ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 19 મે 2019 (20:12 IST)

કેવી રીતે થાય છે Exit Polls અને કેટલા પ્રમાણમાં વિશ્વસનીય?

કીર્તિ દૂબે
લોકસભા ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદારોએ નેતાઓનું ભાવિ ઈવીએમમાં સીલ કરી દીધું છે. 23 મેના રોજ જનતાનો આદેશ દેશ સામે આવશે, પરંતુ અંતિમ તબક્કાનાં મતદાન અને પરિણામો આવે તે પહેલાં ઍક્ઝિટ પોલ આવી જાય છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ ન્યૂઝચેનલોમાં ઍક્ઝિટ પોલ દેખાવા લાગે છે. આ ઍક્ઝિટ પોલ ચૂંટણીનાં આવનારાં પરિણામો અંગેનું એક અનુમાન હોય છે. જે બતાવે છે કે મતદાઓનું વલણ કયા પક્ષ કે ગઠબંધન તરફ જઈ શકે છે. ન્યૂઝચેનલ મોટા ભાગે આવા સર્વે એજન્સીઓ સાથે મળીને કરે છે.
 
ઘણી વખત પરિણામો આ સર્વે પ્રમાણે સચોટ આવે છે તો ક્યારેક તેનાથી ઊલટું પણ થાય છે. ઍક્ઝિટ પોલ અને પરિણામો વચ્ચે કોઈ મેળ બેસતો નથી.
એવામાં આપણે જાણીએ કે ઍક્ઝિટ પોલની પૂરી પ્રક્રિયા શું હોય છે.
 
ઍક્ઝિટ પોલની પ્રક્રિયા શું હોય છે?
 
દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિર્દેશક સંજય કુમાર કહે છે કે ઍક્ઝિટ પોલ અંગે જે ધારણા છે તે એ છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે. સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?
હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.
 
ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે. એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે 2015ની વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. 
 
ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? એવો સવાલ પણ થાય છે.
 
આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."
 
સંજય કહે છે, "તમે જોશો કે ભાજપની જીતનું અનુમાન કરવામાં આવ્યું હતું એ મોટા ભાગના ઍક્ઝિટ પોલ ફેલ થયા છે."
 
"ઍક્ઝિટ પોલમાં મતદાનમથકની બહાર મતદાતાઓ સાથે વાત કરવામાં આવે છે. જે મતદાતા બોલકા હોય તે વધારે વાતો કરે છે."
 
"ભાજપને મત આપનારા મોટા ભાગે શહેરી, ઉચ્ચવર્ગના અને ભણેલા-ગણેલા મતદારો હોય છે. વધારે આત્મવિશ્વાસ ધરાવતા લોકો સામે આવીને પોતાની વાત જણાવે છે."
 
"જ્યારે ગરીબ, અભણ અને ઓછો આત્મવિશ્વાસ ધરાવતા મતદારો ચુપચાપ મતદાન કરીને જતા રહે છે. જેમની સર્વે કરનારાઓ પાસે સામે ચાલીને જવાની સંભાવના ખૂબ ઓછી હોય છે."
 
"આવામાં સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."
 
"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."
 
જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો ફેંસલો ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.
 
સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.
 
જ્યારે ખોટા પડ્યા ઍક્ઝિટ પોલ
 
2015માં થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઍક્ઝિટ પોલમાં ભાજપની જોરદાર જીત થશે એવું અનુમાન કરાયું હતું.  પોલિંગ એજન્સી ચાણક્યે ભાજપને 155 બેઠકો અને મહાગઠબંધનને 83 બેઠકો મળશે એવી ભવિષ્યવાણી ભાખી હતી.  જ્યારે નીલસન અને સિસરોએ ભાજપ 100 બેઠકો પર જીતશે એવું અનુમાન કર્યું હતું, પરંતુ પરિણામો તેનાથી વિપરીત આવ્યાં.
 
જેડીયૂ, આરજેડી અને કૉંગ્રેસનાં ગઠબંધનનો 243માંથી 178 બેઠકો પર વિજય થયો. આ ચૂંટણીમાં ઍક્ઝિટ પોલનાં અનુમાનો કરતાં પરિણામો સાવ વિપરીત આવ્યાં હતાં. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં દેશમાં એનડીએની સરકાર હતી અને એ સમયે 2004માં થયેલી લોકસભાની ચૂંટણી વખતે ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.
"આ ચૂંટણીમાં ઍક્ઝિટ પોલના આંકડાઓ ખોટા સાબિત થયા હતા. ઍક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ સૌથી મોટો પક્ષ બનશે અને એનડીએ સૌથી મોટું ગઠબંધન બનીને ઊભરશે."
 
"પરિણામ આપણે બધાને ખબર છે કે કૉંગ્રેસની બેઠકો વધારે આવી અને યૂપીએ સૌથી મોટું ગઠબંધન સાબિત થયું."
 
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ઍક્ઝિટ પોલના અનુમાનની ખૂબ જ નજીક આવ્યું હતું. જોકે, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠકોનું અંતર ખૂબ ઓછું હતું, પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.
 
ઇન્ડિયા ન્યૂઝ-સીએનએક્સે ઍક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 110થી 120 અને કૉંગ્રેસને 65થી 75 બેઠકો મળવાનું અનુમાન કર્યું હતું.
 
ટાઇમ્સ નાઉ-વીએમઆરના ઍક્ઝિટ પોલમાં ભાજપને 115 અને કૉંગ્રેસને 65 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.
 
ન્યૂઝ 18-સીવોટરે ઍક્ઝિટ પોલમાં ભાજપને 108 અને કૉંગ્રેસે 74 બેઠકોનું અનુમાન લગાવ્યું હતું.
 
ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસે ભાજપને 99થી 113 અને કૉંગ્રેસને 68થી 82 બેઠકો મળવાનું અનુમાન કર્યું હતું.
 
વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 99 અને કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી, જ્યારે અન્ય પક્ષોને 6 બેઠકો મળી હતી.
 
2016માં પશ્ચિમ બંગાળનાં પરિણામો ઍક્ઝિટ પોલની નજીક જ રહ્યાં હતાં.
 
ઉપરાંત 2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી હતી. આ ચૂંટણીમાં ઇન્ડિયા ટુડે, આજતક, રિપબ્લિક ટીવી અને એબીપી ચેનલોએ કૉંગ્રેસને જ તેમના સર્વેમાં જીતતી બતાવી હતી.