ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રજનીશ કુમાર|
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (17:08 IST)

પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં ન આવ્યો, પણ પરાજય નથી થયો, કઈ રીતે?

માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના આનંદમોય બર્મને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)ના રાજન સુંદાસને 70,000થી વધુ મતની સરસાઈ વડે હરાવ્યા છે.
 
આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસના શંકર માલાકાર વિજેતા બન્યા હતા, પણ આ વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા.
 
આ એ જ નક્સવાડી વિસ્તાર છે, જ્યાંથી ઉગ્રવાદી ડાબેરી નેતાઓએ 1967માં 'સશસ્ત્ર આંદોલન' શરૂ કર્યું હતું અને અનેક રાજ્યોના મજૂરો, ભૂમિહીનો, દલિતો, આદિવાસીઓ અને શોષિતોને આકર્ષિત કર્યા હતા.
 
નક્સલવાડીમાં ભાજપની જીતનું મૂલ્યાંકન પશ્ચિમ બંગાળના બીજા કોઈ મતવિસ્તારમાંની જીતની માફક કરવું જોઈએ?
 
આદિવાસીઓમાં પણ ભાજપએ પગપેસારા કરેલા હોવાનું નિષ્ણાતો જણાવે છે.
 
નક્સલવાડી આંદોલનના જનક ચારુ મઝૂમદારના પુત્ર અભિજિત મઝૂમદાર જણાવે છે કે વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો એવું લાગે છે કે બીજેપી દેશભરમાં જીતતી હોય તો નક્સલવાડીમાં પણ જીતી શકે.
 
જોકે, અભિજિત ભાજપના આ વિજયને એક સામાન્ય જીત કરતાં કંઈક વધારે ગણે છે.
 
તેઓ કહે છે "આ વિજયથી ખબર પડે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં ડાબેરીઓની પકડ બહુ નબળી પડી છે અને ભાજપ તેમાં જમાવટ કરી ચૂક્યો છે."
 
અભિજિત કહે છે કે, "માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારમાં 30 ટકા વસતી અનુસૂચિત જાતિઓના લોકોની છે. એ લોકોના ટેકા વિના બીજેપી આ બેઠક જીતી જ ન શકે."
 
આદિવાસીઓમાં પણ ભાજપે કરેલા પગપેસારાનો દાખલો મઝૂમદાર આપે છે
તેઓ કહે છે કે "આ વિસ્તારમાં ફાંસીદેવા વિધાનસભા મતક્ષેત્ર છે અને ત્યાં પણ ભાજપનાં દુર્ગા મુર્મુને લગભગ 30,000 મતની સરસાઈથી વિજય મળ્યો છે."
 
"એ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માર્ક્સવાદી/લેનિનવાદી (CPI-ML)એ ચાના બગીચાની એક મજૂર યુવતી સુમંતી એક્કાને ઉમેદવાર બનાવ્યાં હતાં, પરંતુ સુમંતીને 3,000 મત પણ મળ્યા નહીં."
 
"પશ્ચિમ બંગાળમાં દલિતો તથા આદિવાસીઓનો સાથ મેળવવાના ભાજપના પ્રયાસ સફળ થતા દેખાઈ રહ્યા છે."
 
આ વખતે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે દલિતો અને આદિવાસીઓમાં ભાજપનો પ્રભાવ વધી રહ્યો છે.
 
294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 84 બેઠકો અનામત છે.
 
એ પૈકીની 68 અનુસૂચિત જાતિ માટે અને 16 અનુસૂચિત જનજાતિઓ માટે અનામત છે. આ વખતે ટીએમસીને 45 અનામત બેઠકો પર વિજય મળ્યો છે, જ્યારે ભાજપે 39 અનામત બેઠકો જીતી છે.
 
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામને અનેક દૃષ્ટિકોણથી નિહાળી શકાય. સૌપ્રથમ તો એ કે મમતા બેનરજી આસાનીથી ચૂંટણી જીતી ગયાં અને ભાજપ તેમને જોરદાર ટક્કર આપી શક્યો નહીં.
 
આ વખતે ભાજપનો વોટશૅર 38.1 ટકા છે, જ્યારે ટીએમસીનો 47.94 ટકા. ટીએમસીને કુલ 294 બેઠકમાંથી 213, જ્યારે બીજેપીને 77 બેઠકો મળી છે.
 
ભાજપ કરતાં ટીએમસીને લગભગ 10 ટકા મત વધારે મળ્યા છે અને એ તફાવત નાનો નથી.
 
2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 40.30 ટકા મત મળ્યા હતા. લોકસભા ચૂંટણી સાથે સરખામણી કરીએ તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે ટકા ઓછા મત મળ્યા છે.
 
બીજી તરફ ટીએમસીને 2019માં 43.30 ટકા મત મળ્યા હતા, જે વિધાનસભા ચૂંટણીમાં વધીને 48.20 ટકા થઈ ગયા છે.
 
ભાજપને 2019ની ચૂંટણીના વોટશૅર અનુસાર વિજય મળ્યો હોત તો તેના લગભગ 121 વિધાનસભ્યો જિત્યા હોત, પણ વાસ્તવમાં 77 જ જિત્યા છે, કારણ કે તેના વોટશૅરમાં ઘટાડો થયો છે, જ્યારે ટીએમસીના વોટશૅરમાં વધારો થયો છે.
 
વોટશૅર અને બેઠકોની સંખ્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે, પણ 2016ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના દેખાવની સરખામણીએ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં આ તેની જીત મોટી છે.
 
2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી અને આ વખતે 77 બેઠકો મળી છે. 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટશૅર લગભગ દસ ટકા હતો.
ભાજપને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 38.01 ટકા મત મળ્યા છે.
 
તાજેતરની આ ચૂંટણીમાં ભાજપની સામે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સફાયો થઈ ગયો છે.
 
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોનો એક પણ ઉમેદવાર ન ચૂંટાયા હોય તેવું આઝાદી પછી પહેલીવાર બન્યું છે.
 
2016ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ડાબેરી મોરચાની યુતિને 77 બેઠકો પર જીત મળી હતી. આ વખતે એટલી જ બેઠકો ભાજપને મળી છે.
 
વિધાનસભાની ગત ચૂંટણીમાં કૉંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો વોટશૅર 26.2 ટકા હતો, પણ આ વખતે આ ગઠબંધનને એકેય બેઠક મળી નથી અને વોટશૅર પણ માત્ર આઠ ટકાની આસપાસ મર્યાદિત થઈ ગયો છે.
 
પશ્ચિમ બંગાળ ભાજપ ભલે સરકાર બનાવી ન શકી, પણ વિરોધ પક્ષનું સ્થાન તેણે સંપૂર્ણપણે મેળવી લીધું છે.
 
રાજકીય પક્ષો સામાન્ય રીતે સત્તા પર આવતા પહેલાં વિપક્ષનું સ્થાન મેળવતા હોય છે અને એ કામ બીજેપીએ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીએમ) તથા કૉંગ્રેસને હાંકી કાઢીને કર્યું છે.
 
ભાજપે પશ્ચિમ બંગાળમાં આ વખતે સરકાર રચી હોત તો એ અભૂતપૂર્વ ઘટના હોત, કારણકે એ માત્ર ત્રણ બેઠકો મેળવ્યાના પાંચ વર્ષ પછી સરકાર રચવા સુધી પહોંચી હોત. દેશનાં એકેય રાજ્યમાં આવું ભાગ્યે જ થયું છે.
 
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષનું સ્થાન મેળવવું એ ભાજપ માટે નાની જીત છે?
 
પશ્ચિમ બંગાળ વિધાનસભાની આ વખતની ચૂંટણી ભાજપ સરકાર ન રચી શકી એટલા માટે યાદગાર બની રહેશે કે પછી સીપીએમ-કૉંગ્રેસના સફાયા અથવા મમતા બેનરજીનાં ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે?
 
જાદવપુર યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અબ્દુલ મતીન જણાવે છે કે મમતા બેનરજીનું ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવું મહત્ત્વનું છે, પણ તેનાથી વધારે મહત્વની ઘટના ભાજપનું માત્ર ત્રણ બેઠકોથી 77 બેઠકો સુધી પહોંચવું છે.
 
અબ્દુલ મતીન માને છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપનું વિપક્ષ બનવું રાજ્યના રાજકારણમાં એક ટર્નિંગ પૉઇન્ટ છે.
 
પ્રોફેસર મતીન કહે છે કે "ભાજપે પશ્ચિમ બંગાળમાં જે રીતે માહોલ બનાવ્યો છે ,તેને ધ્યાનમાં લેતાં આ પરિણામ થોડી રાહત આપનારું છે, પણ આ વખતે ધર્મનિરપેક્ષતાના રાજકારણનો વિજય થયો છે, એવું હું માનતો નથી."
 
"મમતા બેનરજીની જીત થઈ કારણકે મુસલમાનોએ ટીએમસીને સામટા મત આપ્યા."
 
"આ રાજકીય દ્વિસંગની જીત છે. તેનો અર્થ એ થાય કે ટીએમસીની તરફેણમાં મતદાન નહીં કરો તો ભાજપ જીતી જશે એવો સંદેશો મુસલમાનોમાં ફેલાવવામાં મમતા બેનરજી સફળ રહ્યાં હતાં."
 
"ધ્રુવીકરણના રાજકારણની જીતને આપણે ભાજપની હાર માની શકીએ નહીં."
 
આ વખતની વિધાનસભા ચૂંટણી સંપૂર્ણપણે બે ધ્રુવ વચ્ચેની રહી હતી. 292 બેઠકો પૈકીની 290 બેઠકો પર કાં તો ટીએમસીને અથવા બીજેપીનો વિજય થયો છે.
 
એક બેઠક પર ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
 
પ્રોફેસર મતીન કહે છે કે "પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને માલદા વિસ્તારમાં સૌથી વધુ મુસલમાનો છે."
 
"એ વિસ્તારમાં ટીએમસીના 80 ટકાથી વધુ ઉમેદવારોનો વિજય થયો છે."
 
"તેનો અર્થ એ થાય કે પશ્ચિમ બંગાળના 28 ટકા મુસલમાનોએ એકસંપ કરીને ટીએમસીને મત આપ્યા છે, પણ હિંદુ મતોનું ધ્રુવીકરણ થયું નહીં એટલે ટીએમસીનો વિજય થયો."
 
"મુદ્દો એ છે કે એક સમુદાયના લોકો આ રીતે સંગઠીત થઈને મતદાન કરે તો બહુમતિના લોકોમાં ધ્રુવીકરણ સંબંધે કોઈ મૅસેજ નહીં જાય?"
 
"હિંદુઓમાં પણ કાઉન્ટર પોલરાઇઝેશન થશે ત્યારે શું થશે? એક વાત યાદ રાખજો કે ધ્રુવીકરણના રાજકારણમાં એવું થવાની આશંકા હંમેશાં રહેતી હોય છે."