બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:35 IST)

લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓનો આક્ષેપ, વકિલોની ફી ચૂકવવાના બહાને મોટી રકમની ઉચાપત

મુંબઈ અને ગુજરાતમાં પાલનપુર ખાતે લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ આરોપ મૂક્યો છે કે તેમના વિરોધિ જૂથે વકિલોની ફી ચૂકવવાના બહાને મોટી રકમની ઉચાપત કરી છે.
 
વાસ્તવમાં પ્રશાંત મહેતા કે જે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેમણે પત્રકારોને  જણાવ્યું હતું કે "વિજય મહેતા, પ્રબોધ મહેતા, રશ્મી મહેતા, રેખા શેઠ અને અન્ય લોકોએ કોવિડ-19 મહામારી શરૂ થયા પછી વકિલોની લીગલ ફી પાછળ રૂ.7 કરોડથી વધુ રકમ ખર્ચી છે. આ નાણાં બોર્ડ અને ચેરિટી કમિશ્નરની મંજૂરી લીધા વગર ચૂકવવામાં આવ્યા છે."
 
જેમના માતા-પિતા કિરીટ અને ચારૂ મહેતાની નિમણુંક ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે કરાઈ હતી તે પ્રશાંત મહેતા જણાવે છે કે લેઝરની એન્ટ્રીઓમાંથી જાણવા મળ્યું છે કે વકિલોને જંગી રકમ ચૂકવીને કેશ એડજેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે.
 
તેમણે જણાવ્યું કે છેલ્લા 10 થી 12 વર્ષમાં ટ્રસ્ટીઓએ તેમના વ્યક્તિગત કાનૂની કેસમાં રૂ.50 કરોડની કાનૂની ફી ચૂકવી છે. વ્યક્તિગત કાનૂની વિવાદોમાં કાયદો નેવે મૂકીને ટ્રસ્ટના ભંડોળનો ઉપયોગ કરીને આ ટ્રસ્ટીઓએ તમામ ધોરણોનો ભંગ કરીને ટ્રસ્ટમાંથી મોટી રકમની ઉચાપત કરી છે. 
 
ઉપર જેમના નામ જણાવાયા છે તે ગેરકાયદે ખર્ચ કરનાર ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ વડોદરાના મહારાજાના સેફ વોલ્ટમાંથી વર્ષ 2019માં પાલનપુરમાં મૂકેલા રૂ.45 કરોડના હીરા- ઝવેરાત, ચાંદીના વાસણો, ફેન્સી હીરા વગેરેની લૂંટનો આક્ષેપ કરીને પ્રશાંત મહેતાએ પિટીશન ફાઈલ કરીને તેમની સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે. આ કિંમતી ચીજો યોગ્ય સમયે પાલનપુરમાં લીલાવતી હોસ્પિટલના વિસ્તરણ માટે ઉપયોગમાં લેવાઈ હતી.
 
પોલિસે પ્રાથમિક ઈન્કવાયરી શરૂ કરીને મુંબઈની ઓફિસોમાં તપાસ હાથ ધરીને કેટલોક માલ-સામાન કબજે કર્યો છે. પ્રશાંત મહેતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે ગેરકાયદે કૃત્યો કરનાર ટ્રસ્ટીઓ સામે તેમના ગૂના બદલ એફઆઈઆર રજીસ્ટર્ડ કરવી જોઈએ, પરંતુ પોલિસે આ ચીજો પાલનપુરમાં જેમની પર આરોપ મૂકાયો છે તે વ્યક્તિઓને સોંપી દીધી છે. 
 
ગુનાના તમામ પૂરાવા હોવા છતાં ગેરકાયદ કૃત્યો કરનાર ટ્રસ્ટીઓ સામે એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યો છે ત્યારે પ્રશાંત મહેતાને અન્ય કોઈ માર્ગ નહીં રહેતા ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી છે.