શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (16:52 IST)

મેઘરજની અરેરાટી ભરી ઘટનાઃ પતિ કમરમાં ડાયનામાઈટ વીંટાળી પત્નીને ભેંટી પડ્યો, ધડાકાભેર બ્લાસ્ટ થતા બંનેના મોત

અરવલ્લીના મેઘરજના બીટી છાપરામા હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાના શરીર પર ડીટોનેટર બાંધી પત્નીને બાથ ભીડી લેતા જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં બંનેના મોત નિપજતા ચકચાર મચી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી પત્નીને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી નાખી હતી. જેને લઈ ભારે સનસનાટી મચી હતી. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાને પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથધરી એફએસલની મદદ લીધી હતી. પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

રાજ્યમાં ઘરકંકાશ કે શંકામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છ. નજીવી બાબતે પણ કત્લેઆમ થઈ રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં પણ એક પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે. બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીની હત્યા કરવા પહોંચેલા પતિએ હત્યા મામટે એવો રસ્તો અપનાવ્યો કે તેમાં પોતાના પણ પ્રાણપંખેરું ઉડી ગયા.બીટી છાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા.

લગ્નના સુખી સંસારના ભાગરૂપે 20 વર્ષીય એક પુત્ર પણ છે. શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા, ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમાં શારદાબેન અને તેના પતિના મોત નિપજ્યા હતા.લાલાભાઇના શરીરે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા. પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી આ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.