બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2024 (09:03 IST)

Rain Forecast Gujarat - ગુજરાતમાં શિયાળાની વચ્ચે વરસાદી માહોલ, રાજ્યમાં આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ શિયાળાની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા વિસ્તારોમાં આ વર્ષનું પ્રથમ માવઠું થયું છે. ગુરુવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાનું શરૂ થયું હતું અને તે બાદ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં થોડા દિવસો પહેલાં જ શીતલહેર એટલે કે કૉલ્ડ વેવની સ્થિતિ હતી અને હવે ઠંડીની વચ્ચે વરસાદ શરૂ થયો છે.
 
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઇ હતી. બીજી તરફ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડશે તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
 
હવામાન વિભાગે ગુજરાતમાં હજી પણ વધારે વરસાદની આગાહી કરી છે અને આજ સહિત હજી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.  રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ જિલ્લાઓમાં કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે અને દેશમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે. ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે.