મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (18:18 IST)

ચૂંટણી પરિણામ : મહારાષ્ટ્ર હરિયાણામાં ભાજપ ફરી સત્તા મેળવશે કે કૉંગ્રેસ મારશે બાજી?

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીનું ગુરુવારે પરિણામ આવશે.

આ બંને રાજ્યોમાં મહદંશે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. હવે જોવાનું એ રહેશે કે આ બંને રાજ્યોમાં કયો પક્ષ બાજી મારે.

મહારાષ્ટ્રમાં 60.83 ટકા અને હરિયાણામાં 68.47 ટકા મતદાન થયું હતું.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો પર અને હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મહારાષ્ટ્રમાં કુલ 8,95,62,706 મતદારો હતા. હરિયાણામાં 1,82,98,714 મતદારો હતા.

મહારાષ્ટ્રમાં કુલ 96 હજાર 661 કેન્દ્રો પર મતદાન થયું હતું. હરિયાણામાં 19,578 કેન્દ્રો પર મતદાન થયું હતું.
 

ઍક્ઝિટ પોલમાં બરાબરીનો જંગ


ચૂંટણી બાદ આવેલા ઍક્ઝિટ પોલમાં હરિયાણામાં કટોકટીનો જંગ દેખાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

જ્યારે હરિયાણામાં કેટલાક ઍક્ઝિટ પોલે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી થશે એવું અનુમાન કર્યું છે.

ઇન્ડિયા ટુડે-ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 38 અને કૉંગ્રેસ અને સાથી પક્ષોને 36 બેઠકો આપવામાં આવી છે, જ્યારે અન્યને 16 બેઠકો આપવામાં આવી છે.

ટીવીનાઇન ભારતવર્ષના ઍક્ઝિટ પોલમાં ભાજપને 47, કૉંગ્રેસ તથા સાથી પક્ષોને 23 થતા અન્યને 20 બેઠકો આપવામાં આવી છે.

જોકે, ટાઇમ્સ નાઉના હરિયાણાના ઍક્ઝિટ પોલમાં ભાજપને 71, કૉંગ્રેસ અને સાથી પક્ષોને 11 તથા અન્યને 8 બેઠકો આપવામાં આવી છે.
 

મહારાષ્ટ્ર વિધાનસભાની આંકડાકીય માહિતી


મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો પર મતદાન થયું, જેમાં 29 અનુસૂચિત જાતિ 25 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે.

2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 122, શિવસેનાએ 63, કૉંગ્રેસે 42 અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)એ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ મતદાનમાં કુલ 8,95,62,706 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ચૂંટણીમાં કુલ 1.8 લાખ બૅલેટિંગ યુનિટ્સનો ઉપયોગ થશે. જ્યારે 1.28 લાખ કંટ્રોલ યુનિટ્સ અને 1.39 લાખ વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ) નો ઉપયોગ કરવામાં આવશે.

2014માં મહારાષ્ટ્રમાં કુલ 90,403 મતદાનમથકો હતાં. જ્યારે આ વખતે 95,473 મતદાનમથકો હશે.

ભાજપ અને શિવસેના અહીં ગઠબંધનમાં સરકાર ચલાવે છે અને રાજ્યમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી છે.

અહીં મુખ્ય સ્પર્ધા ભાજપ અને શિવસેનાના ગઠબંધન સામે એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની છે.
 

હરિયાણા વિધાનસભા ચૂંટણીની આંકડાકીય માહિતી


હરિયાણમાં હાલ ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે.

ભાજપનું અહીં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ ચૂંટણી પહેલાં જ આ ગઠબંધન તૂટી ગયું છે.

આ વખતે ભાજપ એકલા હાથે હરિયાણાની ચૂંટણી લડી રહ્યો છે.

હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.

રાજ્યમાં અનુસૂચિત જનજાતિ માટે કોઈ બેઠક અનામત નથી.

હરિયાણામાં આ વખતે 1,82,98,714 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

હાલ સત્તામાં રહેલા રહેલા ભાજપ સામે કૉંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ અને નવી જનનાયક જનતા પાર્ટી મેદાનમાં છે.

2014માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47, કૉંગ્રેસને 15, ઇન્ડિયન નેશનલ લોકદળને 19 બેઠકો મળી હતી.