રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (15:06 IST)

Economic Survey 2022: નિર્મલા સીતારમણે ઈકોનોમિક સર્વે રજુ કર્યો, FY22 માટે 9.2% GDP ગ્રોથનુ અનુમાન, જાણો મુખ્ય વાતો

Economic Survey 2022: આર્થિક સર્વે 2021-22 રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આર્થિક સર્વે રજૂ કર્યો હતો, જેમાં નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારના બજેટ પહેલા અર્થતંત્રની સ્થિતિની વિગતો આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ 2022 થી માર્ચ 2023) દરમિયાન ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 8-8.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
 
બીજી તરફ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના અનુમાન મુજબ આર્થિક વિકાસ દર 9.2 ટકા રહી શકે છે. સમીક્ષા 2021-22 અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની સ્થિતિ તેમજ વિકાસને વેગ આપવા માટે હાથ ધરવામાં આવનાર સુધારાઓની વિગતો આપે છે. નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આર્થિક સર્વે ભારતીય અર્થતંત્રની સ્થિતિને મજબૂત કરવા પુરવઠા-બાજુના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે  કે દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનો આ પહેલો આર્થિક સર્વે છે, જેમણે થોડા દિવસ પહેલા જ ચાર્જ સંભાળ્યો હતો.
 
 
પડકારોનો સામનો કરવા માટે મજબૂત સ્થિતિમાં છે ભારત 
 
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.9 ટકા રહેશે. આ નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક વૃદ્ધિ 11.8 ટકા રહેશે. તે જ સમયે, સેવા ક્ષેત્રની વૃદ્ધિ 8.2 ટકા રહેવાનો અંદાજ છે. કંસ્ટ્રક્શન  ક્ષેત્રનો વિકાસ દર 10.7% રહેવાની ધારણા છે. 2021-22 દરમિયાન, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) 15% સાથે પ્રી-કોવિડ સ્તરે પહોંચી શકે છે. સર્વેમાં કહેવાયું છે કે તેલના ભાવ પ્રતિ બેરલ $70-75ની રેન્જમાં રહેશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન સમય જતાં સુધરશે. આર્થિક સર્વેમાં જણાવાયું છે કે મેક્રો ઇકોનોમિક સંકેતો દર્શાવે છે કે ભારત નાણાકીય વર્ષ 2022-23માં પડકારોનો સામનો કરવા માટે મજબૂત સ્થિતિમાં છે.