બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 14 જુલાઈ 2023 (15:09 IST)

Vrat and Festival of Shravan - જાણો શ્રાવણમાં માસમા ઉજવાતા વ્રત તહેવારો પાછળનુ મહત્વ

વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે.
 
રક્ષાબંધનઃ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી મોકલે અથવા રાખડી બાંધે. બહેન વર્ષ દરમિયાન ન મળી હોય પણ રક્ષાબંધને અવશ્ય ભાઈને મળવા આવે જ. પરંપરાગત આ તહેવાર કુંતામાતા અભિમન્યુને રાખડી બાંધે છે. ક્યાંક વિધર્મી ભાઈ હોય તો પણ ધર્મ અને જ્ઞાતીના વાડા તોડી પવિત્ર પ્રેમ પ્રગટ થાય છે તે આપણે જોઈએ છીએ.
 
* નાગપંચમીઃ શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે 'કુલેર'નો લાડુ બનાવી, નાગદેવતા (ફોરામાં અથવા દિવાલ ઉપર)નું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શીવજીને યાદ કરી પૂજન કરે છે.
 
- શ્રાવણમાં ગાય તુલસી વ્રતનુ પણ ઘણુ મહત્વ છે. ગાય તુલસી વ્રત  શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણુ ફળ મળે.
 
* રાંધણ છઠઃ શીતળા માતાને યાદ કરી એક દિવસ ઠંડું ખાવાનો રીવાજ છે તેથી રાંધણ છઠના દિવસે અનેક જાતના પકવાનો કરી બીજે દિવસે ઠંડું ખાવાનો રીવાજ છે.
 
* શીતળા સાતમઃ જુના વખતમાં નાના મોટા ગમે તેવા માણસને આખા શરીરે મકાઈના દાણા જેવા ફોડલા થાય ત્યારે શીતળા માતાની બાધા રાખી ઠંડુ ખાવાનું રાખતા હતાં અને શીતળા સાતમે સાત ઘર માગણ થઈ પાડોશમાંથી માંગીને ખાતા અને શીતળા માતાના મંદિરે જઈ માનતા પુરી કરતા હતા. આજે પણ શીતળા માતાના મંદિરે લોકો દર્શન કરવા શીતળા સાતમે જાય છે.
 
* જન્માષ્ટમીઃ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ હોઈ આ દિવસે મંદિરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. મંદિરોમાં નાનકડા પારણામાં ભગવાનને હિંચકા નાખી આનંદ મેળવનાર શ્રધ્ધાળુઓ જાગરણ કરે છે. દ્વારિકા અને ડાકોર જેવા મોટા મંદિરોમાં ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવનો લાઈવ પ્રોગ્રામ ટી.વી. ઉપર દર્શાવવામાં આવે છે. કેટલાક ભક્તો રાત્રે કૃષ્ણ જન્મ પછી ભોજન કરી ઉપવાસનાં પારણાં કરે છે તો કોઈ બીજે દિવસે પારણાં કરે છે.
 
* મેળાઓઃ શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે ઘણા ગામડાં અને શહેરોમાં નાના મોટા મેળાઓ ભરાય છે. સાબરકાંઠાના 'ભવનાથ' અને વિરેશ્વર, શામળાજી જેવા તિર્થધામોમાં મેળાઓ ભરાય છે.
 
* ભગવાન શિવજીઃ બલીરાજાની કથા મુજબ દેવપોઢી એકાદશી પછી ભગવાન શીવજી પાતાળમાંથી પૃથ્વી ઉપર આવે છે. તેથી ચોમાસામાં ઝેરી નાગ વગેરે સર્પનો ઉપદ્રવ વધે છે. કોઈ શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં શિવ મંદિરે લઘુરૃદ્ર અથવા મહારૃદ્રનું આયોજન કરી ભગવાન શિવજીની આરાધના કરે છે.

લોકોને ભગવાન સાથે જોડવા અને ભગવાનની ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. દરેક જગ્યાએ મંદિરોમાં લોકોની ભીડ, ભજન-કીર્તનનો નાદ, મંત્રોચ્ચાર અને મોટા મેળાઓનું આયોજન આ મહિનાનું મહત્વ વધારે છે. શ્રાવણ મહિનામાં મહિલાઓ ઉપવાસ કરે છે અને તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. ભક્તોની સૌથી વધુ ભીડ સાવન મહિનામાં જ થાય છે. ભારતમાં પ્રસિદ્ધ ભગવાન શિવના ભક્તો દ્વારા કરવામાં આવતી કાવડ યાત્રા પણ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.
 
શ્રાવણ મહિનો ખેડૂતો માટે પણ મહત્વનો છે કારણ કે આ સમયે ખેડૂતો અનેક પ્રકારના અનાજ, શાકભાજી અને ફૂલો વગેરેની વાવણી કરે છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, સૂર્યમુખી અને અનેક પ્રકારની શાકભાજી વગેરેની વાવણી શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.
 
કહેવા માટે તો શ્રાવણ નો મહિનો હિંદુ ભક્તિનો મહિનો છે, પરંતુ શ્રાવણ આ મહિનો દરેક માટે રાહતનો મહિનો છે. એપ્રિલથી જૂન સુધીની કાળઝાળ ગરમીના કારણે મનુષ્ય અને પશુ બંનેને તકલીફ પડે છે, વૃક્ષો, છોડ,
 
નદીઓ, નહેરો, તળાવો અને કૂવાઓ સુકાઈ જાય છે અને ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો દયનીય બને છે. શ્રાવણ માસમાં પડેલો ભારે વરસાદ ધરતીના આ દયનીય વાતાવરણને નવજીવન આપે છે અને સર્વત્ર ખુશીની નવી લહેર છવાઈ જાય છે.
 
આ રીતે પવિત્ર શ્રાવણ માસ અનેક તહેવારોની હારમાળા લઈને આવે છે અને દેવમંદિરો પણ ભક્તોથી ઉભરાય છે. આપણે પણ શ્રાવણ માસમાં ભગવાન શિવજી અને બાલકૃષ્ણના દર્શન કરી પાવન થઈએ.