મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (09:41 IST)

આ ગુજરાતી બૉલર વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતીય ટીમના હીરો બન્યા

બીજી ટેસ્ટ મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 258 રનના મોટા અંતરથી હરાવીને બે ટેસ્ટ મૅચની સિરીઝ 2-0થી પોતાને નામ કરી લીધી છે. આ મૅચના હીરો બન્યા છે, ગુજરાતી બૉલર જસપ્રિત બુમરાહ.
 
આ જીતની સાથે જ ભારત વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશીપના સ્કોરબૉર્ડમાં ટોચ પર પહોંચી ગયું છે. મૅચની પ્રથમ ઇનિંગમાં જ લગભગ સ્થિતિ સ્પષ્ઠ થઈ હતી, પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 117 રન જ કરી શકી હતી. જસપ્રિત બુમરાહે આ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝના 6 બૅટ્સમૅનોની વિકેટ ઝડપી હતી, જેમાં બુમરાહની યાદગાર હેટ્રિક પણ સામેલ છે.
468 રનના મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઘણી મહેનત કરી પરંતુ આખી ટીમ બીજી ઇનિંગમાં 210 રન કરીને જ આઉટ થઈ ગઈ. જોકે, પહેલી ઇનિંગની સરખામણીએ બીજી ઇનિંગમાં ટીમે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ માટે શમરાહ બ્રુક્સે અર્ધસદી ફટકારી હતી. આ સિવાય કૅપ્ટન જેસન હોલ્ડરે 39 અને જરમાઇન બ્લેકવુડે 38 રન બનાવ્યા હતા. ભારતીય બૉલર્સ તરફથી બીજી ઇનિંગમાં મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ પોતાને નામ કરી હતી. અન્ય એક ભારતીય ખેલાડી જેના પર સૌની નજર રહી એ છે હનુમા વિહારી, તેઓ એક સદી અને એક અર્ધસદી ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યા.
 
બુમરાહની યાદગાર હેટ્રિક
 
પ્રથમ ઇનિંગે વેસ્ટ ઇન્ડીઝની જીતને મુશ્કેલ બનાવી દીધી હતી. પહેલી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના ટોચના 5 બૅટ્સમૅનો જસપ્રિત બુમરાહનો શિકાર બન્યા હતા. જેમાં સળંગ 3 બૅટ્સમૅનોને આઉટ કરીને હેટ્રિક વિકેટ લીધી હતી. બુમરાહના સ્વિંગ અને યૉર્કર બૉલોએ વેસ્ટ ઇન્ડીઝની બેટિંગની હાલત દયનીય કરી દીધી હતી. બુમરાહે સૌ પ્રથમ ઓપનિંગ બૅટ્સમૅન જૉન કૅમ્પબેલને 2 રન પર આઉટ કરી દીધા. એમનો કૅચ ઋષભ પંતે ઝડપ્યો હતો. એ વખતે વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ફક્ત 9 રન હતો. આના પછી બુમરાહે એમની ચોથી અને ઇનિંગની નવમી ઓવરમાં ડેરેને બ્રાવોને આઉટ કરી દીધા. એમનો કૅચ લોકેશ રાહુલે ઝડપ્યો. ડેરેન બ્રાવો ફક્ત 4 રન કરી શક્યા. આના પછીના જ બૉલે બુમરાહે શમાર્હ બ્રક્સને એલબીડબલ્યૂ આઉટ કરી દીધા.
આના પછીનો બુમરાહનો બૉલ સીધો રોસ્ટન ચેજના પૅડને વાગ્યો અને અમ્પાયરે આંગળી ઊંચી કરતાં જ ઇતિહાસ રચાયો. આ સાથે કૅપ્ટન વિરાટ કોહલી બુમરાહને ભેટી પડ્યા અને ટીમે એમને વધામણી આપી. આ સમયે બુમરાહનું બૉલિંગ વિશ્લેષણ હતું 6 ઓવરમાં 1 મેડન અને 10 રનમાં 5 વિકેટ.
 
આ પછી એમણે કૅપ્ટન જેસન હોલ્ડરને પણ આઉટ કર્યા. શિમરોન હેટમારની વિકેટ મોહમ્મદ શમીએ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ બુમરાહે બ્લેકવુડની વિકેટ ઝડપી હતી. આ અગાઉ એટિંગામાં રમાયેલી મૅચના પ્રથમ દાવમાં બુમરાહે 55 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જોકે, બીજી ઇનિંગમાં તેઓ ઘાતક સાબિત થયા. એ ટેસ્ટની બીજી ઇનિંગમાં એમણે ફક્ત 7 રનમાં 5 વિકેટ ઝડપી.
 
પ્લેયર ઑફ ધ મૅચ હનુમા વિહારી
 
આ મૅચમાં હનુમા વિહારીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું, તેઓ પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ પણ જીત્યા. આ મૅચમાં હનુમા વિહારીએ પોતાની ઇન્ટરનેશનલ ટેસ્ટ કૅરિયરની પ્રથમ સદી ફટકારી હતી. પહેલી ઇનિંગમાં તેમણે 111 રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં તેમણે 53 રન કર્યા હતા.
 
આ મૅચમાં ઝડપી બૉલર ઇશાંત શર્માએ શાનદાર બેટિંગ કરતા 57 રન કર્યા. આ ઇશાંત શર્માની પહેલી અર્ધસદી હતી. આ સિદ્ધિ ઇશાંતે 92 ટેસ્ટ મૅચ પછી નોંધાવી છે. અગાઉ તેમનો સર્વોચ્ચ સ્કોર 31 રનનો હતો.