બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (11:35 IST)

આ બિમારીએ 18 હજાર ગુજરાતીઓને ભરખી ગઇ, મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને

Tuberculosis
ભારતને ‘ટીબી મુક્ત’ બનાવવાનું અભિયાન ભલે શરૃ કરાયું હોય પરંતુ હાલની સ્થિતિ જોતાં આ લક્ષ્યાંક સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. 2020થી ઓક્ટોબર 2022 સુધી ગુજરાતમાંથી 18106 વ્યક્તિ ટીબી સામે જીવ ગુમાવી ચૂકી છે.
 
ગુજરાતમાં 2020માં 6870, 2021માં 5472 અને ઓક્ટોબર 2022 સુધી 5764 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા છે. ઓક્ટોબર 2022 સુધી ટીબીથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 14010 સાથે મોખરે,મહારાષ્ટ્ર 6270 સાથે બીજા, ગુજરાત ત્રીજા અને 5547 સાથે મધ્ય પ્રદેશ ચોથા સ્થાને છે.
 
એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 1 લાખની વસતીએ સરેરાશ 137 વ્યક્તિ ટીબી ધરાવે છે. સમગ્ર દેશમાં ટીબી ધરાવનારાઓનું પ્રમાણ 1 લાખે 312 છે. ગુજરાતમાં ટીબીના દર્દીઓ 2020માં 120560, 2021માં 144731, અને ઓક્ટોબર 2022 સુધી 125788 હોવાનું સામે આવ્યું છે
 
જ્યારે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન રાજ્યમાં 68718 લોકોને ટીબીની અસર થઈ હતી. આ સ્થિતિ ટીબીથી થતા મૃત્યુ દરના 4 ટકાથી વધુ છે. આ સિવાય ગુજરાતમાં દર મહિને સરેરાશ 13 હજારથી વધુ લોકો ટીબીથી પીડિત છે. 5 મહિનામાં ટીબીના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયેલા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 6896 સાથે પ્રથમ, મહારાષ્ટ્ર 2845 સાથે બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં ટીબીના કેસોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018 થી મે 2022 સુધીમાં ગુજરાતમાં કુલ 6.47 લાખથી વધુ લોકો ટીબીથી પીડિત છે.
 
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ટીબીના દર્દીઓમાં વધારો વધુ ચિંતાજનક છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધુ છે તે મુજબ અલગ-અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. ટીબીના દર્દીઓને મફત દવાઓ પણ આપવામાં આવે છે. જ્યારે કો-રોબિડ વસ્તી વધુ હોય છે, ત્યારે સક્રિય ટીબીના કેસોને તપાસવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ટીબીની તપાસ કે સારવાર માટે કોઈ પણ વ્યક્તિએ દૂર સુધી જવું ન જોઈએ. આ માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહી છે.