આ રાજ્યોમાં ફટાકડા ફોડવા પર લગાવ્યો પ્રતિબંધ, પરંતુ ગુજરાત કરશે ભડાકા, તહેવારોનો ઉત્સાહ જરૂરી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. જોકે રાજ્ય સરકારે લોકોને નવરાત્રિની પરવાનગી આપી ન હતી પરંતુ હવે લોકોની દિવાળી બગાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી હોવાના કારણે લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે પણ એક મોટું કારણ છે. જેથી સરકાર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના મૂડમાં નથી અને એનજીટીને પણ આવો જ જવાબ આપશે કે, કોરોનાની નિરાશા દૂર કરવા તહેવારોનો ઉત્સાહ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળે પણ કાલીપૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ગુરુવારે મધ્ય પ્રદેશ, દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.
પરંતુ સરકારની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને ગરબા રમે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવાનો ડર હતો. જેથી ગરબા રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે હવે સરકાર લોકોની દિવાળી બગાડવા માગતી નથી. 8 મહિના લૉકડાઉન અને તે પછી અનલોકમાં અમુક પ્રતિબંધો હતા. તેથી દિવાળીમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધો લોકોની નિરાશા વધારવાનું કામ કરશે. મુખ્યમંત્રી પણ ઈચ્છે છે કે, લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક ઉત્સાહ જળવાઈ રહે તે માટે નિયમિત સમય અનુસાર લોકોને દિવાળી ઉજવવા માટે છૂટ અપાશે.
સુપ્રીમકોર્ટમાં 2018ના વર્ષમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ અને નિયંત્રણો માગતી અરજી સંદર્ભે જસ્ટિસ એકે સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે હુકમ કર્યો હતો કે દેશમાં ફટાકડા પર સંપર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. તેમણે ફટાકડા ફોડવાની સંપૂર્ણ પ્રતિબંધની માગ ફગાવતા સમયમર્યાદા નક્કી કરી હતી.
ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જાહેર કરે તેવી શક્યતા છે. ફટાકડાં ફોડવાનો જાહેર કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય, જોકે લોકો ઘરના આંગણામાં સુરક્ષા જળવાય તે રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષનાં સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે એ રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.