સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (11:27 IST)

ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ગ્રીનલૅન્ડ ટાપુને કેમ ખરીદી લેવા માગે છે?

ગ્રીનલૅન્ડે કહ્યું છે કે તે વેચાઉ નથી. ગ્રીનલૅન્ડનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું છે કેમ કે હાલ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી મોટા ટાપુને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે જો અમેરિકા દુનિયાના સૌથી મોટા ટાપુને ખરીદી લે તો તેમને સારું લાગશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના સલાહકારો સાથે ડેનમાર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલૅન્ડને ખરીદવા મામલે ચર્ચા કરી.
પરંતુ ગ્રીનલૅન્ડની સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિના આ વિચારને ફગાવી દીધો છે.
ગ્રીનલૅન્ડની સરકારનું કહેવું છે, "અમે વેપાર કરવા માટે તેમનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે વેચાવા માટે તૈયાર નથી."
 
અમેરિકાના રાષ્ટ્રપતિની યોજનાને ડેનમાર્કના રાજનેતાઓએ પણ નકારી દીધી છે.
પૂર્વ વડા પ્રધાન લાર્સ લોક્કે રાસમુસેને ટ્વીટ કર્યું છે, "આ ચોક્કસ એપ્રિલ ફૂલ (એક એપ્રિલ)ના દિવસે કરવામાં આવેલી મજાક છે.. પરંતુ અત્યારે તેની કોઈ જરૂર ન હતી."
આ સમાચારને સૌથી પહેલા વૉલ સ્ટ્રીટ જર્નલે પ્રકાશિત કર્યા હતા.
જર્નલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે ગંભીરતા ન દાખવતા ગ્રીનલૅન્ડને ખરીદવાની વાત કહી હતી.
જોકે, ઘણી મીડિયા સંસ્થાઓમાં આ વાત મામલે મતભેદ છે.
કેટલીક મીડિયા સંસ્થાઓનું માનવું છે કે ટ્રમ્પે આ વાત ગંભીરતાથી કહી હતી તો કેટલાક લોકોનું માનવું હતું કે આ મજાક હતી.
 
શું છે ગ્રીનલૅન્ડની પ્રતિક્રિયા?
ગ્રીનલૅન્ડના અધિકારીઓનું કહેવું છે કે ગ્રીનલૅન્ડ વેચાણ માટે ઉપલબ્ધ નથી.
આ સંદર્ભે ગ્રીનલૅન્ડના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે જે સોશિયલ મીડિયા પર ખૂબ શૅર થઈ રહ્યું છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "ગ્રીનલૅન્ડ કિંમતી સંસાધનો, જેમ કે ખનિજ, સૌથી શુદ્ધ પાણી, બરફ, માછલીઓનો ભંડાર, સી ફૂડ, ક્લીન ઍનર્જીના સાધનોથી સંપન્ન છે. અમે વેપાર કરવા માટે સ્વતંત્ર છીએ પણ અમને કોઈ ખરીદી શકતું નથી."
ગ્રીનલૅન્ડના પ્રીમિયર કિમ કિલ્સેને આ વાત મામલે એક અલગ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, "ગ્રીનલૅન્ડ વેચાઉ નથી. પરંતુ તે વેપાર અને બીજા દેશોના સહયોગ માટે તૈયાર છે જેમાં અમેરિકા પણ સામેલ છે."
 
ગ્રીનલૅન્ડના સાંસદ આઝા ચેમન્ટિઝ લાર્સેન પણ એ લોકોમાં સામેલ છે જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાતને ફગાવી દીધી છે.
તેમણે ટ્વિટર પર આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી છે. "ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ખરીદવાની કોઈ જરૂર નથી.. તેમનો આભાર."
ગ્રીનલૅન્ડના એક સમાચારપત્ર સરમિટસિયાકના એડિટર ઇન ચીફ પૉલ ક્રારુપે બીબીસીને જણાવ્યું કે તેમને વિશ્વાસ નથી થતો કે ટ્રમ્પે આવી કંઈક વાત કરી છે.
તેમણે આગળ કહ્યું, "ગ્રીનલૅન્ડ એક સ્વાયત્ત ક્ષેત્ર છે અને તેને એ જ સંદર્ભે જોવું જોઈએ તેમજ તેને માન આપવું જોઈએ."
 
ડેનમાર્કનું શું કહેવું છે?
ડેનમાર્કના રાજનેતાઓએ આ સંભવિત અધિગ્રહણના વિચારને મૂર્ખતા ગણાવ્યો છે. તેમણે તેની મજાક ઉડાવી છે.
ડેનમાર્કની ડેનિશ પીપલ્સ પાર્ટીના વિદેશી મામલાના પ્રવક્તા સોરેન એસ્પર્સને નેશનલ બ્રૉડકાસ્ટર ડીઆરને કહ્યું છે કે જો ટ્રમ્પ ખરેખર તેના પર કોઈ વિચાર કરી રહ્યા છે તો આ એ વાતનું પ્રમાણ છે કે તેઓ પાગલ બની ગયા છે.
તેમણે કહ્યું, "ડેનમાર્ક, અમેરિકાને 50 હજાર નાગરિક વેચી દેશે, એવું વિચારવું પણ કેટલું હાસ્યાસ્પદ છે."
 
ગ્રીનલૅન્ડના સંસાધનોને તેની પાછળ મોટું કારણ ગણાવી શકાય છે.
ગ્રીનલૅન્ડના પ્રાકૃતિક સંસાધન, જેમ કે કોલસા, તાંબા, લોખંડ વગેરેના કારણે ગ્રીનલૅન્ડમાં અમેરિકા રસ દાખવી રહ્યું છે.
જોકે, એક તરફ ભલે ગ્રીનલૅન્ડ ખનીજ મામલે સમૃદ્ધ હોય પરંતુ તે પોતાના બજેટના બે તૃતિયાંશ ભાગ માટે ડેનમાર્ક પર જ નિર્ભર છે.
ગ્રીનલૅન્ડમાં આત્મહત્યા અને નશાખોરીના કિસ્સાઓ ખૂબ વધારે છે.
આ સાથે જ ત્યાં બેરોજગારી પણ ચરમસીમાએ છે.
ગ્રીનલૅન્ડ એક સ્વ- શાસિત દેશ છે પરંતુ ડેનમાર્કનું તેના પર નિયંત્રણ છે.
તે અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. ક્ષેત્રફળના મામલે ગ્રીનલૅન્ડ દુનિયાનો 12મો સૌથી મોટો દેશ છે અને બ્રિટનથી 10 ગણો વધારે મોટો છે.
તેના 20 લાખ વર્ગ કિલોમિટરના વિસ્તારમાં પહાડો અને બરફ છે.
 
ગ્રીનલૅન્ડની વસતી માત્ર 56 હજાર છે જે ઇંગ્લૅન્ડના લગભગ એક શહેર જેટલી છે.
અહીંની 88% વસતી ઇનૂએટની છે અને બાકી ડેનિશ (ડેનમાર્કની ભાષા બોલતા) લોકો રહે છે.
છેલ્લા ઘણા વર્ષોમાં અમેરિકીઓ અને ડેનમાર્કના લોકોએ ગ્રીનલૅન્ડ અને તેની રાજધાની નુકમાં વધારે પૈસાનું રોકાણ કર્યું નથી.
અહીં દરરોજ એક જગ્યાએ કેટલાક લોકો એકત્રિત થઈને સામાન વેચે છે, જેનાથી થોડી રોકડ રકમ મળી રહે છે.
અહીં કપડાં, સ્કૂલબૅગ, કેક, સૂકી માછલી અને રેંડિયરના શિંગડા વેચાય છે.