ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (12:31 IST)

સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડીથી કોરોનાના દર્દી ઘરે પહોંચી જતાં સ્થાનિકોમાં ગભરાટ

કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદ સિવિલ હોસ્પિટલમાં કોઈ ધ્યાન અપાયું ન હોવાથી બાપુનગર અને રખિયાલના અનેક દર્દીઓ હોસ્પિટલમાંથી નીકળી પોતાના ઘરે આવી ગયા હતા. જોકે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવા દર્દીઓને પાછા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારે બાપુનગર સુન્દરમનગર અને રખિયાલ વિસ્તારમાં કોરોનાના દર્દીઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે 108માંથી સિવિલ પહોંચેલા દર્દીઓને જોવાની કોઈએ તસદી લીધી ન હતી. બે-ત્રણ કલાક રાહ જોયા બાદ કંટાળીને આ લોકો પગપાળા પોતાના ઘરે જતા રહ્યા હતા. સવારે હોસ્પિટલ લઈ જવાયા બાદ કોરોનાના દર્દીઓ ઘર પાસે જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે સ્થાનિક આગેવાનોને જાણ થતાં તેમને આવા દર્દીઓને સમજાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ફરીથી દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ સોનાની ચાલી વિસ્તારમાંથી સિવિલમાં લઈ જવામાં આવેલ એક કોરોના પોઝિટિવ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો.  કોરોનાના દર્દીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ કલાકો ઊભા રહ્યા છતાં કોઈ આવ્યું ન હતું. એમને સારવાર માટે મદદ કરવા કોઈ નજરે ના પાડતા કંટાળીને તેઓ ઘરે જતા રહ્યા હતા.