રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (13:17 IST)

ગુજરાતના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, હિરણ નદીમાં પૂર આવ્યું

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસર ધોધમાર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના તાલાલા-સુત્રાપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને હિરણ નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે વેરાવળ તાલાલા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાલાલ રોડ પર કોઝ વેની ગોકળગતીએ ચાલતી કામગીરીના પગલે ત્રણ કોઝ વેના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયુ છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30૦ મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી, માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો.ભાવનગર જિલ્લાની વાત કરીએ તો, તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લીલીયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વીંછીયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે.