સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (12:06 IST)

મ્યુનિસિપાલિટીની 97 શાળાઓમાં પહેલાં ધોરણમાં પ્રવેશ માટે હાઉસફૂલ, 1,754 વિદ્યાર્થી વેઇટિંગમાં

અમદાવાદ મ્યુનિ.શાળાઓમાં આગામી તા.30 એપ્રિલથી શરૂ થનાર  નવા શૈક્ષણિક સત્ર માટે ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે 97 શાળાઓમાં વેઇટિંગ બોલાઇ રહ્યું છે. જાન્યુઆરી માસમાં 4,664 વિદ્યાર્થીઓએ એડમિશન માટે નામ નોંધાવ્યું હતું. જેમાંથી 2,910 વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ચૂક્યો છે. જ્યારે 1,754 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાયો નથી. વેઇટિંગ લિસ્ટમાં ચાલતા આ વિદ્યાર્થીઓને મ્યુનિ.શાળામાં વર્ગો વધારીને, શાળા બે પાળીમાં ચલાવાને પણ સમાવી લેવામાં આવનાર હોવાનું મ્યુનિ.સત્તાધીશો જણાવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ વધવાની સાથે શૈક્ષણિક સ્તરમાં ભારે સુધારો જોવા મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે મોંઘીદાટ  ફી વસુલતી ખાનગી શાળાઓને બદલે મ્યુનિ.શાળાઓ તરફ વળ્યા છે. જાન્યુઆરી માસથી જ મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ-વિદ્યાર્થીઓની લાઇનો લાગી ગઇ છે. જેના પરિણામ સ્વરૂપ 97 શાળાઓમાં અત્યારથી જ  વેઇટિંગ લિસ્ટ બોલાઇ રહ્યું છે. શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 શાળાઓમાં વેઇટિંગ જોવા મળી રહ્યું  છે. આ ઉપરાંત ઉત્તર ઝોનમાં 24, દક્ષિણ ઝોનમાં 14, પશ્ચિમ ઝોનમાં 8, મધ્ય ઝોનમાં 10 સ્કૂલોમાં જાન્યુઆરી માસથી વેઇટિંગ ચાલી રહ્યું છે. હિન્દી માધ્યમની 7 અને ઉર્દુ માધ્યમની 9 શાળાઓમાં પ્રવેશ હાઉસફૂલ થઇ ગયો છે. 

આ અંગે મ્યુનિ.સ્કૂલ બોર્ડના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા મુજબ  સર્વેની કામગીરી 31 માર્ચ સુધી ચાલનાર છે. જેમાં ધોરણ 1 ની મ્યુનિ.ની 308 શાળાઓમાંથી 200થી વધુ શાળાઓમાં પ્રવેશ હાઉસફૂલ થઇ  વેઇટિંગ લિસ્ટ બોલાય તેવી શક્યતાઆ જોવાઇ રહી ે છે.  છેલ્લા 6 વર્ષમાં 32 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી મ્યુનિ.શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેઓએ વાલીઓ-વિદ્યાર્થીઓને ખાત્રી આપી હતી કે વધારાના ક્લાસરૂમ ચાલુ કરીને, બે-બે પાળીઓમાં શાળાઓ ચલાવીને પણ દરેક વિદ્યાર્થીને ધોરણ 1 માં પ્રવેશ મળી રહે તેની પુરતી વ્યવસ્થા કરાશે. વર્ષ 2020-21ના બજેટમાં મ્યુનિ.શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ પુરી પાડવા માટે 124 કરોડની જોગવાઇ કરાઇ છે.

મ્યુનિ.સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારી એલ.ડી.દેસાઇના જણાવ્યા મુજબ 10 અત્યાધુનિક હાઇટેક શાળાઓ, 25 સ્માર્ટ શાળાઓ, તમામ 274 અપર પ્રાઇમરી શાળાઓમાં અદ્યતન સાયન્સ લેબ, 100 શાળાઓનું નવિનીકરણ, સ્પોર્ટ્સ સંકૂલ બનાવવા સહિતની વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે આધુનિક ટેકનોલોજીની મદદથી શિક્ષણ અપાઇ રહ્યું છે. જેના કારણે ખાનગી શાળાઓ કરતા મ્યુનિ.શાળાઓ હવે શિક્ષણની સુવિધા અને સ્તરમાં આગળ નીકળી ગઇ છે. નોંધપાત્ર છેકે ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં 22 હજારથી વધુની વાર્ષિક ફી બોલાઇ રહી છે. ઉપરાંત પરચુરણ ખર્ચા અલગ, જે સામાન્ય અને ગરીબ વર્ગને પોષાય તેમ નથી. જ્યારે મ્યુનિ.શાળાઓમાં  શિક્ષણ સુધારાની સાથે તમામ સરકારી લાભો સાથે મફત શિક્ષણ મળતા વિદ્યાર્થીઓ હવે મ્યુનિ.શાળાઓ તરફ ખેંચાયા છે.