શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (11:52 IST)

અમદાવાદના વેપારીને યુવતીએ બનાવ્યો હનીટ્રેપનો શિકાર, અંગતપળોનો વીડિયો ઉતારી પૈસા પડાવ્યા

નરોડા વિસ્તારમાં બ્લેકમેઇલિંગ અને હનીટ્રેપનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં એક વેપારીને યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી મોંઘી પડી હતી. વેપારીને ફેસબુક પર યુવતીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ એક્સેપ્ટ કરતાની 15 મીનિટમાં જ તેઓના ફોન પર યુવતીએ વ્હોટ્સએપ મેસેજ કર્યો. તે બાદમાં મિત્રતા કેળવી વેપારીને ગાંધીનગર ફરવા લઈ જઈ યુવતીએ હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. બાદમાં યુવતીએ દુષ્કર્મ કર્યાની ધમકી આપી પૈસા ખંખેર્યા હતા. જે અંગે અંતે કંટાળી વેપારીએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, નરોડામાં રહેતા વેપારી રેડીમેઈડ કપડાના કમિશનનો વેપાર કરે છે. વેપારીએ પ્રથમ પત્નીને 2020માં છુટાછેડા આપ્યા હતા. આ બાદ શાદી ડોટ કોમ થકી બીજા લગ્ન 2021માં કર્યાં હતા. જોકે, તે સમયગાળા દરમિયાન તેઓના ફેસબુક પર નિતા આહુજા નામની યુવતીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ એક્સેપ્ટ કરતાની 15 મીનિટમાં જ તેઓના ફોન પર નિતા આહુજા નામની યુવતીએ વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો. યુવતી પોતે સરદારનગરમાં રહેતી હોવાની જણાવી વેપારી સાથે મિત્રતા કરી અવાર-નવાર ફોન પર વાત કરતી હતી, જે બાદ એક દિવસ યુવતીએ વેપારીને મળવા માટે નાના ચીલોડા સર્કલ પર બોલાવ્યો હતો, જ્યાં યુવતીએ એક્ટીવા મુકીને વેપારીની કારમાં બેસી બન્ને જણા ગાંધીનગર તરફ ગયા હતા.ગાડીમાં બેસતાની સાથે જ યુવતીએ વેપારીને કિસો કરવાનું તેમજ શરીરના અલગ અલગ ભાગે અડપલા કરીને ઉત્તેજીત કરવાનું શરુ કર્યું હતું. ગાંધીનગરથી પરત ફરી બંને છુટા પડ્યા હતા. જે બાદ ચાર દિવસ પછી નિતા આહુજાએ વેપારીને ફોન કરી કપડાં લેવા જવાનું કહીને ગાંધીનગર લઈ જઈ 15 હજાર રૂપિયાની ખરીદી કરી હતી. જે બાદ યુવતીએ ટુકડે ટુકડે વેપારી પાસેથી 50 હજાર જેટલી રકમ લઈ લીધી હતી.20 દિવસ પહેલા વેપારીને નિતા આહુજાનો ફોન આવ્યો અને નિકોલ ખાતે વકીલની ઓફિસે મળવા બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા જ રાજેશ સોલંકી નામના વકીલ સાથે યુવતી બેઠી હતી અને વકીલે વેપારીને ઓફિસની બહાર લઈ જઈ નિતા આહુજા પાસે તમારો વિડીયો છે અને પોલીસમાં ફરિયાદ કરવાનું કહે છે તેમ જણાવતા વેપારી ગભરાઈ જતા ફરીયાદ ન કરવા અને સમાધાન કરવાનું વકીલને જણાવ્યું હતું.વકીલે વેપારીને નિતા આહુજાના ફોનમાં રેકોર્ડ કરેલો વિડીયો બતાવતા તે વિડીયો વેપારી યુવતી સાથે પહેલીવાર ગાડીમાં ગાંધીનગર ગયા તે સમયનો હોવાનું માલુમ પડ્યું હતું. વેપારી પોતાના બહેન સાથે વાત કરી વકીલને મળી જવાનું કહીને નિકળી ગયા હતા. આરોપી નિતા આહુજાએ વેપારીની બહેનને વ્હોટસએપ કોલ કરીને 'તારા ભાઈનો વિડીયો મારી પાસે છે, તે વિડીયો હું વાયરલ કરી પોલીસ કેસ કરી દઈશ અને તેને સમાજમાં બદનામ કરી દઈશ' તેવી ધમકી આપી હતી. જેથી વેપારીના બહેને તેમને ફોન કરી આ અંગે જાણ કરી હતી. વેપારીને અવાર-નવાર ફોન કરી વકીલ પાસે ઘી કાંટા કોર્ટમાં મળવા બોલાવતા વેપારી ઘી કાંટા કોર્ટમાં વકીલને મળવા ગયા હતા.જ્યાં રાજેશ સોલંકી નામના વકીલે આ દુષ્કર્મનો કેસ હોય 3-4 મહિના જેલમાં રહેવુ પડશે, તેમજ 4-5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જશે. તેવું જણાવી નિતા આહુજા 10 લાખ રૂપિયા માંગતી હોય તે આપી દેવાનું વેપારીને કહ્યું હતું. વેપારીએ પોતે કશું કર્યું નથી તો પૈસા શેના આપવાના તેવું કહેતા જ રાજેશ સોલંકીએ કહ્યું હતું કે, તારી કોઈ ફરિયાદ સાંભળશે નહીં, અત્યારે સ્ત્રીઓનો કાયદો છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે, નિતા આહુજાએ ઘણાં લોકો પાસેથી રૂપિયા છુટા કરેલા છે, તું પણ તારી ઈજ્જત બચાવી પૈસા આપી છુટો પડી જા. જે બાદ નિતા આહુજાને ફોન કરીને તે 5 લાખમાં માની ગઈ છે તેમ કહીને 5 લાખની માંગ કરી હતી.જોકે, વેપારીએ 50 થી 70 હજાર રૂપિયાથી વધુ આપી શકે તેમ નથી તેમ જણાવતા વકીલે વચ્ચેનો રસ્તો કાઢી આપવાનું જણાવ્યું હતું. જે બાદ અવાર-નવાર નિતા આહુજાએ ફોન કરી પૈસાની માંગ કરતી હતી. આરોપી નિતા આહુજાએ વેપારીને ફોન કરીને પૈસાની માગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. અંતે બે લાખ રૂપિયાની માગ કરી હતી. વેપારીએ બે લાખ આપવાનું જણાવતા યુવતીએ વિડીયો ડીલીટ કરી લેખીતમાં બાહેંધરી આપવાની વાત કરી હતી. જોકે, બાદમાં પણ યુવતીએ વેપારીને ફોન કરીને ધમકીઓ આપતા અંતે વેપારીએ નરોડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.