મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રાઘવેન્દ્ર રાવ અને તેજસ વૈદ્ય|
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (13:11 IST)

બિલકીસબાનો કેસ : આવી રીતે છૂટી ગયા ગૅંગરેપના 11 ગુનેગાર

- ગુજરાતના ગૃહ વિભાગે 23 જાન્યુઆરી, 2014ના રોજ કેદીઓની માફી અને સમય પહેલાં મુક્તિ માટેના દિશાનિર્દેશ અને નીતિ જારી કરી હતી 
- આ કેસમાં દોષીઓની સજા માફ કરવા માટે ગુજરાત સરકારની 1992ની નીતિને આધાર બનાવવો અને 2014ની નીતિને અવગણવી એ યોગ્ય છે?
- વર્ષ 2002માં થયેલાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ પાસે રણધિકપુર ગામમાં એક ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો
- 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર અને સભ્યોની હત્યાના આરોપમાં 11 દોષિતોને જન્મટીપની સજા સંભળાવી હતી
 
જે દિવસે ભારત પોતાની આઝાદીની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હતું, એ જ દિવસે ગુજરાતમાં સામૂહિક બળાત્કાર અને સાત લોકોની હત્યા માટે આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને માફ કરીને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
 
આ 11 લોકો 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સાત સભ્યની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહ્યા હતા અને ગોધરા જેલમાં બંધ હતા.
 
ગુજરાત સરકારે તેમની સજા માફ કરવાનો નિર્ણય એવા સમયે લીધો આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે જૂન મહિનામાં તમામ રાજ્યોને લખેલા પત્રમાં કેદીઓની સજામાફી અંગે જણાવ્યું હતું કે આજીવન કારાવાસ અને બળાત્કારના દોષી કેદીઓને સજામાફી ન કરવી જોઈએ.
 
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 જૂને બધાં રાજ્યોને પત્ર લખીને જણાવ્યું હતું કે ભારતની આઝાદીની 76મી વર્ષગાંઠે ઉજવાતા આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન કેટલીક શ્રેણીઓના કેદીઓની સજામાફ કરીને તેમને મુક્ત કરવાનો પ્રસ્તાવ છે.
 
પહેલો તબક્કો 15 ઑગસ્ટ 2022, બીજો તબક્કો 26 જાન્યુઆરી 2023 અને ત્રીજો તબક્કો 15 ઑગસ્ટ 2023 હશે.
 
સાથે એ પણ જણાવાયું કે કઈ શ્રેણીના કેદીઓની સજા માફ કરી શકાય નહીં. આમાં બળાત્કારના દોષિતો અને આજીવન કેદની સજા ભોગવનારાઓનો સમાવેશ થાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી.
 
ગુજરાતની 2014ની સજામાફીની નીતિ
 
ગુજરાતના ગૃહ વિભાગે 23 જાન્યુઆરી, 2014ના રોજ કેદીઓની માફી અને સમય પહેલાં મુક્તિ માટેના દિશાનિર્દેશ અને નીતિ જારી કરી હતી, જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે બે કે તેથી વધુ વ્યક્તિઓની સામૂહિક હત્યા માટે અને બળાત્કાર કે સામૂહિક બળાત્કારના દોષિત કેદીઓની સજા માફ નહીં કરવામાં આવે.
 
આ નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે કેદીઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ, 1946 હેઠળના ગુનામાં દોષિત છે, તેમની સજામાફ કરી શકાતી નથી અને ન તો તેમને સમય પહેલાં મુક્ત કરી શકાય છે.
 
નોંધનીય છે કે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને મામલાના તપાસ કરવાની શક્તિ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ, 1946 હેઠળ આપવામાં આવી છે અને આ કેસમાં CBIએ બિલકીસબાનો કેસની તપાસ કરી અને 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા.
 
બીબીસીએ આ અંગે ગુજરાતના અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજકુમાર સાથે વાત કરી હતી.
 
તેમણે કહ્યું, "આ સમય પહેલાંની મુક્તિનો નહીં, પણ સજાની માફીનો કેસ હતો. તેમને જ્યારે દોષિત ઠેરવ્યા ત્યારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 14 વર્ષ પૂરાં થઈ જાય ત્યારે કોઈ પણ સજામાફી માટે અરજી કરી શકે છે. તેમણે પણ આ દરખાસ્ત મૂકી હતી. 2014ની વર્તમાન નીતિ હેઠળ તેમને માફી મળી શકતી નહોતી. આથી આ મામલો ફરીથી સુપ્રીમ કોર્ટમાં લડવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે દિવસે ચુકાદો આવ્યો અને લોકો દોષિત ઠેરવાયા, એ દિવસે જે નીતિ અમલમાં હતી તે હેઠળ નિર્ણય લો. આવો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો."
 
અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજકુમારે એમ પણ કહ્યું કે ચુકાદા સમયે જે નીતિ હતી એ વર્ષ 1992ની હતી.
 
તેમણે કહ્યું, "એ નીતિમાં કોઈ વર્ગીકરણ નહોતું. ચુકાદો કયા સેક્શન હેઠળ થયો છે, તેનું કોઈ વર્ગીકરણ નહોતું. તેમાં માત્ર એટલું જ કહેવાયું કે 14 વર્ષ પૂરાં થઈ ગયાં છે, તો આવા કેસ પર વિચાર કરી શકાય છે. સુપ્રીમ કોર્ટને લાગ્યું કે 2014ની જે નીતિ છે, એ નીતિ આ મામલે લાગુ થતું નથી."
 
અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજકુમારે એમ પણ કહ્યું હતું કે આ મામલાની સીબીઆઈએ તપાસ કરી હોવાથી ગુજરાત સરકારે ભારત સરકાર સાથે વિચારવિમર્શ કર્યો કે આ કેસમાં કઈ સરકાર સજામાફી માટે વધુ કમ્પીટેન્ટ હશે, કેન્દ્ર કે રાજ્યની?
 
તેમણે કહ્યું, "તેમનું કહેવું હતું કે આ કિસ્સામાં સજામાફીના નિર્ણય માટે રાજ્ય સરકાર કમ્પીટેન્ટ રહેશે."
 
શું 2014ની માફીની નીતિને અવગણી શકાય?
 
આ કેસમાં દોષીઓની સજામાફ કરવા માટે ગુજરાત સરકારની 1992ની નીતિને આધાર બનાવવો અને 2014ની નીતિને અવગણવી એ યોગ્ય છે?
 
આ સવાલના જવાબ માટે અમે મેહમૂદ પ્રાચા સાથે વાત કરી જેઓ વકીલ છે અને દિલ્હી રમખાણો જેવા મહત્ત્વપૂર્ણ કેસ સાથે સંકળાયેલા છે.
 
તેઓ સામૂહિક બળાત્કારનું ઉદાહરણ આપતાં કહે છે કે અગાઉ સામૂહિક બળાત્કારની સજા મૃત્યુદંડ નહોતી, આથી જો કોઈએ સામૂહિક બળાત્કાર કર્યો હોય અને બાદમાં સામૂહિક બળાત્કારની પરિભાષા અને સજા બદલાઈ જાય તો તેની પૂર્વવ્યાપી અસર થઈ શકે નહીં. સાદી ભાષામાં કહીએ તો કોઈ સામૂહિક બળાત્કારના દોષીને બાદ એમ કહીને મૃત્યુદંડ ન આપી શકાય કે હવે કાયદો બદલાઈ ગયો છે. ગુનો કરવાના સમયે જે કાયદો હતો એના આધારે સજા થશે.
 
પરંતુ પ્રાચાના મતે માફીના કિસ્સામાં આવું નથી.
 
તેઓ કહે છે, "કોઈ પણ આધારે સજામાફી એક પ્રક્રિયા સાથે જોડાયેલી છે. તમે પ્રક્રિયા બદલી શકો છો અને તેની પૂર્વવ્યાપી અસર થઈ શકે છે. આથી સજા માફી એ પ્રક્રિયા સંબંધિત એક પાસું છે અને આ ગુનાની સજાને મૂળ રીતે બદલતું નથી."
 
તેમના મતે, સજાની એક ચોક્કસ મુદત પૂરી કર્યા પછી જ સજામાફીનો સવાલ ઊભો થશે. આથી કોઈ ગોલપોસ્ટ બદલવામાં આવી રહી નથી.
 
તેઓ કહે છે, "સજામાફીનો સવાલ ત્યારે ઊઠે છે જે દિવસે તમે સજામાફીની અરજી કરવા માટે યોગ્ય હોવ છો. એ દિવસે સજામાફીનો જે કાયદો લાગુ થાય છે, એના આધારે સજામાફીની અરજી પર નિર્ણય લેવો પડશ."
 
બિલકીસબાનો કેસ સંદર્ભે પ્રાચા કહે છે, "જો 2014 પછી મુક્તિ માટેની અરજી કરવામાં આવી હોય તો 2014ની નીતિ માર્ગદર્શક સિદ્ધાંત હોવી જોઈતી હતી."
 
શું છે મામલો?
 
વર્ષ 2002માં થયેલાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ પાસે રણધિકપુર ગામમાં એક ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. એમની ત્રણ વર્ષની બાળકી સાલેહાની પણ નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી.
 
21 જાન્યુઆરી, 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર અને પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં 11 દોષિતોને જન્મટીપની સજા સંભળાવી હતી. બાદમાં બૉમ્બે હાઈકોર્ટે એમની સજાને કાયમ રાખી હતી.
 
15 વર્ષથી વધુ સમય જેલની સજા ભોગવ્યા બાદ દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સજામાફી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીના મામલે ધ્યાન આપવા નિર્દેશ કર્યા હતા.
 
એ બાદ ગુજરાત સરકારે એક સમિતિ રચી હતી. આ સમિતિએ સંબંધિત મામલાના 11 દોષિતોની સજા માફ કરવા માટે સર્વસંમતિથી ફેંસલો લીધો હતો અને તેમને મુક્ત કરી દેવા ભલામણ કરી હતી.
 
આખરે 15 ઑગસ્ટે આ મામલે જન્મટીપની સજા ભોગવી રહેલા 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.
 
સુપ્રીમ કોર્ટમાં કાર્યરત વકીલ પ્યોલી સ્વતિજા કહે છે કે ગુજરાત સરકારની કમિટીએ આ મામલે દોષિતોની સજામાફ કરી એને મુક્ત કરવાનો ફેંસલો લીધો કઈ રીતે લીધો એ એમની સમજથી બહાર છે
 
તેઓ કહે છે, "એક વખત સુપ્રીમ કોર્ટે કહી દીધું કે સજામાફીનો નિર્ણય ગુજરાત સરકાર જ કરી શકે છે તો ગુજરાત સરકારે જે કમિટી રચી એની પાસે શક્તિઓ હતી પણ એ શક્તિનો ઉપયોગ આંખ બંધ કરીને ના કરી શકે. તેણે ચોક્કસથી એ જોવું જોઈએ ગુનાની પ્રકૃતિ શું હતી?"
 
"આ પાસાંને જોવાં જ પડે, માત્ર કેદીનો વ્યહાર કેવો છે એ નહીં, ગુનાની પ્રકૃતિ કેવી હતી એ. જો ગુનાની પ્રકૃતિ જોવામાં આવે તો એક સારા અંત:કરણવાળી કમિટી કઈ રીતે આ પ્રકારનો નિર્ણય લઈ શકે."
 
વડા પ્રધાન પર વિપક્ષનું નશાન
 
આ મામલે 11 દોષિતોને મુક્ત કરવાને 'અનપેક્ષિત' ગણાવતાં કૉંગ્રેસે વડા પ્રધાન પર સીધા પ્રહાર કર્યા છે.
 
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, "કાલે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી મોટી મોટી વાતો કરી... નારીસુરક્ષા, નારીસન્માન, નારીશક્તિ... સારા સારા શબ્દોનો ઉપયોગ કર્યો. કેટલાક કલાકો બાદ ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો જે એ અનપેક્ષિત હતો, આવું ક્યારેય નહોતું થયું."
 
ખેડાએ ગુજરાત સરકારના એ નિવેદન પર પણ નિશાન તાક્યું જેમાં તેણે આ મામલે દોષિતોએ 14 વર્ષની સજા ભોગવી હોવાની, એમના સારા વર્તનની અને ગુનાની પ્રકૃતિની વાત તેમને મુક્ત કરવાનાં કારણ તરીકે ગણાવી હતી.
 
ખેડાએ ઉમેર્યું, "જો ગુનાની પ્રકૃતિની જ વાત કરવામાં આવે તો શું બળાત્કાર એ શ્રેણીમાં નથી આવતો કે જેમાં આકરામાંથી આકરી સજા મળે? જેટલી આકરી સજા મળે એટલી ઓછી ગણાય છે. "
 
આ મામલે 11 દોષિતોની જેલમુક્તિ બાદની તસવીરો અને વીડિયો પર પણ કૉંગ્રેસે વડા પ્રધાન પર નિશાન તાક્યું છે.
 
પવન ખેડાએ કહ્યું, "પછી આજે અમે એ પણ જોયું કે જે મુક્ત થયા છે એમની આરતી ઉતારવામાં આવી રહી છે. એમને તિલક લગાવાઈ રહ્યાં છે. એમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. આ છે અમૃત મહોત્સવ?"
 
"આ છે વડા પ્રધાનની કથની અને કરની વચ્ચેનું અંતર? કાં તો એ લોકોએ, એમની પોતાની સરકારે વડા પ્રધાનનું સાંભળવાનું બંધ કરી દીધું છે... કાં તો પછી વડા પ્રધાન દેશને કંઈ બીજું કહે છે અને ફોન કરીને પોતાની રાજ્ય સરકારોને કંઈ બીજું કહે છે."