મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અજય સિંહ|
Last Updated : શનિવાર, 23 માર્ચ 2019 (14:53 IST)

અડવાણીને ગાંધીનગરથી ટિકિટ નહીં, શું અડવાણીનો યુગ આથમી ગયો?

ભાજપે ગુરુવારે 2019ની લોકસભા ચૂંટણી માટેના 184 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. તેમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. અડવાણી આ બેઠક પર સૌપ્રથમ 1991માં ચૂંટાયા હતા જે બાદ 1998થી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે.જોકે, આ વખતે પક્ષે તેમને અહીંથી ચૂંટણી લડવાની તક આપી નથી.

આ એક પ્રકારનું નેચરલ ટ્રાન્ઝિશન છે. અડવાણી હવે એ સ્થિતિમાં નથી કે તેઓ સક્રિય રીતે પ્રચાર અભિયાન ચલાવી શકે. ચૂંટણીમાં જેવી રીતે પરસેવો પાડવો પડે છે તેના માટે અડવાણીની ઉંમર ઘણી વધારે છે. આને ભાજપ પક્ષને એક પેઢી પાસેથી બીજી પેઢીના હાથમાં જતો જોઈ શકાય છે બીજું કંઈ નહીં.

અમિત શાહ-અડવાણીની સરખામણી યોગ્ય?
અડવાણીની બેઠક પરથી અમિત શાહના લડવા પર કેટલાક લોકો ભલે કહે કે ભાજપના અધ્યક્ષનું કદ અડવાણીની સમકક્ષ થઈ ગયું છે, પરંતુ કોઈ બેઠક પરથી લડવાને કારણે કોઈનું કદ વધતું કે ઘટતું નથી. જો આ જ માપદંડ હોય તો તમે વારાણસીથી કોઈ પણ એવા નેતા તમને યાદ નહીં હોય જેનું કદ વડા પ્રધાન જેટલું મોટું થઈ ગયું હોય.

વારાણસીથી મોદી જીત્યા એનો એ મતલબ નથી કે તેઓ બેઠકને કારણે મોટા થયા. એ નેતાની પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે.બેઠકોનો નેતાના કદ સાથે કોઈ સંબંધ હોતો નથી. આમ પણ ગાંધીનગરથી અમિત શાહ લડી રહ્યા છે. એમાં કોઈ શંકા નથી કે તેઓ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ છે.

ગાંધીનગરથી ચૂંટણી લડવાને કારણે અમિત શાહની તુલના અડવાણીથી કરવી યોગ્ય નહીં ગણાય. તેનાં કેટલાંક કારણો છે. એક કારણ તો એ કે હવે જમાનો બદલાઈ ગયો છે. નેતૃત્વની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે.
અડવાણી અને અમિત શાહ બંને અલગ-અલગ છે. અડવાણીનું કદ ઘણું મોટું છે. અમિત શાહને ત્યાં સુધી પહોંચવામાં ઘણો સમય લાગશે. જોકે, આ એક રીતે અડવાણી યુગના અંત જેવું છે. એમાં કોઈ શંકા પણ રહી નથી.

દરેક માટે આથમવાનો સમય આવે છે

2009ની ચૂંટણીઓ બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે એ જમાનાના નેતાઓનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે. કોઈની ઉંમર 90 વર્ષની થઈ ગઈ હોય અને એ વિચારવું કે તેમનો યુગ હજી પણ રહેશે, તો એ ખૂબ મોટી વાત બની જશે.

ક્રિકેટમાં ખેલાડીઓ પોતાની નિવૃતિના નિર્ણયો ખુદ લે છે પરંતુ રાજનેતાઓની વિદાયને જોવામાં આવે તો જે રીતે અડવાણી હાંસિયામાં ધકેલાતા ગયા હવે એમની કોઈ વાત પણ કરતું નથી.દરેક વ્યક્તિના જીવનમાં એક ઉતારણનો સમય આવે છે. એવું ના કહી શકાય કે આ સમયમાં તેમને કોઈ પૂછતું નથી કે એ સમયે ખૂબ પૂછતા હતા.

જો તમે યાદ કરો તો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષમાં હરકિશન સિંહ સુરજીત હતા. તેઓ લાંબા સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. જોકે, અંત સમયે તેઓ પણ ફિકા પડી ગયા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે પણ આવું જ થયું હતું. આ જીવનનું પ્રાકૃતિક ચક્ર છે અને તેને બદલી શકાતું નથી. એવું ના કહી શકાય કે આપણે ભૂતકાળમાં જીવતા રહીએ અને એ વિચારીએ કે 30 વર્ષ પહેલાં તેનું કદ ખૂબ જ મોટું હતું. હજી પણ તેને એવું જ રાખવામાં આવે.

કદ સમય સાથે જોડાયેલું હોય છે. કોઈનું કદ તેમના સમય સાથે જોડાયેલું હોય છે. સમય બદલાવા સાથે વસ્તુઓ બદલાતી હોય છે.

અમિત શાહના ગાંધીનગરથી લડવાનો નિર્ણય પર પણ કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર બીજી વખત ચૂંટાઈ તો પક્ષમાં નંબર બેની હેસિયત પરથી સરકારમાં નંબર બેની હેસિયત પર આવી શકે છે.
જોકે, તેના પર અત્યારે કંઈ પણ કહેવું અનુમાન લગાવવા જેવી વાત હશે. કબિનેટમાં કોઈને લેવાનો નિર્ણય વડા પ્રધાનનો વિશેષાધિકાર હોય છે.