ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 મે 2020 (13:50 IST)

વાંચી લો અમદાવાદનો આ કિસ્સો શું આ રીતે આપણે કોરોના સામે જંગ જીતીશું?

કોરોના મામલે તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ અંતિમસંસ્કાર પણ થઇ ગયા બાદ હોસ્પિટલે દર્દીના પરિવારજનોને ફોન કરીને પેશન્ટ ક્યાં છે? તેવી પૃચ્છા કરી હતી! મૃતકના પરિજનોએ હોસ્પિટલ તંત્રને મૃતક બે વર્ષથી લકવાગ્રસ્ત અને ઘર બહાર ગયા ન હતા તો તેમને કોરોના પોઝિટિવ કઇ રીતે આવ્યો? તેવો વળતો સવાલ કરીને ઘરના તમામ 8 સભ્યના રિપોર્ટ કરવા આજીજી કરી હતી, પરંતુ તંત્રએ આવા કોઈ ટેસ્ટ કરવા ઈનકાર કરી દીધો હતો! આ ઘટનાથી ડઘાઈ ગયેલાં પરિવારજનો કહી રહ્યા છે કે શું આ રીતે કોરોના સામે જંગ જીતાશે? શહેરના ઓઢવમાં રહેતા ઇન્દ્રવદનભાઇ રામીને બે વર્ષ પહેલાં લકવાની અસર થઇ હતી. જેથી તેઓ પથારીવશ હતા. દરમિયાન 4 મેના રોજ  તેમને શ્વાસ સહિતની તકલીફ થતા દીકરાએ તેમને સિવિલમાં દાખલ કર્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું અને 5 મેના રોજ તંત્રએ તેમની લાશ સોંપી હતી. સાથોસાથ દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું કહીને તે મુજબ અંતિમવિધિ પણ કરાવી હતી. બીજી તરફ 6 મેના રોજ રાત્રે 10 વાગ્યે (મૃત્યુના 36 કલાક બાદ) સિવિલ હોસ્પિટલમાંથી ઇન્દ્રવનદભાઇના દીકરાને ફોન આવ્યો હતો અને એવી પૃચ્છા કરી હતી કે, ઇન્દ્રવદનભાઇ ક્યાં છે? તેઓનો કોરોના પોઝિટિવ છે. ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે, તેઓ ગઇકાલે જ મૃત્યુ પામ્યાં હતાં અને અંતિમ વિધિ પણ થઇ ગઇ છે.  પિતાજીનું મૃત્યુ કોરોનાથી મૃત્યુ થયું હોવા છતા તંત્રએ તેમના ઘરના બીજા 8 સભ્યને કોરેન્ટાઇન કર્યા ન હતાં. અંતે જ્યારે તેમને કોરેન્ટાઇન કરાયા ત્યારે દીકરાએ અધિકારીઓને પૂછ્યું કે,મારા પિતા બે વર્ષથી ક્યાંય બહાર ગયા નથી. તેથી અમારામાંથી કોઇનો ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. અમારા ઘરમાં સૌથી મોટા 82 વર્ષના દાદી છે અને સૌથી નાનો 9 મહિનાનો દીકરો છે. જેથી તમને ઘરના સભ્યોના કોરોના ટેસ્ટ કરો. જોકે, તંત્રએ કિટ ન હોવાનું જણાવી ટેસ્ટ કરવા ઇનકાર કરી દીધો હતો. જેથી તેમણે દાદી અને દીકરાનો રિપોર્ટ કરવા આજીજી કરી છતાં રિપોર્ટ કરાયા નહોતા.