રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2020 (12:49 IST)

અમદાવાદમાં 80 હજારથી વધુ લોકોએ ટ્રેનની મુસાફરી ટાળી દીધી

કોરોના વાયરસના કારણે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ગત વર્ષની તુલનામાં તા.૧ થી ૧૫ માર્ચ સુધીમાં  ટિકિટ રિઝર્વેશન કરાવવામાં  ૮૫,૨૬૨ મુસાફરોની ધમરખ  ઘટ જોવા મળી રહી  છે. જેના કારણે રેલવેને  રૃપિયા  ૫.૮૫ કરોડની જંગી ખોટ સહન કરવાની નોબત આવી  છે.  આમ છેલ્લા પંદર દિવસમાં અમદાવાદ વિભાગમાં ૧૬.૫૭ ટકા મુસાફરોની ઘટ અને ૧૮.૨૫ ટકા આવક ઘટ જોવા મળી રહી છે.  આજે તા.૧૫ માર્ચની તુલના કરાય તો ૨૨,૨૫૩ મુસાફરો ઘટયા છે જેના કારણે રેલવેને  એક જ દિવસમાં દોઢ કરોડની આવક  ઘટ થઇ છે.
અમદાવાદ વિભાગમાં ગત વર્ષે ૧ થી ૧૫ માર્ચ સુધી ૫,૧૪,૫૦૧ મુસાફરોએ ટિકિટ રિઝર્વેશન કરાવીને રેલવેને ૩૨.૧૦ કરોડની આવક કરી આપી હતી. જ્યારે આ વર્ષના આ  સમયગાળામાં ૪,૨૯,૨૩૯ મુસાફરો રિઝર્વેશ કરાવ્યું જેના થકી રેલવેને ૨૬.૨૪ કરોડની આવક થઇ છે. 
રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસના કારણે રેલવેના મુસાફરોમાં ઘટ જોવા મળી રહી છે. મુસાફરો ટિકિટ રિઝર્વેશન ઓછુ કરાવી રહ્યા છે તેમજ ટિકિટો રદ કરાવી  રહ્યા છે. આગામી તા.૨૯ માર્ચ સુધી ખાસ તકેદારી માટેના જે  પગલા રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહ્યા છે. તેને જોતા લોકો પણ સાવચેતી દાખવી રહ્યા છે અને શક્ય હો ત્યાં સુધી બિનજરૃરી પ્રવાસ કરવાનું માંડી વાળી રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે. જોકે યુટીએસ એટલેકે જનરલ ટિકિટના મુસાફરોની સંખ્યા હાલના તબક્કે યથાવત રહેવા પામી છે.
ઉનાળા વેકેશનમાં પણ આ વખતે નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે તેમ હોવાનું રેલવેના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે.  ટ્રેનો અનેક રાજ્યોમાંથી પસાર થતી હોય છે.  હજારો મુસાફરોનો ભેટો મુસાફરી દરમિયાન થતો હોય છે. તેવા સંજોગોમાં કોરોના વાયરસ ફેલાવાની સૌથી વધુ શક્યતા રહેલી હોવાથી મુસાફરા હાલના તબક્કે કોઇપણ પ્રકારનું જોખમ ખેડવા માંગતા નથી તે  જણાઇ રહ્યું  છે. જેના પરિણામે તેઓ રિઝર્વેશન રદ કરાવીને ઘરે  જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.ટ્રેનોમાં જંતુનાશક દવાનો છંટકાવ ચાલુ કરાયો છે.   ટ્રેનોમાંથી પડદા , ચાદરો દૂર કરાઇ રહ્યા છે. માસ્ક પહેરવા ઉપરાંત હાથ વારંવાર ધોવા માટેની સુચના અપાઇ રહી છે. રેલવે દ્વારા તકેદારાની તમામ પગલા લેવાઇ રહ્યા છે.