સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (16:43 IST)

નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂને બિનરાજકીય માની લેત જો.... : બ્લૉગ

મોહમ્મદ હનીફ
વરિષ્ઠ લેખક અને પત્રકાર, પાકિસ્તાન
ઘણાં વર્ષ પહેલાં એક ભારતીય શેઠ સાથે મુલાકાત થઈ હતી. સજેલા-ધજેલા નવયુવાન.
મેં પૂછયું શું કામ કરો છો? તેમણે કહ્યું કે તેઓ ફિલ્મો બનાવે છે. મેં પૂછ્યું, 'પ્રોડ્યૂસર છો?' તેમણે એક મોટી કંપનીનું નામ જણાવ્યું અને કહેવા લાગ્યા, 'જે લોકો ફિલ્મો પ્રોડ્યૂસ કરે છે તેના પર હું પૈસા લગાવું છું.'
મેં કહ્યું કે તમારે તો ઘણી બધી સ્ક્રિપ્ટ વાંચવી પડતી હશે કેમ કે દરેક ત્રીજો માણસ આઇડિયા લઈને ફરે છે.
તેમણે કહ્યું કે આ કામ તો જટિલ છે પરંતુ મેં તેની એક સાદી ફૉર્મ્યુલા બનાવી છે.
મેં પૂછ્યું, 'એ શું છે?' તેમણે કહ્યું કે પ્રોડ્યૂસર તેમની પાસે સ્ક્રિપ્ટ લઈને આવે છે અને તેઓ તેને વાંચતા નથી પરંતુ સીધું જ પૂછે છે કે
શું આ ફિલ્મમાં અક્ષય કુમાર છે?
જો સ્ક્રિપ્ટ લાવનાર કહે કે હા તો કહે છે આ લો પૈસા અને ફિલ્મ બનાવો, પરંતુ જો એવું કહે કે સ્ક્રિપ્ટમાં અક્ષય કુમાર નથી તો તેઓ કહે છે કે ઘરે જાવ અને સ્ક્રિપ્ટમાં અક્ષય કુમારને નાખો તો મારી પાસે પરત આવજો.
તેમણે કહ્યું કે ફૉર્મ્યુલા અત્યાર સુધી તો ખૂબ જ સફળ રીતે ચાલી રહી છે. મને લાગ્યું કે શેઠ મારી સાથે મજાક કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલાં મેં ભારતના વડા પ્રધાન મોદી સાહેબનો એક ઇન્ટરવ્યૂ જોયો અને લાગ્યું કે આ ફૉર્મ્યુલા હવે મોદીજી પાસે પણ પહોંચી ગઈ છે. મોદીજી પાંચ વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા છે.
ના કોઈ પત્રકાર પરિષદ, ના કોઈ ઇન્ટરવ્યૂ. હવે ચૂંટણીની વચ્ચે લાંબુ ઇન્ટરવ્યૂ અને તે પણ અક્ષય કુમારને. સાથે એવો દાવો પણ કે આ ઇન્ટરવ્યૂ બિનરાજકીય છે.
દુનિયાની સૌથી મોટી ચૂંટણી દરમિયાન ઇન્ટરવ્યૂ આપવો અને કહેવું કે એ બિનરાજકીય છે. આ તો ભારત-પાકિસ્તાન વચ્ચે એક મૈત્રી મૅચ કરાવી લીધી હોય કે પછી એક શાંતિપૂર્ણ યુદ્ધનું એલાન કર્યુ હોય કે પછી ચેનથી એક નાની હત્યા કરી દેવાની વાત હોય, એના જેવું થયું.
લાહોરવાળા આ અંગે કહેશે, "આવ્યા મોટા બિનરાજકીય."
 
મેં આવું રાજકીય ઇન્ટરવ્યૂ નથી જોયું, જેમાં પાંચ વર્ષ રાજ કર્યા બાદ માણસ કહે કે, "મારી સરકાર ભૂલી જાઓ, મારો ચહેરો જુઓ. એ યાદ રાખજો કે હું એક ગરીબ બાળક હતો, હું તો કેરી ચૂસતો-ચૂસતો ચાલતો હતો અને વડાપ્રધાન બની ગયો, મને મત આપી દો."
"હું તો ખભ્ભે થેલો લઈને એકલો જ દેશની સેવા કરવા નીકળેલો, ખબર નહીં વડાપ્રધાન કોણે બનાવી દીધો."
"મારું તો કોઈ બૅંક એકાઉન્ટ પણ નહોતું. હું પણ તમારી જેમ રમુજી ટૂચકાઓ સંભળાવી શકું છું."
"લો સાંભળો, હું જ્યારથી વડા પ્રધાન બન્યો છું, તમારા માટે એટલી મહેનત કરું છું કે મા સાથે બેસવા-ઊઠવાનો પણ સમય મળતો નથી."
 
શું કહે છે લાહોરી?
વળી, અહીં કોઈ લાહોરી કહેત, "જે પોતાની માનો ના થયો એ બીજા કોઈનો તો શું થાય."
આખા ઇન્ટરવ્યૂમાં મોદી મત માગ્યા વિના મત માગતા રહ્યા કે મારી પંચાવન ઇંચની છાતીને મત ન આપવો હોય, જો મારા ધર્મ સાથેના યુદ્ધ ન ગમતાં હોય, જો મારા પાકિસ્તાન વિરોધી હોવા પર કોઈ શંકા હોય તો પણ મને એક ગરીબ બાળક સમજીને મત આપ્યા કરો.
મારી સાથે જુઓ કોણ બેઠું છે? અક્ષય કુમાર. એ પચાસ વર્ષથી મોટા થઈ ગયા છે, હજુ પણ જો હાઈસ્કૂલના છોકરાનો યૂનિફોર્મ પહેરીને પડદા પર આવી જાય તો તમે તાલીઓ પાડો છો અને ફિલ્મ સુપરહિટ થઈ જાય છે. મારો નહીં તો એનો જ વિચાર કરી લો.
અક્ષય કુમાર સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન મોદીને ક્યારેક પ્રેમથી જોતા હતા ક્યારેક શરમાઈને એવી રીતે જોતા હતા જાણે કોઈ ફિલ્મમાં રવીના ટંડનને જોતા હોય. મને ફિલ્મનું નામ યાદ આવી ગયું, 'મહોરા'.
મને તો લાગ્યુ કે એ હમણાં માથા પર રૂમાલ બાંધીને મોદીનો હાથ પકડીને ગાવા લાગશે, "તું ચીજ બડી હે મસ્ત મસ્ત." જો તેણે આવું કંઈ કર્યું હોત તો હું ખરેખર માની લેત કે આ બિનરાજકીય ઇન્ટરવ્યૂ છે.
મોદીએ કોઈ ઇન્ટરવ્યૂ તો નથી આપ્યા પણ 'મન કી બાત'ના નામ પર ભાષણ તો મોટાં-મોટાં આપ્યાં છે. જનતાને 'મન કી બાત' કહેવાની તક પાંચ વર્ષે મળી છે.
અહીં કરાચીની કહેવત મુજબ 'મોદી તો પોતે જ એક આખી ફિલ્મ છે.' હવે તેમણે તેમાં અક્ષય કુમારને પણ સમાવી લીધા. શેઠની ફૉર્મ્યૂલા મુજબ ફિલ્મ હિટ થવી જોઈએ. બાકી તો મતદાતાઓની મનમર્જિયા. રબ્બ રાખા.