શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By મોહરસિંહ મીણા|
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (17:17 IST)

આસારામ કોરોનો સંક્રમિત : હૉસ્પિટલમાં દાખલ, જેની સજા કાપે છે એ બળાત્કાર કેસ શું છે?

જોધપુરની સેન્ટ્રલ જેલમાં જે બળાત્કારની સજા કાપે છે, તે કથિત સંત આસારામની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
 
જોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ડૉક્ટર્સે ચેકઅપ કર્યું હતું અને પાંચમી મેના દિવસે કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
 
મહાત્મા ગાંધી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજશ્રી બહેરાએ બીબીસીને જણાવ્યું કે "જેલના તંત્રએ જાણ કરી હતી કે આસારામની તબિયત ઠીક નથી, હૉસ્પિટલ લઈને આવી છીએ. હાજર ડૉક્ટર્સે આસારામની તપાસ કરી હતી."
 
 
જેલના તંત્રે હૉસ્પિટલ લઈ જતાં પહેલાં કંટ્રોલ રૂમને આસારામને હૉસ્પિટલ લઈ જવા અંગે સૂચના આપી હતી, જે બાદ હૉસ્પિટલની આસપાસ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
 
જોધપુર સેન્ટ્રલ જેલના જેલર મુકેશ જારોટિયાએ બીબીસીને જણાવ્યું કે "આજે આસારામનો કોરોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તબિયત પણ ઠીક નથી, એટલે ચેકઅપ માટે મહાત્મા ગાંધી હૉસ્પિટલ લઈ ગયા છે."
 
રાજસ્થાનમાં સૌથી વધારે કોરોના સંક્રમણના કેસો ધરાવતા જિલ્લાઓમાંથી એક જોધપુર છે, પાંચ મેના રોજ અહીં 1401 કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા હતા અને 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
કોરોના સંક્રમણ હવે સેન્ટ્રલ જેલ સુધી પણ પહોંચી ગયું છે.
 
એપ્રિલ 2018માં જોધપુર કોર્ટે આસારામને દોષી ઠેરવ્યા અને આજીવન કેદની સજા સંભળાવી હતી,જોકે આખા મામલાની શરૂઆત 2013માં જ થઈ ગઈ હતી.
 
શાહજહાંપુરમાં રહેલા પીડિતાના પરિવારે ઓગસ્ટ-2013માં આસારામ સામે રેપની ફરિયાદ દાખલ કરાવી હતી.
 
એ પહેલાં પીડિતાનો સમગ્ર પરિવાર આસારામનો કટ્ટર અનુયાયી હતો.
 
પીડિતાનાં પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બંધાવ્યો હતો.
 
બાળકોને 'સંસ્કારવન શિક્ષણ' મળે તે માટે સાધક પરિવારે તેમના બે સંતાનોને છિંદવાડા ખાતેને આસારામના ગુરુકુળમાં ભણવા બેસાડ્યાં હતાં.
 
સાતમી ઓગસ્ટ-2013ના દિવસે છિંદવાડા ગુરુકુળમાંથી પીડિતાનાં પિતાને ફોન આવ્યો હતો.
 
ફોન ઉપર પિતાને જણાવાયું હતું કે તેમની 16 વર્ષની દીકરી બીમાર છે.
 
બીજા દિવસે પીડિતાનાં માતાપિતા છિંદવાડા ગુરુકુળ પહુંચ્યાં હતાં. જ્યાં તેમને જણાવાયું હતું કે તેમની દીકરીને વળગાડ છે. આસારામ તેને ઠીક કરી શકે છે.
 
કેસની ચાર્જશીટ પ્રમાણે, 15 ઑગસ્ટની સાંજે પીડિતાને 'ઠીક' કરવાના બહાને આસારામે તેણીને ઝૂંપડીમાં બોલાવીને તેમની સાથે રેપ કર્યો હતો.
 
પીડિતાનાં પરિવારે કહે્યું હતું કે 'અમારા તો ભગવાન જ ભક્ષક બની ગયા.'
 
સુનાવણીનાં પાંચ વર્ષ દરમિયાન પરિવારે તેમના જ ઘરમાં 'નજરકેદ'ની જેમ પસાર કર્યા હતા.
 
પરિવારનું કહેવું છે કે તેમને પૈસા લઈને કેસને દબાવી દેવાની લાલચ આપવામાં આવી હતી. ઉપરાંત તેમને હત્યાની ધમકીઓ પણ મળી હતી.
 
જોકે પીડિતાનો પરિવાર ડગ્યો ન હતો અને ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.