સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (11:11 IST)

પ્રો કબડ્ડી લિગ-7ની ગુજરાત અને બંગાળની મેચ જોરદાર રસાકસી બાદ ટાઈ

કોલકાતા: મનિન્દર સિંહની શાનદાર રેડ અને બલદેવ સિંહના અસરકારક ટેકલની મદદથી પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોસ ઈન્ડોર સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં યજમાન બંગાળ વોરિયર્સ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ વચ્ચેની મેચ જારદાર રસાકસી બાદ ટાઈમાં પરિણમી હતી. મનિન્દરે 14 રેડમાં નવ પોઈન્ટ જ્યારે બલદેવે ચાર ટેકલમાં 6ણ પોઈન્ટ મેળવીને છેલ્લી ઘડી સુદી જોરદાર લડત સાથે મેચને ટાઈ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગુજરાત ફોર્મ્યુચ્યુન જાયન્ટસે બંગાળ વોરિયર્સ સામેની આજની મેચમાં ટોસ જીતીને કોર્ટની પસંદગી કર્યા બાદ બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કરની શરૂઆત થઈ હતી અને બંગાળના રાઈડર મનિન્દર સિંહે આ મેચમાં શાનદાર શરૂઆત કરવા સાથે પ્રો કબડ્ડી લિગમાં તેની 500 સફળ રેડ નોંધાવવાની સિધ્ધિ મેળવી હતી. બંગાળે આ દરમિયાન પાતળી સરસાઈ સતત જાળવી રાખી હતી. ગુજરાતના મોરે જીબીએ પણ પ્રો કબડ્ડી લિગમાં તેની 100મી સફળ રેડ પૂરી કરી હતી. એટલું જ નહિ ગુજરાતના સ્ટાર રાઈડર સચિન તનવરે સ્પર્ધાના આ સત્રમાં તેની 50મી સફળ રેડ કરી હતી. જોકે, જોરદાર રસાકસીના અંતે હાફ ટાઈમે બંગાળની ટીમ પ્રવાસી ગુજરાતથી 15-13થી આગળ રહી હતી. બીજા હાફમાં ગુજરાતના ખેલાડીઓએ જોરદાર વળતી લડત આપતા થોડી જ વારમાં બંગાળને ટક્કર આપવાનું શરૂ કર્યું હતું. મેચ પૂરી થવાની 17 મિનિટ બાકી હતી ત્યારે સ્કોર 16-16થી બરોબર થયો હતો. એ પછી ગુજરાતે સરસાઈ મેળવી હતી પણ ફરી પાછો 19-19 પર સ્કોર સરભર થયો હતો.
કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોસ ઈન્ડોર સ્ટેડિયમ પર આ મેચ રમાઈ એ પહેલાં ગુજરાતની ટીમ 12 મેચમાં સાત હાર, પાંચ વિજય અને 30 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતી જ્યારે બંગાળ વોરિયર્સ 12 મેચમાં છ વિજય, ચાર પરાજય અને બે ટાઈ તથા 40 પોઈન્ટ સાથે ચોથા ક્રમે હતી. સમગ્રતઃ બંગાળની ટીમ સ્વભાવિક જ ગુજરાત કરતા વધુ સારી સ્થિતિ સાથે મેચમાં ઊતરી હતી જ્યારે ગુજરાત સ્પર્ધામાં પાછા ફરવાના સંઘર્ષને મજબૂત કરવા મેદાનમાં ઊતરી હતી.