માતાપિતાએ ગુટખા ખાવાની ના પાડતા સગીર દીકરી ઘર છોડીને ભાગી
(સાંકેતિક ફોટા)
અમદાવાદનાં અમરાઇવાડીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ ગુટખા ખાવાની ના પાડતા 15 વર્ષની દીકરી ઘર છોડીને જતી રહી હતી. આ મામલે અમરાઇવાડી પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડીની સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરાને ગુટખા અને મસાલો ખાવાની આદત પડી ગઇ હતી. સગીરા તેના માતા-પિતા અને બે બહેન સાથે રહે છે. સગીરાએ ગત માર્ચમાં ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થઈ હતી.થોડા દિવસ પહેલા સગીરાની માતાને ખબર પડી હતી કે દીકરી ગુટખા અને સોપારીવાળો મસાલો ખાય છે. ત્યારે જ તેણે દીકરીને ન ખાવા કહ્યું હતું. પરંતુ તે માની ન હતી. જેથી તેમણે સગીરાના પિતાને આ વાતની જાણ કરી હતી. પિતાએ પુત્રીને ઠપકો આપી આવું ન કરવા સમજાવ્યું હતું.માતાપિતાએ સમજાવતા પણ સગીરાએ તેની આ કુટેવ છોડી ન હતી. ચાર દિવસ પહેલા ઘરમાં જ પિતાએ ફરી દીકરીને મસાલો અને ગુટખા ખાતા જોઇ ગયા હતા. જેથી પિતાએ તેને ખખડાવી હતી. જે બાદ બપોરે તે અચાનક ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. સાંજ સુધી ઘરે ન આવતા માતાપિતાએ આસપાસ અને સગાસંબંધીને ત્યાં દીકરીની શોધખોળ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી ન હતી. જેથી તેમણે આ અંગેની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.