શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (11:24 IST)

ટૉઇલેટમાં કેવી રીતે બેસવું જોઈએ કે તબિયત બગડે નહીં

તમે ટૉઇલેટમાં બેઠાબેઠા આ વાંચી રહ્યા હોવ અને પેટ સાફ થવામાં તકલીફ થઈ રહી હોય તો તમને સલાહ છે કે તમારી બેસવાની પદ્ધતિ બદલવા માટે વિચારવું જોઈએ.
પણ કેવી રીતે - એવો સવાલ તમે પૂછશો. શું આધુનિક યુગના સુવિધાયુક્ત ટૉઇલેટની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ છે ખરો?
એક વ્યક્તિ પોતાની આખી જિંદગીમાં સરેરાશ 6 મહિના બાથરૂમમાં પસાર કરે છે.
કુદરતી ક્રિયા માટે કેવી રીતે બેસવું તેની વાત કોઈ ફાલતુ નથી. વ્યક્તિ રોજ અમુક કલાક બાથરૂમમાં જ વીતાવે છે.
સરેરાશ માનવી વર્ષે 145 કિલો મળવિસર્જન કરે છે, જેનું વજન એક મોટા ગોરીલા જેટલું થાય છે.
આપણા જીવનની આ બહુ કુદરતી ક્રિયા હોવાથી ટૉઇલેટમાં યોગ્ય રીતે બેસવાની પદ્ધતિ જાણી લેવી જરૂરી છે.
ટૉઇલેટમાં કેટલો સમય વિતાવવો જોઈએ?
વીસમી સદીની મધ્યમાં આફ્રિકામાં કામ કરતા યુરોપના લોકોને એ વાતની નવાઈ લાગી હતી કે સ્થાનિક લોકોને આંતરડાં કે પાચનને લગતી ભાગ્યે જ કોઈ સમસ્યા હતી.
દુનિયાના ઘણા વિકાસશીલ દેશોમાં પણ આવી જ સ્થિતિ છે. માત્ર ખાણીપીણીની ટેવોને કારણે પેટ સાફ રહેતું હતું તેવું નહોતું.
આફ્રિકાના લોકોની ટૉઇલેટ માટે બેસવાની રીત અને કેટલો સમય તેની પાછળ વિતાવતા હતા તેના કારણે પણ ફરક પડતો હતો.
એવું જોવા મળ્યું છે કે વિકાસશીલ દેશોમાં હજીય ટૉઇલેટની સુવિધા બધાના ઘરે ઉપલબ્ધ નથી.
ગ્રામીણ વિસ્તારમાં હજીય ખુલ્લામાં શૌચ જવાની ટેવ હોય છે.
ટૉઇલેટ હોય તો પણ સાંકડા અને જૂની પદ્ધતિના, જેમાં ઉભડક બેસવું પડે. આધુનિક રીતે બેસી શકાય તેવાં ટૉઈલેટ બધે હોતાં નથી.
ઉભડક બેસીને ટૉઇલેટ જવા પાછળ લગભગ 51 સેકન્ડનો સમય લાગતો હોય છે. નિષ્ણાતો કહે છે કે આ રીત પેટની તંદુરસ્તી માટે વધારે સારી છે.
 
ટૉઇલેટ સીટનો ઉપયોગ શા માટે થાય છે?
આધુનિક ટૉઇલેટમાં બેસવાની રીતને કારણે મળવિસર્જન માર્ગ 90 ડિગ્રી એગન્લ બને છે. તેના કારણે પેલ્વિક મસલ્સ પર દબાણ કરવું પડે છે અને મળવિસર્જન માટે પણ જોર કરવું પડે છે.
દુનિયાના ઘણા દેશોમાં આજેય શા માટે ટૉઇલેટ સીટનો ઉપયોગ થાય છે?
એવું માનવામાં આવે છે કે પ્રાચીન મેસોપોટેમિયામાં પ્રથમ વાર આ પ્રકારનાં ટૉઇલેટ બન્યાં હતાં.
ઈસ પૂર્વે 315માં રોમમાં 144 જાહેર શૌચાલય હતાં અને બાથરૂમ જવાની વાત સામાજિક પ્રસંગ જેવી બની ગઈ હતી.
રોમના પેલેટાઇન હિલમાં ખોદકામ દરમિયાન 2000 વર્ષ જૂનું એક ટૉઇલેટ મળી આવ્યું હતું. તેમાં પાસપાસે 50 ખાંચા હતા. સામૂહિક ટૉઇલેટ તરીકે વાપરવા માટે તે બન્યું હતું તેવું મનાય છે.
પ્રચલિત માન્યતા એવી છે કે ઇંગ્લિશ પ્લમ્બર થોમસ ક્રેપરે હાલનું સિટિંગ ટૉઇલેટ શોધ્યું હતું. જોકે 1861 સુધી તેની પેટન્ટ નોંધાઈ નહોતી.
 
પાણીના નિકાલ સાથેનું પ્રથમ ટૉઇલેટ 1592માં જ્હૉન હેરિંગ્ટને બનાવ્યું હતું. ઍલિઝાબેથના રાજદરબારના સભ્ય હેરિંગ્ટને તેને 'એજેક્સ' એવું નામ આપ્યું હતું.
ક્રેપરે જે શોધ કરી તેમાં સૌથી અગત્યની હતી યુ-પાઇપ, જેના કારણે પાણી ભરાઈ રહેતું હતું અને ગૅસ અને ગંધ ફરી પાછી અંદર આવતાં અટકતી હતી.
ક્રેપરની શોધ પછી ફ્લોરની ઉપર બેઠકની જેમ ટૉઇલેટ બનતાં થયાં હતાં, કેમ કે તે રીતે તેને બનાવવાં સહેલાં પડતાં હતાં.
ક્રેપરના આધુનિક ટૉઇલેટને મહાન શોધનો દરજ્જો મળ્યો હતો અને તેને પશ્ચિમની આધુનિક સંસ્કૃતિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે.
 
તબિયતને નુકસાન
ટૉઇલેટમાં બેઠા હોઈએ અને પેટ સાફ ન આવે ત્યારે દાંત ભીંસીને અને આંતરડાં ખેંચી ખેંચીને જોર કરતા હોઈએ છીએ.
પેટમાં બાદી થઈ હોવાથી, પાચન ન થયું હોવાથી અને આંતરડાંની બીજી સમસ્યાને કારણે આવું થઈ શકે છે.
જોકે ઘણા નિષ્ણાતો કહે છે કે તેનું એક કારણ ટૉઇલેટમાં બેસવાની આપણી રીત પણ હોઈ શકે છે.
અયોગ્ય રીતે બેસવાને કારણે ઘણી મુશ્કેલી થઈ હોવાનું, બેભાન થઈ ગયાનું અને સ્ટ્રોક આવી ગયાનું પણ નોંધાયું છે.
1960ના દાયકામાં કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર એલેક્ઝાન્ડર કિરાએ આધુનિક ટૉઇલેટને "આજ સુધીની સૌથી ખરાબ રીતે ડિઝાઇન થયેલી વસ્તુ" ગણાવી હતી.
એલ્વિસ પ્રેસ્લીના અંગત ડૉક્ટરના જણાવ્યા અનુસાર તેમણે ટૉઇલેટમાં જોર કર્યું તેના કારણે જ હાર્ટઍટેક આવી ગયાની શક્યતા હતી.
 
જોકે જરૂરી નથી કે ઘરમાં લગાડેલી ટૉઇલેટ સીટ કાઢી નાખીએ અને દેશી ટૉઇલેટ પ્રમાણે ઉભડક બેસી જઈએ.
એક બીજો સરળ વિકલ્પ પણ છે.
ટૉઇલેટ સીટ પર બેસીને પછી તમારા પગને ઊંચા કરીને ગોઠણને છાતીની નજીક લઈ આવો. તેના કારણે 90 ડિગ્રીના બદલે 35 ડિગ્રીનો એગન્લ બનશે અને આંતરડાંને મોકળાશ મળશે.
તેના કારણે આંતરડાં અને મળવિસર્જન માર્ગ વચ્ચેના સાંધા પરનો અવરોધ પણ દૂર થશે.
તમારા પગને ઊંચા કરીને રાખવા માટે તમે સ્ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો.