમાં વાદળો હશે. 'સંતોષકારક' શ્રેણીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 83 છે.
 
ભુજમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. અહીં હવામાન સ્વચ્છ રહેશે. 'સંતોષકારક' શ્રેણીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 69 છે.
 
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેશે. 'સંતોષકારક' શ્રેણીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 55 પર નોંધવામાં આવ્યો છે.
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે.
 
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.