ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. સુરત સમાચાર
Written By
Last Modified: સુરતઃ , ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:39 IST)

સુરત ભાજપમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિઃ નેતાઓ સામેના પત્રિકાકાંડમાં પક્ષનો જ કાર્યકર નીકળ્યો

Situation in Surat BJP is worst
Situation in Surat BJP is worst
ચોર્યાસીના ભાજપના ધારાસભ્ય સંદિપ દેસાઈએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી
 
The battle within Surat BJP - તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે 80 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતી પોસ્ટના વીડિયોને લઈને ક્રાઈમ બ્રાન્ચે જિનેન્દ્ર શાહની ધરપકડ કરી હતી. હવે પાટીલ સહિત રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય પર ભ્રષ્ટાચાર જેવા ગંભીર આરોપો સાથેની પત્રિકા ફરતી કરીને બદનામ કરવાની સુરત ક્રાઈમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ પત્રિકાને લઈ નોંધાયેલી ફરિયાદમાં એવી વાત સામે આવી છે કે, ભાજપના નેતાઓને પોસ્ટ મારફત મોકલવામાં આવેલી પેન ડ્રાઈવ પત્રિકામાં આ જ જિનેન્દ્ર શાહનો વીડિયો ખુદ ભાજપના દક્ષિણ ગુજરાતના કાર્યકર દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ સામે બદનામીની ફરિયાદ નોંધાઈ છે.
 
નેતાઓના ઘરે ટપાલમાં પેનડ્રાઈવ અને લેટર મોકલ્યો
ભાજપ પ્રમુખ પાટીલ, સરકારના મંત્રી અને ચોર્યાસીના ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપ સાથેની પત્રિકા ફરતી કરવા અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, જૂન મહિનામાં મારા ઘરે પોસ્ટમેન એક ટપાલ આપી ગયો હતો. જેમાં એક પેન ડ્રાઈવ અને ટાઈપ કરેલા બે કાગળો હતાં. જેમાં મારી સામે તેમજ પક્ષના પ્રમુખ સી.આર.પાટીલ સામે જુદા જુદા આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેમાં પાટીલે ભાજપના નેતાઓ પાસેથી ખાતાની ફાળવણી માટે મોટી રકમો લઈને ખાતાની વહેંચણી કરવામાં આવી છે. એવા ગંભીર આક્ષેપો સાથે ટાઈપ કરેલો લેટર હતો, સાથે વીડિયોની પેન ડ્રાઈવ પણ રાખવામાં આવી હતી.
 
આ પ્રકારની પત્રિકાથી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ
ધારાસભ્ય સંદિપ દેસાઈએ ભાજપના અન્ય પદાધિકારીઓ સાથે વાત કરતાં તેમને જાણવા મળ્યું હતું કે, ટપાલ મારફતે આ પ્રકારના કવર ગુજરાતના તમામ મોટા નેતાઓને મોકલવામાં આવ્યાં હતાં. આ પ્રકારની પત્રિકાથી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે. જેથી તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાંચમાં અરજી કરાઈ હતી. નેતાઓને મળેલા કવર કોસંબા ખાતે રહેતા દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલ નામના બે શખ્સે ભરૂચ તથા પાલેજ રેલવે સ્ટેશન ખાતેની ટપાલ પેટીમાં પોસ્ટ કરતા જણાઈ આવ્યા હતા. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ બંને શખસની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેમને આ લખાણ તથા પેન ડ્રાઈવ સાથેનું કવર પોસ્ટ કરવા માટે ભાજપના જ વર્ષોથી જોડાયેલા ઘનિષ્ઠ કાર્યકર અને ઉંમરપાડા તાલુકાના પ્રભારી તથા તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશસિંહ રણજિતસિંહ સોલંકીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું.