ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (11:28 IST)

અમદાવાદમાં યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમીએ અપહરણ કરી માર માર્યો

અમદાવાદ શહેરમાં એક યુવતીને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો. પુરુષ પરણેલો હોવાથી તેની સાથે લગ્ન ન થઈ શકે તેમ હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને જે પ્રેમીના ત્યાં નોકરી કરતી હતી તે પણ છોડી દીધી હતી. જેથી પ્રેમીએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

વાડજ વિસ્તારમાં રહેતી 29 વર્ષની યુવતી આશ્રમ રોડ પર આવેલી એક કંપનીમાં 2015થી નોકરી કરતી હતી. કંપનીના માલિક કેતન બારોટ સાથે યુવતીને પ્રેમ સંબંધ હતો. કેતન બારોટ પરિણીત હોવાથી તેની સાથે લગ્ન ન થઈ શકે તેમ હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને પાંચ મહિના અગાઉ નોકરી પણ છોડીને પરીમલ ગાર્ડન પાસે નોકરી ચાલુ કરી હતી. ગઈકાલે યુવતી નોકરીથી છૂટી અને રીક્ષામાં જુના વાડજ પહોંચી ત્યારે કેતન બારોટ અને તેના મિત્ર હાર્દિક જોષી અને નવીજ રાય ત્યાં આવ્યા. ત્રણેય યુવતીએ વાત કરવા દબાણ કર્યું પરંતુ યુવતીએ વાત ન કરતા કેતન બરોટની કારમાં યુવતીને જબરજસ્તી પાછળની સીટે બેસાડી દીધી હતી.કારમાં બેસાડીને યુવતીને ઝુંડાલ સર્કલ ખાતે અંધારામાં લઈ ગયા હતા, જ્યાં ગાડી ઉભી રાખીને યુવતીનો ફોન લઇ લીધો હતો. બાદમાં કેતન યુવતીને કહેવા લાગ્યો કે, તારી પાસે બીજો ફોન છે જેમાં મારા બધા રેકોર્ડિંગ છે. તું બીજો ફોન કેમ રાખે છે તેમ કહીને યુવતીને મારવા લાગ્યો હતો. જોકે મિત્રોએ કેતનને માર મારતા છોડાવ્યો હતો તે બાદ યુવતી કારમાંથી બહાર નીકળી ગઈ હતી અને એકદમ દોડીને રિક્ષામાં બેસી ગઈ હતી. યુવતીએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા વાડજ પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.