શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 મે 2020 (09:17 IST)

અમદાવાદના 3 બ્રિજો સંપૂર્ણ બંધ, બાકીના બ્રિજ પર ચેકપોસ્ટ ઉભી કરાઈ

કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જમાલપુર, સરસપુર, ગોમતીપુર, અસારવા, દરિયાપુર, ખાડિયા સહિતના 9 વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાંથી લોકો પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી લોકોના અવરજવર પર પોલીસે પ્રતિબંધ ફરમાવી દીધો છે. પૂર્વ વિસ્તારમાં રેડ ઝોનમાંથી કોઈ ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જાય તે માટે પોલીસે અગાઉથી નહેરુબ્રિજ, ગાંધીબ્રિજ અને દધિચીબ્રિજ બંધ કરી દીધાં છે. બાકીના સુભાષબ્રિજ, જમાલપુરબ્રિજ, એલિસબ્રિજ, આંબેડકરબ્રિજ પર બંને તરફ પોલીસ દ્વારા આજથી ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે.  પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે માત્ર આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સિવાય કોઈપણ વ્યક્તિ ઓરેન્જમાંથી રેડમાં અથવા રેડમાંથી ઓરેન્જ ઝોનમાં પ્રવેશી શકશે નહિં. ઉપરાંત હાલમાં અનાજ વિતરણ ચાલી રહ્યું છે. જેમાં અનાજની દુકાન જો રેડ ઝોનમાં હોય અને ઓરેન્જ ઝોનમાં રહેતા હોય અથવા ઓરેન્જ ઝોનમાં દુકાન હોય અને રેડ ઝોનમાં રહેતા હોય તો પણ જઈ નહિ શકાય. ચેકપોસ્ટ પર નામ સરનામું અને મોબાઈલ નંબર લખાવશે એટલે તેમના ઘરે રાશન પોહચાડવાની વ્યવસ્થા કલેકટર ઓફિસ તરફથી કરવામાં આવશે.  પોલીસ કમિશનરે આગળ કહ્યું કે, કોરોના વાઇરસનો ભોગ બનેલા વધુ 3 પોલીસકર્મીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જ્યારે વધુ ચાર પોલીસકર્મીઓનો ટેસ્ટ પોઝિટિવ આવતા કુલ 120 કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા છે. કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓના સંપર્કમાં આવેલા 291 પોલીસકર્મીઓ હાલમાં હોમ ક્વોરન્ટાઈન છે જયારે 126 પોલીસકર્મીઓનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થતાં ફરજ પર હાજર થઇ ગયા છે.