શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 28 જુલાઈ 2019 (13:07 IST)

શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?

સૌતિક બિસ્વાસ
બીબીસી સંવાદદાતા
શું ભારતમાં ખરેખર એવું કોઈ ગામ હોઈ શકે કે જ્યાં દીકરીનો જન્મ જ ન થયો હોય?
હાલમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ઉત્તરાખંડનાં 132 ગામોમાં છેલ્લા 3 મહિના દરમિયાન દીકરી જન્મી જ નથી. અહેવાલ સામે આવ્યો કે સરકારને તુરંત જ તપાસ શરૂ કરવી પડી.
આ વાત છે ઉત્તરાખંડ સ્થિત ઉત્તરકાશીની કે જ્યાં આશરે 550 ગામડાંમાં 4 લાખ લોકો રહે છે.
અહીંનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે અને અંતરિયાળ છે.
ભારતની વાત કરીએ તો એ એક એવો દેશ બની ગયો છે કે જ્યાં સેક્સ-રેશિયોમાં ભારે અંતર જોવા મળે છે.
ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનું કારણ આ માટે જવાબદાર છે.
તેવામાં જ્યારે આ સમાચાર આવ્યા કે ભારતના 132 ગામોમાં 3 મહિનામાં દીકરી જન્મી જ નથી, સંતાપ થવો સહજ છે.
જોકે, આ અહેવાલ સંપૂર્ણ સાચો ન હોય એવું પણ બની શકે.
આ અહેવાલ અનુસાર એપ્રિલથી જૂન મહિના દરમિયાન અહીંનાં 132 ગામોમાં 216 પુત્રો જન્મ્યા પરંતુ બાળકી એક પણ જન્મી નહીં.
જોકે, અધિકારીઓનું આ મામલે કંઈક અલગ જ કહેવું છે. એમની તપાસમાં સામે આવ્યું છે કે આ જ સમયગાળા દરમિયાન અહીંના અલગઅલગ 120 ગામોમાં 180 બાળકીઓ જન્મી.
તેમના દાવા અનુસાર આ સમયગાળા દરમિયાન, આ જ ગામોમાં ક્યાંય પુત્રનો જન્મ નથી થયો.
ચિત્રને વધુ સંકુલ બનાવતાં દાવો કરાયો કે અન્ય 166 ગામોમાં 88 પુત્રી અને 78 પુત્રનો જન્મ થયો.
ઉત્તરકાશીમાં એપ્રિલથી જૂનની વચ્ચે કુલ 961 બાળકોનો જન્મ થયો હતો જેમાંથી 479 પુત્રીઓ હતી અને 468 પુત્ર હતા (બાકીનાં બાળકો મૃત હાલતમાં જન્મ્યાં હતાં).
અધિકારીઓનું કહેવું છે કે આ આંકડો દર્શાવે છે કે આ જિલ્લામાં સેક્સ-રેશિયો ખૂબ સારો છે. અહીં 1000 પુરુષની સામે 1,024 મહિલાઓ છે.
1 હજાર પુરુષની સામે 933 મહિલાઓની રાષ્ટ્રીય સરેરાશ કરતાં આ આંકડો ક્યાંય સારો છે.
 
અધિકારીઓનું કહેવું છે કે કદાચ સ્વયંસેવકો દ્વારા મેળવાયેલી માહિતીના આધારે મીડિયામાં આવા અહેવાલ વહેતા થયા હોઈ શકે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા અને જન્મ, રસીકરણ અને પરિવાર-નિયોજન અંગેની માહિતી એકઠી કરવાનું કામ 600 જેટલા સ્વયંસેવકોને સોંપવામાં આવ્યું છે.
એક વરિષ્ઠ અધિકારી આશિષ ચૌહાણનું કહેવું છે, "મને લાગે છે કે અહેવાલને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. લોકોની અંદર આ મામલે સમજ નથી. જોકે, આ મામલે અમે તપાસના આદેશ આપ્યા છે."
એટલે 26 અધિકારીઓ અલગઅલગ 82 ગામોમાં ફરી વળ્યા અને જાણ્યું કે ક્યાંક ભૂલ થઈ ગઈ છે.
 
એવી સંભાવના છે કે કદાચ માહિતી અધૂરી હોય અને આરોગ્ય કર્મચારીઓથી ક્યાંક કાચું કપાયું હોય!
એટલે શું પુત્રીના જન્મની માહિતી એકઠી કરવા માટે એક ટુકડીને કામ સોંપાયું હતું અને પુત્રજન્મની માહિતી એકઠી કરવા માટે બીજી ટુકડીને કામ સોંપાયું હતું?
વળી, ઉત્તરકાશીના વિસ્તારોમાં વસતી પણ પાંખી જોવા મળે છે.
અહીં એક ગામમાં સરેરાશ 500 લોકો રહે છે. તો કેટલાંક અંતરિયાળ ગામોમાં આશરે 100 લોકોની વસતી છે.
આરોગ્યઅધિકારીનું કહવું છે કે 10-15 ઘરો ધરાવતાં નાનાં ગામોમાં જન્મતાં એક જ જાતિનાં બાળકોની સંખ્યા કંઈ ખાસ ફેર સર્જી શકે નહીં.
"જો ઘણાં બધાં ગામોમાં દીકરીનો જન્મ જ ન થયો હોત તો તેની અસર જિલ્લાના સેક્સ-રેશિયો પર પડી હોત."
સ્થાનિક લોકોનો દાવો છે કે તેમનાં ગામમાં પુત્ર-પત્રી વચ્ચેનો તફાવત ખૂબ ઓછો જોવા મળે છે.
એક સ્થાનિક મહિલાએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું, "દીકરી હોય કે દીકરો, અમે તો બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે બાળક સ્વસ્થ હોય."
આ ગામોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે મહેનત કરે છે. તેઓ ખેતરોમાં મજૂરી કરે છે, ઘાસ કાપે છે, રસોઈ કરે છે અને ઘરના બીજા કામકાજ પણ કરે છે.
અહીં પુરુષોમાં દારૂનું દૂષણ વધુ પડતું જોવા મળે છે.
અધિકારીઓનું કહેવું છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી અહીંનાં ગામોમાં સ્ત્રીભ્રૂણની હત્યાના બનાવો વિશે સાંભળવા મળ્યું નથી.
અહીં 3 સરકારી દવાખાનાં છે કે જ્યાં અલ્ટ્રાસાઉન્ડના મશીન છે અને તે રજીસ્ટર્ડ છે.
આશિષ ચૌહાણ કહે છે, "અહીં રહેતા લોકો આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે બાળજન્મ પહેલાં લિંગનું પરીક્ષણ કરાવી શકે અથવા તો ગર્ભપાત કરાવી શકે."
જોકે, અહીં બાળજન્મ અંગે અન્ય એક વાત પણ સામે આવી.
એપ્રિલથી જૂન મહિના વચ્ચે જે 961 બાળજન્મ થયા, તેમાંથી 207 બાળકોનો જન્મ ઘરે જ થયો જ્યારે બાકીનાં બાળકોનો જન્મ હૉસ્પિટલ કે દવાખાનામાં થયો હતો.
ઘરે જન્મેલાં 207 બાળકોમાંથી 109 પુત્રો હતા જ્યારે 93 પુત્રીઓ હતી.
વરિષ્ઠ મેડિકલ ઑફિસર ચંદન સિંહ રાવત કહે છે, "આ સમજવું થોડું અઘરું છે અને આ મામલે વધુ તપાસની જરૂર છે."
"મોટાભાગે અંતરિયાળ વિસ્તારોમાં ઘરે જ બાળકોનો જન્મ થાય છે કેમ કે અહીંના લોકો માટે ઍમ્બુલન્સની સુવિધા મેળવવી કે તો દવાખાને જવું કાઠું કામ છે."
હવે અઠવાડિયા જેટલા સમયમાં અમે ઉત્તરાખંડનાં 'મિસિંગ ગર્લ્સ' ગામડાંઓ વિશે વધુ માહિતી મેળવવા પ્રયાસ કરીશું.