શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 માર્ચ 2021 (10:09 IST)

ભારતનું પ્રથમ સંપૂર્ણ વેટરનરી વૂન્ડ મેનેજમેન્ટ સોલ્યુશન ‘શ્યોરક્લોટ’ થયું લૉન્ચ

ભારતની સ્વદેશી ઇન્ટીગ્રેટેડ વૂન્ડ કૅર કંપની એક્ઝિઓ બાયોસોલ્યુશન્સએ શ્યોરક્લોટ નામની પ્રોડક્ટ રેન્જ લૉન્ચ કરીને વેટરનરી વૂન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પોતાનું વિસ્તરણ કર્યું છે. આ અત્યાધુનિક વૂન્ડ કૅર રેન્જ પ્રાણીઓને થયેલી ઇજાની સારવાર કરવા માટેનો ભારતનો પ્રથમ સંપૂર્ણ ઇલાજ પૂરો પાડે છે, જેથી કરીને પ્રાણીઓમાં રક્તસ્રાવને નિયંત્રિત કરી શકાય અને તેમની ઇજા પર ઝડપથી રૂઝ આવી શકે.
 
રતન તાતાના UC RNT, ઓમિદયાર નેટવર્ક, એક્સેલ અને ચિરાતે વેન્ચર્સ દ્વારા ફંડ પ્રાપ્ત કરનાર એક્સિઓએ દેશની પસંદગીની હોસ્પિટલોમાં પ્રાયોગિક ધોરણે તેની લેટેસ્ટ રેન્જ લૉન્ચ કરી છે. કંપનીએ આજે અમદાવાદમાં જીવદયા ચેરિટબલ ટ્રસ્ટ ખાતે શ્યોરક્લોટ રેન્જને સત્તાવાર રીતે લૉન્ચ કરી હતી. શહેરના અગ્રણી પશુ ચિકિત્સકો અને પશુચિકિત્સાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને એક્ઝિઓના ફેસબુક લાઇવ પેજ પરથી વેબકાસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
 
એક્ઝિઓ બાયોસોલ્યુશન્સના સ્થાપક અને સીઇઓ લીઓ મેવેલીએ જણાવ્યું હતું કે, ‘અમે આ વર્ષે પશુઓ માટેની અમારી અત્યાધુનિક વૂન્ડકૅર રેન્જ લૉન્ચ કરીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ. પ્રાયોગિક ધોરણે લૉન્ચ કરવામાં આવ્યાંનાં થોડા જ સમયમાં તેને સર્જનો અને પશુચિકિત્સકો તરફથી અદ્ભૂત પ્રતિસાદ મળ્યો છે. પશુઓની સર્વસામાન્ય ઇજાઓની સારવાર માટે કોઇપણ તબીબી ઉત્પાદનો નહીં હોવાથી ઘણીવાર પશુચિકિત્સાના માર્કેટની અવગણના થતી જોવા મળે છે. 
 
રક્તસ્રાવ અને ચેપ લાગેલા ઘાની ઝડપથી સારવાર કરવા માટે અમે વિશ્વસ્તરીય ઉત્પાદન રજૂ કરીને આ સમસ્યાને ઉકેલવામાં ખુશી અનુભવી રહ્યાં છીએ. અમને આશા છે કે, અમે પશુચિકિત્સકો, પાલતું પ્રાણીઓના માલિકો અને અમારા આ રુંવાટીદાર પ્યારા મિત્રોને સતત ઉપયોગી સાબિત થનારા ઉત્પાદનો લાવીને તેમની સાથે નિકટતાપૂર્વક કામ કરીશું.’
 
અમદાવાદમાં ઉત્પાદિત થયેલા આ પ્રકારનું સર્વપ્રથમ ઉત્પાદન શ્યોરક્લોટની સમગ્ર રેન્જ એ સાબિત થયેલી ટેકનોલોજી (100% કાઇટોસનમાંથી બનાવવામાં આવેલ) પર આધારિત છે, જે અનિયંત્રિત રક્તસ્રાવને અટકાવે છે, ઘાને જંતુમુક્ત કરે છે અને ઘા પર ઝડપથી રૂઝ લાવે છે. તે જંતુમુક્ત છે, ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને જરૂરિયાત પ્રમાણે તેને કાપી, વાળી અને ઘામાં ઊંડે સુધી ભરી શકાય છે. વળી, આ પ્રોડક્ટ પ્રાણીઓને પીડામાંથી મુક્તિ આપી એક રાહતભર્યો અનુભવ પ્રાપ્ત થાય તેની પણ ખાતરી કરે છે.
 
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ક્લિનિકલ ડિરેક્ટર ડૉ. શશીકાંત જાધવે જણાવ્યું હતું કે, ‘અમે શ્યોરક્લોટના લૉન્ચ માટે એક્ઝિઓ બાયોસોલ્યુશન્સ સાથે જોડાઇને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યાં છીએ. પશુચિકિત્સાના ક્ષેત્રમાં આ પ્રકારનું અત્યાધુનિક નવીનીકરણ પ્રશંસાપાત્ર છે. પશુઓની ઇજાની સારવાર માટે આ પ્રકારનાં સંકટમાંથી ઉગારનારા ઉત્પાદનો તકલીફમાં રહેલા પ્રાણીઓની હોસ્પિટલમાં વધુ સારી રીતે સારવાર કરવામાં અમને મદદરૂપ થશે અને પ્રાણીઓને ઝડપથી સાજા કરશે, જેના પરિણામે અમે શક્ય એટલા વધુ પ્રાણીઓની સારવાર કરી શકીશું. તે મને એક ઉજ્જવળ ભવિષ્યની આશા સમાન જણાઈ રહ્યું છે, ફક્ત પ્રાણીઓ માટે જ નહીં પરંતુ મનુષ્યો માટે પણ.’
 
એક્ઝિઓ બાયોસોલ્યુશન્સના R&Dના હેડ ડૉ. કિરન સોનાજે એ કહ્યું હતું કે, ‘શ્યોરક્લોટના ઉત્પાદનો 100% કાઇટોસનમાંથી બનાવવામાં આવેલ છે, જે શેલફિશમાંથી કાઢવામાં આવેલ એક કુદરતી બાયોપૉલીમર છે, જે રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને ઘા પર રૂઝ લાવે છે અને આ જ બાબત શ્યોરક્લોટના ઉત્પાદનોને અન્ય ઉત્પાદનોથી અલગ પાડે છે. 
 
આ ઉપરાંત તે બિનઝેરી છે - જે ખૂબ જ સારી બાબત છે, કારણ કે, પ્રાણીઓ સામાન્ય રીતે તેમના ઘાને ચાટવાની આદત ધરાવતા હોય છે. મને તે બચકું ભરવાને કારણે થયેલા ઘાની સારવારમાં સવિશેષ અસરકારક લાગ્યું છે, જેની પર સર્જરી દરમિયાન રક્તસ્રાવને અટકાવવા માટે ટાંકા લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તેમજ સર્જરી બાદ ચેપ લાગવાનું જોખમ પણ ખૂબ વધારે હોય છે.’
 
શ્યોરક્લોટ અલગ-અલગ પ્રકારના ઘાને અનુરૂપ પેચ, ગોઝ, પાઉડર અને સ્પ્રેના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આકસ્મિક રીતે થયેલી ઇજા અને ઊંડા ઘા, ધમની અથવા નસમાંથી થતાં રક્તસ્રાવને અટકાવવા, સર્જરી/તેની પ્રક્રિયા દરમિયાન થતાં રક્તસ્રાવ, પ્રાણીઓના પંજા અને ખરીમાંથી થતાં રક્તસ્રાવ તથા પ્રાણીઓની છાતી અને પેટ પર થયેલી ઇજાની સારવાર કરવા માટે તેની ભલામણ કરવામાં આવે છે.