રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2018 (13:27 IST)

અમદાવાદમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા

અમદાવાદમાં અન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતીએ ગુરુવાર  બપોરે બિલ્ડિંગના છઠ્ઠા માળના પેસેજમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ આત્મહત્યા ડિપ્રેશનમાં આવીને કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.  હાલ શ્રેયા નામની યુવતીની પરીક્ષા ચાલી રહી હતી, જો કે તેને છેલ્લા ત્રણ દિવસથી કોલેજમાં રજા હવાથી તે ઘરે જ રહેતી હતી. બપોરના 3 વાગ્યાની આસપાસ શ્રેયા ઘરે એકલી હતી, ત્યારે તેણીએ ડી બ્લોકના છઠ્ઠામાળના પેસેજમાંથી નીચે ઝંપલાવતાં શ્રેયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અંગે સેટેલાઈટ પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રેયાના પિતા અશ્વિનભાઈએ પોલીસને આપેલી માહિતી અનુસાર, શ્રેયાની તબિયત સારી રહેતી નહતી. તેને છેલ્લા કેટલાક સમયથી તાવ પણ આવતો હતો અને તેને અશક્તિ પણ લાગતી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યુ અનુસાર શ્રેયા મળતાવડા સ્વભાવની હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈની સાથે બહુ વાતચીત કરતી ન હતી. આ અંગે સેટેલાઈટ પોલીસના પી.આઈ. કે.ડી ખાંભલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે આ ઘટનામાં ડિપ્રેશનમાં આવીને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે. જો કે પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.શ્રેયાનાં મોત બાદ પોલીસે તેના ઘરમાં તપાસ હાથ ધરતાં અંગ્રેજી ભાષામાં લખાયેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણીએ પોતે ભરેલા અંતિમ પગલાં પૂર્વે પોતાના પરિવારને સંબોધન કરીને લખાણ લખ્યું છે. જો કે પોલીસે આ સુસાઈડ નોટની માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ તબક્કે મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગે રહસ્ય જળવાઈ રહ્યું છે.