ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દિનેશ ઉપ્રેતી|
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (11:16 IST)

વર્લ્ડ કપ 2019 : કોણ છે એ ખેલાડીઓ જેમનો ભારતીય ટીમમાં સમાવેશ થઈ શકે છે

દિનેશ ઉપ્રેતી
મગ્ર દુનિયામાં ક્રિકેટ ખેલાડી ભારતમાં હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. 20-20 ઓવરની આ ટૂર્નામેન્ટમાં ખેલાડી પોતાના પ્રદર્શનથી પોત પોતાના દેશના પસંદગીકર્તાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચવાના અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ એ માટે પણ ખાસ છે કેમ કે પસંદગી માટે બૉર્ડર લાઇન પર ઊભેલા ખેલાડીઓ પાસે તક છે કે તેઓ પોતાના સારા પ્રદર્શનથી પોતાના માટે વર્લ્ડ કપની ટિકિટ બુક કરાવી શકે. 
 
મેના અંતમાં ઇંગલૅન્ડમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન સોમવારના રોજ મુંબઈમાં કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાને પસંદ કરવા માટે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિ સિવાય કપ્તાન કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ આ બેઠકમાં સામેલ હશે.
 
વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીને મોકલવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે. જોકે, ભારતીય પસંદગીકર્તાઓએ આ કામ એક અઠવાડિયા પહેલાં જ કરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ એવો ઉદ્દેશ હોઈ શકે છે કે પસંદગી પામેલા ખેલાડીઓને માનસિક રૂપે મજબૂત થવા માટે પર્યાપ્ત સમય આપવા માગે છે.
 
એમએસકે પ્રસાદ બે મહિના પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પસંદગીકર્તાઓના મગજમાં 20 ખેલાડીઓનાં નામ અને તેને લઈને કોઈ મૂંઝવણ નથી. હવે તેમાંથી 15 ખેલાડીઓની પસંદગી કરવાની છે.
 
તેમણે એમ પણ કહ્યું હતું કે IPLમાં ખેલાડીઓએ કરેલા પ્રદર્શનને વર્લ્ડ કપની ટીમની પસંદગી કરતી વખતે ધ્યાને લેવામાં આવશે નહીં. તેનો મતલબ એવો છે કે જે ખેલાડીઓનાં નામ ટીમમાં નક્કી છે તેઓ IPLમાં સારું પ્રદર્શન ન કરે તો પણ તેમનું પત્તું કપાશે નહીં. આ વાતથી કદાચ જ કોઈ સહમત થાય કે પ્રસાદની આ ફૉર્મ્યુલા ખરેખર બધા ખેલાડી પર લાગુ પડશે કે કેમ. પસંદગીની બૉર્ડર પર ઊભેલા ખેલાડીઓને માટે IPL મહત્ત્વની બની રહે તેવી શક્યતા છે. ICCના વન ડે રૅન્કિંગમાં પ્રથમ નંબરે રહેલી ભારતની ટીમ અત્યાર સુધી બે વર્લ્ડ કપ જીતી શકી છે.
 
કપિલ દેવની આગેવાનીમાં 1983માં ભારત પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યું હતું. જ્યારે બીજી વખત મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2011માં વર્લ્ડ કપની ટ્રોફી મેળવી હતી.
50 ઓવરના આ ફૉર્મેટ માટે ઇંગ્લૅન્ડમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેના માટે આદર્શ ટીમ કૉમ્બિનેશન પાંચ બેટ્સમેન, બે ઑલ રાઉન્ડર, ત્રણ સ્પીડ બૉલર અને એક વિકેટકીપર માનવામાં આવે છે.
 
એક નજર એ ખેલાડીઓ પર જેમની વર્લ્ડ કપની ટિકિટ પાક્કી છે અને જેમને લઈને પસંદગીકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ શકે છે. ટીમની ઑપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવન સાથે કોઈ પ્રકારની છેડછાડ થાય તેવી આશંકા નથી.
 
રોહિત શર્મા (ઉપ-કપ્તાન)
થોડા જ દિવસો બાદ 32 વર્ષના થનારા ડાબા હાથના આ વિસ્ફોટક બૅટ્સમેનમાં કોઈ પણ દિવસે એકલા હાથે ટીમને જીતવવાની ક્ષમતા છે. 206 વન ડે મૅચનો અનુભવ ધરાવતા રોહિત વન ડે ઇતિહાસમાં સૌથી વધારે ત્રણ બમણા શતક ફટકારનારા દુનિયાના એકમાત્ર બૅટ્સમેન છે. આશરે 88ની સ્ટ્રાઇક રેટ ધરાવતા રોહિતની સરેરાશ છે 47.39ની છે. તેમના નામે 22 સદી અને 41 અડધી સદી છે અને અત્યાર સુધી 8010 રન બનાવી ચૂક્યા છે. રોહિતે વર્ષ 2015માં ગત વર્લ્ડ કપમાં આઠ મૅચોમાં 47.14ની સરેરાશથી 330 રન બનાવ્યા હતા. તેમની સ્ટ્રાઇક રેટ 91.66ની હતી અને આ દરમિયાન તેમણે એક સદી અને બે અર્ધ સદી ફટકારી હતી.
 
શિખર ધવન
33 વર્ષીય બૅટ્સમેન ધવન ટીમમાં સાથીઓ વચ્ચે ગબ્બરના નામે લોકપ્રિય છે. 128 વન ડે મૅચનો અનુભવ ધરાવતા ધવન 16 સદી ફટકારી ચૂક્યા છે અને 44.62ની સરેરાશથી કુલ મળીને 5,355 રન બનાવી ચૂક્યા છે. ધવનનો ICC ટૂર્નામેન્ટમાં સારો રેકર્ડ રહ્યો છે. ધવને 2013માં ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં 5 મેચમાં એક સદી સાથે 363 રન બનાવ્યા હતા અને તેમની સરેરાશ હતી 90.75. ભારત આ ટૂર્નામેન્ટમાં વિજેતા રહ્યું હતું.
 
2015 વર્લ્ડ કપમાં ધવને 8 મૅચમાં 412 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી સામેલ છે. ઑસ્ટ્રેલિયા-ન્યુઝિલૅન્ડની મેજબાનીમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં ધવનની સરેરાશ 91.75ની હતી. ઇંગ્લૅન્ડમાં રમવામાં આવેલી 2017 ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ ધવને 5 મેચમાં 67.60ની સરેરાશથી 338 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને બે અર્ધ સદી સામેલ છે.
 
વિરાટ કોહલી (કપ્તાન)
ICCના બૅટ્સમેનની વન જે રૅન્કિંગમાં નંબર એક પર બૅટ્સમેન વિરાટ કોહલીને 227 વન ડે મૅચનો અનુભવ છે. 30 વર્ષના કોહલી વન ડે મૅચમાં 41 સદી અને 49 અર્ધ સદી ફટકારી ચૂક્યા છે અને તેમના નામે 10,843 રન છે. વિરાટ કોહલીનો આ ત્રીજો વર્લ્ડ કપ હશે. 2011ના વર્લ્ડ કપમાં કોહલીએ 9 મૅચમાં 282 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ છે.
 
2013ની ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કોહલીએ 5 મૅચમાં 176 રન બનાવ્યા હતા અને તેમની સરેરાશ હતી 58.66ની છે. 2015ના વર્લ્ડ કપમાં કોહલીએ 8 મૅચમાં 50.83ની સરેરાશથી 305 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ છે. 2017ની ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કોહલીએ 5 મૅચમાં 258 રન બનાવ્યા અને તેમની સરેરાશ હતી 129ની છે.
 
અંબાતી રાયડુ અથવા વિજય શંકર
ભારતીય થિંક ટેન્કે ચોથા નંબર મામલે માથાકૂટ કરવાની રહેશે. આ નંબર માટે અંબાતી રાયડુ અને વિજય શંકર વચ્ચે જોરદાર ટક્કર માનવામાં આવી રહી છે. આમ પણ આ નંબરને લઈને પ્રયોગ લાંબા સમયથી થતો આવ્યો છે. ટીમ મૅનેજમૅન્ટે આ પહેલાં આ સ્થાન પર કેએલ રાહુલ, ધોની, સુરેશ રૈના, કેદાર જાધવ અને મનીષ પાંડેને અજમાવ્યા હતા. પહેલા એશિયા કપ અને પછી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ અંબાતી રાયડુએ આ સ્થાન પર સારું પ્રદર્શન કરી પોતાનું સ્થાન લગભગ પાકું કરી લીધું છે.
 
ન્યુઝિલૅન્ડ વિરુદ્ધ પાંચમા વન ડેમાં 90 રનની તેમની સારી ઇનિંગથી પસંદગીકર્તા આ જગ્યાને લઈને ચિંતામુક્ત થવા જઈ રહ્યા હતા. ત્યાં જ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ વન ડે સિરીઝમાં રાયડુ પહેલા ત્રણ વન ડેમાં 13, 18 અને 2 રન જ બનાવી શક્યા અને પછી છેલ્લી બે વન ડે મૅચની બહાર થઈ ગયા. હૈદરાબાદના 33 વર્ષીય રાયડુને 55 વન ડે મૅચનો અનુભવ છે અને તેમની સરેરાશ 47ની રહી છે. એ વાત સાચી છે કે કદાચ રાયડુ ખૂબ સારા ફૉર્મમાં નથી પરંતુ ક્રિકેટમાં જ તો કહેવત છે- ફૉર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પરમેનેન્ટ.
 
રાયડુને ચોથા નંબર માટે ટક્કર આપી શકે છે વિજય શંકર.
જેમણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે સિરીઝમાં ચાર મૅચમાં 30ની સરેરાશ અને 112ની સ્ટ્રાઇકથી 120 રન બનાવીને કેપ્ટન કોહલી અને પસંદગીકર્તાઓને પ્રભાવિત કર્યા છે. આ સિવાય તેઓ સારી બૉલિંગ પણ કરી લે છે. એ ન ભૂલવું જોઈએ કે 2003ના વર્લ્ડ કપમાં વીવીએસ લક્ષ્મણની જગ્યાએ દિનેશ મોંગિયાને પણ કંઈક આવા જ કારણોસર ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બૅટ્સમેનની સાથે બૉલરની પણ સારી ભૂમિકા નિભાવી હતી. યુવરાજે આખી ટૂર્નામેન્ટમાં 15 વિકેટ ઝડપી હતી.
 
મહેન્દ્ર સિંહ ધોની
37 વર્ષના ધોની એકમાત્ર એવા કેપ્ટન રહ્યા છે જેમણે પોતાના નેતૃત્વમાં ICCની ત્રણ ટૂર્નામેન્ટમાં ભારતને જીત આપાવી છે. 341 વન ડે મૅચનો અનુભવ ધરાવતા વિકેટકીપર બૅટ્સમેન ધોની 50.72ની સરેરાશથી 10,500 રન બનાવી ચૂક્યા છે. તેમના નામે 10 સદી અને 71 અર્ધસદી નોંધાયેલી છે. ધોનીની આ ચોથી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હશે. વેસ્ટ ઇન્ડીઝમાં 2006-07માં રમવામાં આવેલી પોતાની પહેલી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ધોનીને ખાસ તક મળી ન હતી. ધોનીએ ત્રણ મૅચમાં માત્ર 29 રન જ બનાવ્યા હતા.
જોકે, ચાર વર્ષ બાદ 2011માં તેમણે પોતાની કપ્તાનીમાં ટીમને વિશ્વ ચૅમ્પિયન બનાવી હતી. ધોનીએ ટૂર્નામેન્ટમાં 9 મેચમાં 48.20ની સરેરાશથી 241 રન બનાવ્યા હતા.
2015ના વર્લ્ડ કપમાં પણ ધોનીનું બૅટ ખૂબ ચાલ્યું હતું. ધોનીએ 8 મૅચમાં 59.25ની સરેરાશથી 237 રન બનાવ્યા હતા, જેમાં બે અર્ધ સદી સામેલ છે.
 
કેદાર જાધવ કે દિનેશ કાર્તિક?
 
કેદાર જાધવની ભૂમિકા ટીમમાં ઑલ રાઉન્ડરની છે. 34 વર્ષના જાધવને 59 વન ડે મૅચનો અનુભવ છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલ જ સંપન્ન થયેલી સિરીઝમાં જાધવે 81, 11, 26, 10 અને 44 રન બનાવ્યા. જાધવે વન ડેમાં 27 વિકેટ પણ ઝડપી હતી. દિનેશ કાર્તિક ટીમમાં જગ્યા મેળવી શકશે કે નહીં તે તો હાલ કહી શકાતું નથી. જોકે, તેઓ એવા બૅટ્સમેન છે કે જેઓ વિકેટકીપર હોવાની સાથે સાથે નંબર એકથી માંડીને છેલ્લે સુધી કોઈ પણ ક્રમ પર બૅટિંગ કરવાનો દમ ધરાવે છે.
 
શ્રીલંકામાં યોજાયેલી નિદહાસ ટ્રૉફીમાં કાર્તિકે દેખાડ્યું હતું કે તેઓ ન માત્ર ઝડપથી સ્ટ્રાઇક બદલાવામાં માહેર છે, પણ કેટલીક મૅચ તો તેમણે પોતાના દમ પર જીતાડી છે.
33 વર્ષના કાર્તિકને 91 વન ડે મૅચનો અનુભવ છે. તેમણે 31ની સરેરાશથી 1738 રન બનાવ્યા છે, જેમાં 9 અર્ધ સદી સામેલ છે. રિઝર્વ વિકેટકીપરના રૂપમાં ટીમમાં સામેલ થવાની તેમની દાવેદારીમાં ઘણું વજન છે.
 
હાર્દિક પંડ્યા કે રવીન્દ્ર જાડેજા
 
2018માં એશિયા કપ પહેલા સુધી હાર્દિક પંડ્યાનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો હતો અને ક્રિકેટ વિશ્લેષકો તો તેમને 'બીજા કપિલ દેવ' પણ ગણાવવા લાગ્યા હતા. જોકે, ઇજાના કારણે તેમને ટીમની બહાર જવું પડ્યું. તેમની ગેરહાજરીમાં રવીન્દ્ર જાડેજાને તક મળી. થોડા મહિના બાદ હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફર્યા પરંતુ ફરી એક વખત તેમણે ટીમની બહાર બેસવું પડ્યું. આ વખતે ટીમની બહાર થવાનું કારણ ઇજા ન હતી પરંતુ એક ટીવી પ્રોગ્રામમાં આપેલું તેમનું નિવેદન હતું. પોતાની બૅટિંગ અને બૉલિંગથી હાર્દિક ઘણી વખત ખુદને સાબિત કરી ચૂક્યા છે.
 
હાર્દિકને 45 વન ડે મૅચનો અનુભવ છે અને તેઓ 29થી વધારે સરેરાશથી 731 રન બનાવી ચૂક્યા છે. આ સિવાય તેમના નામે 44 વન ડે વિકેટ પણ નોંધાયેલી છે. ન્યુઝિલૅન્ડ વિરુદ્ધ છેલ્લી બે મૅચમાં હાર્દિકે 16 અને 45 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાને અંતિમ એકાદશ માટે ઑલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા સામે ટક્કર મળી શકે છે. 151 વન ડે મૅચનો અનુભવ ધરાવતા 30 વર્ષના જાડેજાએ 2035 રન બનાવ્યા છે અને તેમની સરેરાશ 29.92ની છે.
 
સ્પિન બૉલર જાડેજા 174 વિકેટ ઝડપી ચૂક્યા છે. જાડેજાને જો આ વખતે તક મળે તો આ તેમનો બીજો વર્લ્ડ કપ હશે. વર્ષ 2015માં રમાયેલા વર્લ્ડ કપમાં 8 મૅચમાં તેમણે 57 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે ટૂર્નામેન્ટમાં 9 વિકેટ પણ ઝડપી હતી.
 
ભુવનેશ્વર કુમાર
 
ઇંગ્લૅન્ડની વિકેટો પર ભુવનેશ્વર કુમારની સ્વિંગ બૉલિંગ ખૂબ જ ઉપયોગી અને મારક સાબિત થઈ શકે છે. ભુવનેશ્વરનો દાવો ત્રણ સ્પીડ બૉલરના ક્વોટામાં મહત્ત્વનો માનવામાં આવે છે. 29 વર્ષના ભુવનેશ્વરને 105 વન ડે મૅચનો અનુભવ છે. તેમણે 118 વિકેટ ઝડપી છે. ભુવનેશ્વર એ બૉલર્સમાં સામેલ છે, જેમના પર નીચલા ક્રમમાં બેટિંગ પર થોડો ભરોસો કરી શકાય છે.
 
કુલદીપ યાદવ
 
છેલ્લા કેટલાક મહિનામાં કુલદીપ યાદવે પોતાની બૉલિંગની વિવિધતાથી વિપક્ષી બૅટ્સમેનની ખૂબ પરીક્ષા લીધી છે. કુલદીપને 44 વન ડે મૅચનો અનુભવ છે અને તેઓ પોતાના ખાતામાં 87 વિકેટ જમા કરી ચૂક્યા છે. 2018માં દક્ષિણ આફ્રિકામાં વન ડે સિરીઝમાં તેમણે 17 વિકેટ ઝડપી પોતાની ધાક જમાવી હતી. ઇંગ્લૅન્ડમાં પણ તેમણે ત્રણ મૅચમાં 9 વિકેટ ઝડપી હતી. 2018માં એશિયા કપમાં કુલદીપે 10 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતની મેજબાનીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વન ડે સિરીઝમાં પણ તેમણે એટલી જ વિકેટ ઝડપી હતી.
 
યુજવેન્દ્ર ચહલ
 
કુલદીપની સાથે યુજવેન્દ્રની જોડી 'કુલચા' ના નામે પ્રખ્યાત છે. 23 વર્ષીય ચહલને લેગબ્રેક ગુગલીમાં મહારત પ્રાપ્ત છે. તેમની પાસે કુલ 41 વન ડે મૅચનો અનુભવ છે અને તેમણે 72 વિકેટ પણ ઝડપી છે. દક્ષિણ આફ્રિકામાં ચહલે 6 મૅચમાં 16 વિકેટ ઝડપી હતી. ન્યૂઝિલૅન્ડ સિરીઝમાં પણ ચહલે 5 મૅચમાં 9 વિકેટ ઝડપી હતી.
 
જસપ્રીત બુમરાહ
 
કેપ્ટન કોહલી પોતાના બૉલર્સમાં જો કોઈ પર વધારે ભરોસો કરી શકે છે તો તે નામ છે જસપ્રીત બુમરાહ. છેલ્લી કેટલીક મૅચમાં બુમરાહે છેલ્લી ઓવરોમાં કેપ્ટનના ભરોસાને જાળવીને રાખ્યો છે. તેઓ પોતાની બૉલિંગની વિવિધતાથી ન માત્ર બેટ્સમેનને બાંધવાની ક્ષમતા ધરાવે છે પણ વિકેટ ઉખાડવાનો દમ પણ ધરાવે છે. જોકે, ક્રિકેટ વિશેષજ્ઞ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક IPLનો થાક જસપ્રીત જેવા બૉલર પર અસર કરે અને તેઓ વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શકે. 25 વર્ષના બુમરાહને 49 વન ડે મૅચનો અનુભવ છે અને તેમના ખાતામાં 85 વિકેટ છે.
 
મોહમ્મદ શમી
 
ડાબા હાથથી સ્પીડ બૉલિંગ કરતા મોહમ્મદ શમીને ત્રીજા સ્પીડ બૉલરના રૂપમાં ટીમમાં સ્થાન મળી શકે છે. 28 વર્ષના શમીને 63 વન ડે મૅચનો અનુભવ છે. શમી વન ડે ઇન્ટરનેશનલ કરિયરમાં 113 વિકેટ ઝડપી ચૂક્યા છે અને છ મૅચમાં ચાર-ચાર વિકટે લઈ ચૂક્યા છે. શમીની પસંદગી થઈ તો આ તેમનો બીજો વર્લ્ડ કપ હશે. 2015ના વર્લ્ડ કપમાં શમીએ 7 મૅચમાં 17 વિકેટ ઝડપી હતી. આ સિવાય પસંદગીકર્તા જે કેટલાંક નામ પર ચર્ચા કરી શકે છે, તેમાં પ્રમુખ છે દિલ્હીના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન અને સુરેશ રૈના.