શુક્રવાર, 24 માર્ચ 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અર્નવ વસાવડા|
Last Updated: શનિવાર, 18 માર્ચ 2023 (09:53 IST)

#IndvsAus : કે એલ રાહુલ અને જાડેજા વચ્ચેની એ ભાગીદારી જેણે મૅચનું પાસું પલટી નાખ્યું

KL rahul
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી પ્રથમ વનડે મૅચમાં ભારતીય ટીમે પાંચ વિકેટે જીત નોંધાવી હતી
આ જીત સાથે જ ભારતીય ટીમ ત્રણ મૅચોની સિરીઝમાં 1-0થી આગળ છે ઓછા સ્કોરવાળી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાના 188 રનના જવાબમાંં ભારતે 191 રન બનાવ્યા હતા ભારત તરફથી કે એલ રાહુલે બાજી સંભાળી હતી અને જરૂરિયાતના સમયે 75 રનની ઇનિંગ રમી ટીમને જીત સુધી લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ પણ અણનમ 45 રનોની જવાબદારીભરેલી ઇનિંગ રમી હતી


 
ભારતીય બૉલરોના પ્રદર્શનની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ મોહમ્મદ શમી અને સિરાજની જોડીને સહકાર આપતાં 46 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, તેમના ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરાયા હતા.  ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડેમાં કે. એલ. રાહુલ અને જાડેજા વચ્ચેની પાર્ટનરશિપ ટીમને જીત સુધી દોરી ગઈ હતી
 
શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે યોજાયેલી પ્રથમ વનડે મૅચમાં પાંચ વિકેટે જીત હાંસલ કરીને ત્રણ મૅચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
 
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) રૅન્કિંગમાં બીજા નંબરે રહેલ ઑસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરવા ઊતરી હતી.
 
પરંતુ 35.4 ઓવરમાં ટીમ 188ના સ્કોરે ઑલ આઉટ થઈ ગઈ હતી.
 
ભારતની બૉલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની જોડીએ ઑસ્ટ્રેલિયાના બેટિંગ ઑર્ડરને સેટ થવાની તક જ આપી ન હતી.  બંને ફાસ્ટ બૉલરોને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
 
પરંતુ શાનદાર બૉલિંગની સાથોસાથ આ મુશ્કેલ પિચ પર 189 રનનો ટાર્ગેટ પાર પાડવા પણ જોરદાર બેટિંગ પ્રદર્શનની દરકાર હતી. આ જરૂરિયાત પૂર્ણ કરી કે એલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની જોડીએ.
 
બંને ભારતીય બૅટરો શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં મુશ્કેલીભર્યા સમયે 108 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી ગયા.
 
ટૉસ જીતીને બૉલિંગ કરવાનો પંડ્યાનો નિર્ણય સાચો ઠર્યો
 
ભારતીય કપ્તાન હાર્દિક પંડ્યાએ આ જીતમાં 25 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું હતું
 
વાનખેડે ખાતે રમાયેલ પહેલી વનડેમાં ભારતીય ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો જે અંતે ટીમના પક્ષમાં પણ રહ્યો.
 
ટૉસ ગુમાવીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમને પહેલો ફટકો મોહમ્મદ સિરાજે પોતાની ધારદાર બૉલિંગના બળે આપ્યો.
 
ઑસ્ટ્રેલિયાએ મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરના અંતિમ બૉલે ઓપનર ટ્રેવિસ હેડ સ્વરૂપે માત્ર પાંચ રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી.
 
પરંતુ ત્યાર બાદ ઓપનર મિચેલ માર્શ અને કૅપ્ટન સ્મિથે ઑસ્ટ્રેલિયન ટીમને એક મજબૂત અને આક્રમક શરૂઆત આપી.
 
ઑગણીસમાં ઓવરમાં 13 રન ફટકારી 20મી ઑવર પૂરી થાય ત્યાં સુધીમાં ઑસ્ટ્રેલિયા 2 વિકેટે 124 રન ફટકારી ચૂક્યું હતું. જેમાં માર્શ 65 બૉલમાં આક્રમક 81 રન કરી ક્રીઝ પર હાજર હતા.
 
એ સમયે માર્શ આક્રમકપણે રમી રહ્યા હતા, તેઓ માત્ર 65 બૉલમાં 81 રન ફટકારી ચૂક્યા હતા.
 
ભારતને મૅચ પર પકડ મજબૂત કરવા અને ઑસ્ટ્રેલિયાને નિયંત્રણમાં રાખવા માટે માર્શની વિકેટની જરૂરિયાત હતી.
 
ટીમ ઇન્ડિયા માટે હંમેશાં ‘સંકટ સમયની સાંકળ’ સાબિત થતાં રવીન્દ્ર જાડેજાએ મિચેલ માર્શ સ્વરૂપે ક્રીઝ પર હાજર રહેલા ભારતીય ટીમ માટેના સંકટને આઉટ કર્યા.
 
ઑસ્ટ્રેલિયાને મોટા સ્કોર તરફ લઈ જવા માટે મક્કમ દેખાઈ રહેલા મિચેલ માર્શને 81 રનના વ્યક્તિગત સ્કોરે જાડેજાએ ચકમો આપી પેવેલિયન મોકલી આપતાં મૅચ પર ભારતની મજબૂત પકડ થવાની પ્રક્રિયાનો પાયો નખાયો.
 
શમીની ધારદાર અસરદાર બૉલિંગ
 
મોહમ્મદ શમીએ સળંગ ત્રણ ઓવરમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ખેરવી બેટિંગ ઍટેક ધ્વસ્ત કરી દીધો હતો
 
રવીન્દ્ર જાડેજાએ માર્શને આઉટ કરી ઑસ્ટ્રેલિયા પર લગામ તો લગાવી પરંતુ ત્યાર બાદ મોહમ્મદ શમીએ ઇનિંગની 28મી, 30મી અને 32મી ઓવરમાં ભારતને ઉપરાછાપરી ત્રણ સફળતા અપાવી મૅચ પર ભારતનો દબદબો બનાવી દીધો.
 
મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શનની વાત કરીએ તો તેમણે મૅચમાં માત્ર છ ઓવર નાખી જેમાંથી 2 મેડન રહી અને બાકીની ચાર ઓવરમાં માત્ર 17 રન આપી ત્રણ વિકેટ ઝડપવામાં આ અનુભવી બૉલરને સફળતા મળી.
 
તેમની ધારદાર બૉલિંગને કારણે ઑસ્ટ્રેલિયન ટીમને 200ની અંદર સમેટવા ભારતીય ટીમને સફળતા મળી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
 
કે એલ રાહુલ અને જાડેજાની નિર્ણાયક ભાગીદારી
 
કે એલ રાહુલે ઑસ્ટ્રેલિયાની ધારદાર બૉલિંગ સામે વિકેટ ટકાવી રાખી ટીમને જીત સુધી લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી
 
બૉલરોના શાનદાર પ્રદર્શનના દમે ઑસ્ટ્રેલિયન ટીમને 200નો આંકડો પાર ન કરવા દીધાના આત્મવિશ્વાસ સાથે 189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની પણ શરૂઆત ખૂબ સારી રહી ન હતી.
 
ફરી એક વખત ભારતીય ટૉપ ઑર્ડરના નિષ્ફળ થવાની સમસ્યા સામે આવી હતી.
 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટચાહકોને આંજી દેનાર ભારતીય બૅટ્સમૅનો ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થવાને કારણે ભારતીય ટીમ શરૂઆતથી જ મુશ્કેલીમાં લાગી રહી હતી.
 
ઓછા સ્કોરવાળી મૅચમાં પણ ભારતીય ટીમ નિરાશાજનક પ્રદર્શન કરીને હારશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ કે એલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ત્રિપુટી હારના મુખમાંથી ટીમ ઇન્ડિયાને પાછી લઈ આવી.
 
તેમાં પણ અગાઉ ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી પડતા મુકાયેલા કે એલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની શતકીય પાર્ટનરશિપે જાણે મૅચનું પાસું જ પલટી નાખ્યું.

 
ભારતીય ટીમે પાંચ વિકેટો 83 રનના નજીવા સ્કોરે ગુમાવી દીધી હતી.
 
રવીન્દ્ર જાડેજાને તેમના ઑલરાઉન્ડ પ્રદર્શન બદલ મૅન ઑફ ધ મૅચનો ખિતાબ મળ્યો હતો
 
રવીન્દ્ર જાડેજાને તેમના ઑલરાઉન્ડ પ્રદર્શન બદલ મૅન ઑફ ધ મૅચનો ખિતાબ મળ્યો હતો
 
પરંતુ કે એલ રાહુલે ધીરજ ન ગુમાવી અને ભારતન જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
 
પાછલા ઘણા સમયથી પોતાના ફૉર્મ પાછો મેળવવા ઝઝૂમી રહેલા રાહુલે 91 બૉલમાં 75 રનની શાનદાર મૅચવિનર ઇનિંગ રમી અને ભારતની જીત માટે સારથિનું કામ કર્યું.
 
કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પણ તેમનો સાથ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ 25 રનના વ્યક્તિગત સ્કોર પર માર્કસ સ્ટોઇનિસના બૉલનો શિકાર થઈ ગયા.


ત્યાર બાદ 20મી ઓવરમાં ક્રીઝ પર ઊતરેલા જાડેજા અને કે. એલ. રાહુલ પર જીતનો મદાર હતો.
 
જાડેજાએ કે એલ રાહુલનો આ કપરી પરિસ્થિતિમાં સાથ આપ્યો.
 
જાડેજાએ 69 બૉલમાં અણનમ રહીને 45 રન નોંધાવ્યા.
 
બંને ખેલાડીઓની 108 રનની મક્કમ ભાગીદારીના બળે અને ભારતના હાથમાંથી લગભગ સરકી ચૂકેલી મૅચમાં ટીમને જીત હાંસલ થઈ. અને આ સાથે જ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવવામાં પણ ભારત સફળ રહ્યું.
 
જોકે, આ વખત કે એલ રાહુલ અને જાડેજાની બેટિંગના કારણે જીત સુનિશ્ચિત કરનાર ભારતીય ટીમ મૅનેજમૅન્ટ ફરી એક વાર ટૉપ ઑર્ડર નિષ્ફળ જવાની સમસ્યાનું શું સમાધાન લાવશે એ જોવું રહ્યું.
 
જો આ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમના પ્રદર્શનની વાત કરીએ તો મિચેલ માર્શ પોતાની આક્રમક ઇનિંગથી ઑસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપમાં અલગ તરી આવ્યા હતા. સાથે જ મિચેલ સ્ટાર્કે પણ 49 રન આપીને ભારતીય ટીમની ત્રણ વિકેટો ખેરવવામાં સફળતા મળી હતી. પરંતુ આ બંને ખેલાડીઓનાં શાનદાર પ્રદર્શન પણ ટીમને જીત અપાવવા માટે અપૂરતાં સાબિત થયાં હતાં.