બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ : , ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (12:13 IST)

ભાઈ-બહેનની જોડી ગ્રહણ કરશે દિક્ષા, સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે

ભાઈ-બહેનની જોડી ગ્રહણ કરશે દિક્ષા, સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે
અમદાવાદ પાલડી નિવાસી જસવંતલાલ શાહના પરિવારના પુત્રવધુ રૂપાબેન (ઉ.વ. ૪૦) પૌત્ર રત્નકુમાર (ઉ.વ. ૧૩) અને પૌત્રી જિનાજ્ઞાકુમારી (ઉ.વ. ૧૧) પ્રસિધ્ધ પ્રવચનકાર પૂ.આ. વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં મહાસુદ ૭ શનિવારે તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સુરત સૂર્યનગરી વેસુ ખાતે ૭૭ દિક્ષાર્થીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. આ સમગ્ર દિક્ષા પ્રદાન રત્નત્રયી સમર્પણ મહોત્સવનું આયોજન શ્રી સુરત જિનાજ્ઞા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
 
સુરતના જૈન શાસનના ઈતિહાસમાં આ દિક્ષા મહોત્સવ દરમિયાન ૭૭ સમૂહ રજવાડી ભવ્ય જાજરમાન વર્ષીદાન યાત્રા મહાસુદ છઠ્ઠને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે નીકળશે. ૧૧:૩૦ કલાકે બેઠુ વર્ષીદાન તેમજ સાંજે ૪ કલાકે સમૂહ દિક્ષાર્થીઓના વાયણાનો મહોત્સવ યોજાશે. સાંજે ૬ કલાકે અતિભવ્ય દિવ્ય મહાપૂજા પ્રભુદર્શન યોજાશે. ત્યારબાદ રાત્રે ૭:૩૦ કલાકે ૧૬ વર્ષથી નાના મુમુક્ષુઓનું વક્તવ્ય, તેમજ વિદાય તિલક ચઢાવાનો મહોત્સવ યોજાશે.
મહાસુદ સાતમને તા. ૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૪:૩૦ કલાકે દિક્ષાર્થીઓનો મંડપ પ્રવેશ ત્યારબાદ ૫ કલાકે વિદાય તિલક મહોત્સવ યોજાયા બાદ સવારે ૬ કલાકથી દિક્ષાવિધિનો પ્રારંભ થશે.
 
પરિવારના મોભી જસવંતલાલ શાહે જણાવ્યું હતું કે, પરેશભાઈ અને રૂપાબેનનું સંતાન કુલદીપિકા ધન્યાકુમારીએ આજથી પાંચ વર્ષ પૂર્વે દિક્ષા ગ્રહણ કરી સા. શ્રી હિતચરણાશ્રીજી મ.સા. નામ ધારણ કર્યું હતું, તેનું આજે અમારા આંગણે પુનરાવર્તન થઈ રહ્યું છે. તેમજ પ. પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસુરિ મહારાજા તથા પ. પૂ. આ. શ્રી તપોરત્નસૂરિ મહારાજાના અનહદ ઉપકારથી અમારા પરિવારના મનોરથો સાકાર થઈ રહ્યા છે. બહેન શ્રી હિતચરણાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી મુમુક્ષુરત્નશ્રી રત્નકુમાર તેમજ મુમુક્ષુરત્ના શ્રી જિનાજ્ઞાકુમારી સાથે માતૃશ્રીની વર્ષોની ભાવેલી ભાવનાઓ પરમ પુણ્યોદયે ફળીભૂત થઈ રહી છે.
કાયમી અને સાચા સુખને ઝંખનારા, સંયમ ધર્મના રાગી મુમુક્ષુરત્ના રૂપાબેને જણાવ્યું હતું કે, સંસાર ચક્રમાં મનુષ્ય જીવનની પ્રાપ્તિ એ મંગલ છે. તેમાં પણ મુનિજીવનની પ્રાપ્તિ એ મહામંગલ છે. મારા અને મારા સંતાનોના જીવનમાં ઉપકારી માતૃસંસ્થા શ્રીમદ વિજય યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સુસંસ્કારો દ્વારા સારા ઘડતરથી સોનાનો સૂરજ ઉગ્યો છે.