CM રૂપાણી : મારા પહેલાં ગુજરાત સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો

rupani
અર્જુન પરમાર| Last Modified શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (11:07 IST)

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી ખાતાંમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેવાયેલાં પગલાં અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. જેમાં તેમણે તેમના કાર્યકાળ પહેલાં ગુજરાત સરકારનાં જુદાં-જુદાં ખાતાંમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે આ વ્યાપક ભ્રષ્ટાચારને નાથવા માટે પોતાની સરકારમાં લેવાયેલાં પગલાં વિશે વાત કરી હતી.
રુપાણીએ પોતાની સરકારે મહેસૂલ વિભાગ અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી લાલિયાવાડી સામે લીધેલાં પગલાં ગણાવ્યાં હતાં. પરંતુ પોતાની સરકારનાં કામોનાં વખાણ કરતાં-કરતાં અજાણતાં જ તેઓ અગાઉની ભાજપ સરકારના મુખ્ય મંત્રીઓની ટીકા કરી હતી.રુપાણી પહેલાં લગભગ સવા બે વર્ષ સુધી આનંદીબહેન પટેલ અને એ પહેલાં લગભગ 13 વર્ષ સુધી વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહી ચૂક્યા છે.
શું બોલ્યા મુખ્ય મંત્રી રૂપાણી?


મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી ખાતાંમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે પગલાં ભરવા માટે ઍન્ટિ-કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા કરાયેલી કાર્યવાહી વિશે વાત કરતા કહ્યું હતું :
"ગુજરાત સરકાર દ્વારા ACBની કાર્યક્ષમતા વધારવા માટે વિભાગને મજબૂત બનાવવાનું કાર્ય કરાયું છે."

"CBIની જેમ રાજ્યના ACBમાં પણ કાયદાના નિષ્ણાત સલાહકારોની ટીમ નીમવામાં આવી છે."

"સાથે જ ACBના દરોડાની સંખ્યા અને વ્યાપમાં પણ વધારો કરાયો છે."

આ સિવાય તેમણે અગાઉ મહેસૂલ વિભાગમાં નાગરિકોને જે પ્રકારે ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હતું તે અંગે વાત કરી.
મહેસૂલ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને તેને નાથવાના તેમની સરકારના પ્રયત્નો વિશે વાત કરતાં તેમણે કહ્યું :

"પહેલાં મહેસૂલ વિભાગમાં જમીન બિનખેતી (NA) કરાવવા માટે ખુલ્લો ભ્રષ્ટાચાર હોવાની વાત તેમણે સ્વીકારી હતી."

તેમણે મહેસૂલ વિભાગમાં પહેલાંના સમયમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે વાત કરતા કહ્યું હતું કે,

"પહેલાં જમીન NA કરાવવા માટે વારદીઠ ભાવ ચાલતા હતા. ત્યારે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની શું પરિસ્થિતિ હતી, તે આપણે બધા જ જાણીએ છીએ."
આ પરિસ્થિતિ સુધારવા માટે સરકારે લીધેલા નિર્ણય અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે :

"હવે જમીનને લગતાં તમામ કામો કરવાની સત્તા જિલ્લા પંચાયત પાસેથી ખેંચી લઈ, કલેક્ટરને આપી દેવાઈ છે."

"તેથી ટેકનૉલૉજીની મદદ વડે હવે જમીનને લગતાં તમામ કાર્યો ઑનલાઇન કલેક્ટર કચેરી મારફતે થઈ જાય છે."

આનંદીબહેન પટેલ ગુજરાતનાં મુખ્ય મંત્રી બન્યાં તે પહેલાં તત્કાલીન મોદી સરકારમાં મહેસૂલ મંત્રી હતાં.

આ વિભાગોમાં પણ હતો ભ્રષ્ટાચાર

તેમજ નકશા પાસ કરાવવા માટે શહેરો અને ગામડાંમાં સરકારી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરતાં તેઓ કહે છે કે,

"પહેલાં નકશા પાસ કરાવવાના કામમાં માણસ થાકી જતા અને વચેટિયાના કારણે અરજદારે વધારે ખર્ચ ભોગવવો પડતો હતો."

નકશા પાસ કરવવા માટે કરાયેલી નવી વ્યવસ્થા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે,
"ગુજરાત સરકાર દ્વારા લૉ-રાઇઝ બિલ્ડિંગોના નકશા પાસ કરાવવા માટેની પ્રક્રિયા ઑનલાઇન બનાવી દેવાઈ છે. જેથી હવે અરજદારને અધિકારીના સીધા સંપર્કમાં આવવાની જરૂર નહીં પડે."

નવેમ્બર-2019માં ગુજરાત સરકારે તમામ 16 આર.ટી.ઓ. (રોડ ટ્રાન્સપૉર્ટ ઓફિસ) ચેકપોસ્ટને બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ વિશે વાત કરતાં કહ્યું હતું, "પહેલાં ચેક-પોસ્ટો પર ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. અમારી સરકારે ચેક-પોસ્ટ જ નાબૂદ કરી દીધી."
"તેનાથી સરકારની આવક વધી અને ભ્રષ્ટાચારીઓની આવકમાં ઘટાડો થયો છે."

આગળ તેમણે ગુજરાતની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી બાબતે થઈ રહેલી બેદરકારી અંગે વાત કરી હતી, આ વિશે તેમણે કહ્યું હતું કે,

"પહેલાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી નોંધવામાં લોલમલોલ ચાલતી હતી."

"હવે હાજરીની નોંધણી માટેની ઑનલાઇન વ્યવસ્થા કરવાના કારણે હાજરીમાં વ્યાપક વધારો થયો છે."
માર્ચ-1995માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની હતી. લગભગ દોઢેક વર્ષનો સમયગાળો બાદ કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપની જ સરકાર રહી છે.


'ભાજપના જ CM ભ્રષ્ટ'


મુખ્ય મંત્રી વિજય રૂપાણીના આ નિવેદનને પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર 'હાસ્યાસ્પદ' ગણાવે છે.

તેઓ કહે છે કે "ઘણાં વર્ષોથી રાજ્યમાં ભાજપનું શાસન છે, જ્યારે મુખ્ય મંત્રી ઑનલાઇન પ્રક્રિયા મારફતે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો હોવાનો શ્રેય લઈ રહ્યા છે, ત્યારે તેમણે અજાણતાં ભાજપના પુરોગામી મુખ્ય મંત્રીઓના કાર્યકાળમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો, એવું ચિત્ર રજૂ કર્યું છે."
"તેમણે પોતાના આ વીડિયોમાં પહેલાં, અગાઉ એવા શબ્દો વારંવાર વાપર્યા, આ કારણે તેમને લાગી રહ્યું હતું કે તેઓ પોતાની સરકારનાં વખાણ કરી રહ્યાં છે."

"પરંતુ આ વીડિયો જોનારને તો એવું જ લાગે કે તેઓ પોતાના શાસનકાળ પહેલાં મુખ્ય મંત્રી રહેલા તેમના જ નેતાઓનાં કામોને વખોડી રહ્યા છે."

"કારણ કે જે માધ્યમો અને સાધનો થકી તેમણે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો, તે વ્યવસ્થા ખૂબ જ ઓછા સમય પહેલાં શરૂ થઈ હતી."
"તો આ ભ્રષ્ટાચાર માટે કૉંગ્રેસને જવાબદાર તો કેવી રીતે ગણાવી શકાય, કારણ કે કૉંગ્રેસ તો પાછલા ઘણા સમયથી રાજ્યમાં સત્તાથી દૂર રહી છે."

"આમ તેમણે જાણતાં-અજાણતાં પોતાના જ નેતાના કાર્યકાળને ભ્રષ્ટાચારથી ખરડાયેલા ગણાવી દીધા."


'ભાજપનો આંતરિક વિખવાદ'


કૉંગ્રેસે વીડિયો મારફતે કરાયેલા મુખ્ય મંત્રી રૂપાણીના દાવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ તેમના દાવાની ટીકા કરી હતી.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે કહ્યું હતું કે,

"રાજ્યમાં આટલાં વર્ષથી શાસન કરી રહેલા ભ્રષ્ટાચારીઓ જ ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે."

મનીષ દોશી દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યા છે અને દબાણ અનુભવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું , "એક તરફ મુખ્ય મંત્રી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેવાયેલાં પગલાંની વાત કરી રહ્યા છે."
"જ્યારે બીજી બાજુ ભ્રષ્ટાચારના કેસો કરવા માટે અધિકારીઓને સરકારની પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું છે."

મનીષ દોશીએ આ વીડિયોને ગુજરાત ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈનું પરિણામ ગણાવ્યું છે.


રૂપાણી પહેલાં કોઈ મુખ્ય મંત્રીના શાસનમાં કામ નથી થયું?

વીડિયોની શરૂઆતમાં CM રૂપાણી કહે છે કે, "વડા પ્રધાન મોદીના 'ખાતો નથી ને ખાવા દેતો નથી'ના મંત્રને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે."
પરંતુ તેમના વીડિયોમાં તેમણે ઘણી જગ્યાએ સરકારી ખાતાંમાં અગાઉ કેટલો ભ્રષ્ટાચાર હતો તે વિશે વાત કરી છે.

તેમણે જાણે-અજાણે આ વીડિયોમાં અગાઉના મુખ્ય મંત્રીઓના શાસનકાળમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની વાત કબૂલી હતી.

અહીં નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં 1998થી ભાજપનું શાસન રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરી હતી.
તેમણે આ વીડિયોમાં વારંવાર અગાઉ, પહેલાં જેવા શબ્દો વાપર્યા હતા.

ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે રાજ્યમાં લગભગ 22 વર્ષથી સળંગ ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી કોના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોરવા માગતા હતા?

શું તેમણે ખરેખર આ નિવેદન ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈને કારણે આપ્યું છે?

આ પ્રશ્નો અંગે સ્પષ્ટતા થાય કે ન થાય, પરંતુ અત્યારે તો આ વીડિયો પરથી એવું જ લાગી રહ્યું છે કે તેમના નિશાન પર ભાજપના અગાઉના મુખ્ય મંત્રીઓ જ હતા.

આ પણ વાંચો :