બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (08:58 IST)

મંદી અને નોટબંધી : નરેન્દ્ર મોદીનો દાવ સીધો પડ્યો કે ઊંઘો? - એક વિશ્લેષણ

ડૉ. જય નારાયણ વ્યાસ
બીબીસી ગુજરાતી માટે
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે દેશની આર્થિક સ્થિતિ વિશે નિવેદન આપતા કહ્યું કે અર્થતંત્રની હાલત દર્શાવે છે કે નોટબંધી જેવા માનવસર્જિત ડિઝાસ્ટરની હજી અર્થતંત્રને કળ નથી વળી.
આઠમી નવેમ્બર 2016ના ઐતિહાસિક દિવસે મધરાતે નોટબંધીનો જન્મ થયો. તાત્કાલિક અસરથી તે સમયે ચલણમાં હોય એવી 500 અને 1000 રૂપિયાની નોટો ગેરકાયદેસર બની ગઈ અને બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટનો જન્મ થયો.
આમ કરવા પાછળનો હેતુ કાળાનાણાંની નાબૂદી, આ નાણાંનો આતંકવાદી કૃત્ય પાછળ થતો ઉપયોગ અટકાવવો તેમજ સર્ક્યુલેશનમાં ઘૂસી ગયેલી બનાવટી નોટોને દૂર કરવાનો હતો.
આરબીઆઈનો 2019નો રિપોર્ટ શું કહે છે?
 
બુધવાર તારીખ 28 ઑગસ્ટ, 2019ના રોજ રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ આ દિશામાં શું પ્રતિભાવ સાંપડ્યો અને જે હેતુસર આ પગલું લેવામાં આવ્યું હતું તે સફળ થયો કે નહીં તે દિશામાં અંગુલીનિર્દેશ કરે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ નોટબંધી દરમિયાન જે કરન્સી ચલણમાં ફરી રહી હતી તે પૈકી 99.9 ટકા કરન્સી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસે પાછી આવી ગઈ છે.
આમ, 500 અને 1000 રૂપિયાની પરત આવેલી જૂની નોટોના સ્વરૂપે રિઝર્વ બૅન્કને 15,310.73 અબજ રૂપિયા પાછા મળી ગયા છે.
આમ વરસ 2016માં નરેન્દ્ર મોદીએ 500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરી ત્યારબાદ પ્રજાએ તમામ નોટો નિર્ધારિત બૅન્કિંગ ચેનલોના માધ્યમ થકી પરત જમા કરી દીધી છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના આ અહેવાલ મુજબ માત્ર 10,700 કરોડ જેવી નગણ્ય રકમ નોટબંધી પછી પરત મેળવી શકાઇ નથી. શું આ પરિણામો જોતાં એમ કહી શકાય કે નોટબંધી સફળ થઇ છે?
 
બનાવટી નોટની સમસ્યા ઉકેલાઈ
 
સૌથી પહેલાં બનાવટી નોટોની સમસ્યા અંગે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બૅન્કના વાર્ષિક રિપોર્ટ અનુસાર રૂ. 500 અને રૂ. 2000ની નકલી નોટોની સમસ્યામાં ઘટાડો થવાને બદલે અનેક ઘણો વધારો થયો છે.
નકલી નોટોની સમસ્યાના કાળા નાગને નાથવામાં નોટબંધી સફળ રહી નથી.
2016-17માં 2000ની ૬૩૮ નકલી નોટો મળી હતી. તેની તુલનામાં 2018ના નાણાકીય વર્ષમાં 17929 નકલી નોટો મળી આવી હતી.
ગત નાણાકીય વર્ષમાં 500ની નકલી નોટો 199 મળી આવી હતી જેનો આંકડો ચાલુ નાણાકીય વર્ષમાં 4177 ટકા વધીને 9892 થયો.
આમ થવાને કારણે 2000ની નવી નોટ બજારમાં આવી ત્યારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જે અભિપ્રાય આપ્યો હતો કે આ નવી ચલણી નોટો ઘણી જ સુરક્ષિત છે તેનો એક ઝાટકે છેદ ઊડી જવા પામ્યો છે.
આમ બનાવટી નોટોની સમસ્યાને નાબૂદ કરવામાં નોટબંધી સફળ થઇ હોય એવું તારણ કાઢી શકાતું નથી.
નવી નોટો ગમે ત્યાં છપાઈ હોય, ગમે તે ટૅકનોલૉજીથી છપાઈ હોય, પણ 'જોનારની બે અને ચોરનારની ચાર આંખ'એ ન્યાયે એની નકલ કરવાવાળા આગળ રહ્યા છે અને સફળ પણ થયા છે.
કૅશલેસ ઇકોનોમી અને ડિજિટલાઇઝેશન
 
સરકારનો એક હેતુ 'કૅશલેસ' એટલે કે જેમાં બધા જ વ્યવહારો ડિજિટલ પ્લૅટફૉર્મ થકી થતા હોય અને રોકડ નાણાંની જરૂરિયાત સમૂળગી નાબૂદ થઈ જાય તે પ્રકારની અર્થવ્યવસ્થાનું સર્જન કરવાનો હતો.
આના ટેકામાં કેટલાક વિકસિત દેશોના દાખલા ખૂબ જોરશોરથી ટાંકવામાં આવ્યા હતા અને BHIM એપ જેવી કેટલીક નવી ઍપ પણ તરતી મૂકવામાં આવી હતી.
નોટબંધી થઇ તે પહેલાં જેટલી કરન્સી સર્ક્યુલેશનમાં હતી તેના કરતાં મે 2019માં 22 ટકા વધારે કરન્સી સર્ક્યુલેશનમાં હતી. આવું બીજા કોઇએ નહીં પણ 25મી જૂન 2019ના દિવસે નાણામંત્રી સીતારમણે રાજ્યસભામાં જાહેર કર્યું હતું.
એમણે કરેલ જાહેરાત મુજબ 2019ના મે મહિનાના અંતમાં 21.71 લાખ કરોડ રૂપિયા જેટલી કરન્સી સર્ક્યુલેશનમાં હતી જે 4 નવેમ્બર 2016ના રોજ સર્ક્યુલેશનમાં રહેલા 17.74 લાખ કરોડ કરતાં લગભગ 22 ટકા વધારે હતી.
સરકારે 500 અને 1000ની નોટબંધીનો નિર્ણય 8 નવેમ્બર 2016ને દિવસે જાહેર કર્યો હતો.
સીતારમણના કહેવા મુજબ સર્ક્યુલેશનમાં રહેલી કરન્સી ઓક્ટોબર 2014 બાદ વરસ પ્રતિ વરસ 14.51 ટકાને દરે વધી રહી હતી.
ફરી એકવાર નાણામંત્રીએ નોટબંધી પાછળના હેતુઓ જણાવતાં કહ્યું હતું કે કાળા નાણા દૂર કરવા માટેનું, બનાવટી નોટને ચલણમાંથી હઠાવવા અને તે રીતે ટેરર ફન્ડિંગ તેમજ ડાબેરીઓ પ્રેરિત આતંકવાદને ડામવા માટે ભારતની અનૌપચારિક (નોન-ફોર્મલ) અર્થવ્યવસ્થાને ઔપચારિક સ્વરૂપ (ફોર્મલ ઇકોનોમી) આપવા માટે અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહિત કરવા માટે નોટબંધીનું પગલું લેવામાં આવ્યું હતું.
નોટબંધી બાદ આ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન નવેમ્બર 2016માં રૂ. 122.27 લાખ કરોડથી વધીને સપ્ટેમ્બર 2018 સુધીમાં 188.07 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું.
સરકારે 'કૅશલેસ ઇકોનોમી' શબ્દપ્રયોગ બદલીને 'લેસકૅશ ઇકોનોમી' કર્યો એ બાદ પણ માર્ચ 2019માં ચલણી નોટોના સર્ક્યુલેશનમાં 17 ટકાનો વધારો થયો.
આવું કેમ થયું? ભારત સરકાર ક્યાં ખોટી પડી? આ બંને પ્રશ્નોનો જવાબ આપવા માટે આપણે ભારતની અર્થવ્યવસ્થાના કલેવરને સમજવું પડશે.
ભારતના અર્થતંત્રનું કલેવર
 
 
 
સૅન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઑફિસને ટાંકીને તારીખ 4, મેના રોજ સંસદમાં રજૂ થયેલા ઇકોનોમિક સરવેના કોઠો-4 પાન 18 પર વિગતો આપી છે તે મુજબ 2018-19માં કૃષિ, જંગલ અને મત્સ્યોદ્યોગનો આપણા જીડીપીમાં 16.1 ટકા ફાળો હતો.
જેમાં માઇનિંગ અને ક્વોરિંગ, મૅન્યુફૅક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી-ગૅસ-વૉટર સપ્લાય અને બીજી ઉપયોગી સેવાઓ તેમજ કન્સ્ટ્રકશન આવી જાય તેવા Industry એટલે કે ઉદ્યોગનો ફાળો 29.4 ટકા (જેમાં બે મુખ્ય ઘટકો ઉત્પાદના 16.4 ટકા અને કન્સ્ટ્રકશનના 8 ટકા) હતો.
ત્યારબાદ આપણા જીડીપીમાં સૌથી મોટો ફાળો 54.3 ટકા સેવાક્ષેત્ર તરીકે વર્ગીકૃત થયેલ વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ, સ્ટૉરેજ, કમ્યુનિકેશન ઍન્ડ સર્વિસિંગ રિલેટેડ ટુ બ્રોડકાસ્ટ, ફાઇનાન્સિંગ, રિયલ એસ્ટેટ ઍન્ડ પ્રૉફેશનલ સર્વિસીઝ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફૅન્સ ઍન્ડ અધર સર્વિસીસનો સમાવેશ થાય છે.
પહેલો વિભાગ લઈએ તો કૃષિનો 16.1 ટકાનો જીડીપીમાં ફાળો છે જેમાં 99 ટકા કરતાં વધારે નાના અને સીમાંત ખેડૂતો છે, જેનાથી થતી આવક ઇન્કમટેક્સના દાયરામાં નથી.
એ ક્ષેત્રમાં ખરીદી તેમજ વેચાણને લગતા લગભગ પૂરેપૂરા વ્યવહારો રોકડમાં જ થાય છે.
આમ આ ક્ષેત્રમાં દહાડિયું (રોજબરોજનું મહેનતાણું) ને કૅશલેસમાં લઈ જવું, ગંજબજારના વ્યવહાર કૅશલેસ બનાવવા કે પછી ખેડૂત જે કૃષિ ઇનપુટ્સ ખરીદે છે તેને કૅશલેસ વ્યવસ્થામાં લઈ જવા અશક્ય ન ગણીએ તો સરળ તો નથી જ.
બરાબર આ જ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર જે લગભગ 30 ટકા જેટલો ફાળો આપે છે તેમાં માઈક્રો અને લઘુ ઉદ્યોગોના ખરીદવેચાણ તેમજ મજૂરીની ચુકવણીના મોટાભાગના વ્યવહારો રોકડમાં થાય છે.
મોટા ઉદ્યોગોમાં પણ નાનુંમોટું રિપેરકામ, પેટી ટ્રાન્સપોર્ટ તેમજ મજૂરોને ચૂકવાતી રોકડી જેવા વ્યવહારો કૅશમાં થાય છે. ખૂબ કાળજીપૂર્વક નીચેનું તળિયું પકડીએ તો પણ લગભગ 10 ટકા જેટલો જીડીપી આ ક્ષેત્રમાં પણ કૅશમાં ફરે છે.
સેવાકીય ક્ષેત્રમાં બે ભાગ આવે. એક, ત્રણતારકથી પંચતારક જેવી મોટી હોટેલો, સૉફ્ટવેર અને આઈટી એકમો. જ્યારે બીજામાં ભજિયાં-ભૂસા-નાસ્તો વગેરેનો વેપાર, બસભાડાથી માંડી રિક્ષાવાળાના વહેવારો, કડિયા, સુથાર, ઇલેક્ટ્રિશિયન, ગરાજ મિકેનિક તેમજ મજૂરોને નાના-મોટા કામ માટે રોકડામાં ચૂકવણી કરવી પડે છે.
આ બધાનો ખુબ તળિયાનો અંદાજ મૂકીએ તો આ ક્ષેત્રમાં 20 ટકા જીડીપી કેશમાં ફરે છે.
હવે સરવાળો માંડીએ. કૃષિનો 16 ટકા વત્તા ઉદ્યોગનો 10 ટકા અને સેવાક્ષેત્રનો 20 ટકા એમ કુલ 46 ટકા એટલે કે અડધોઅડધ નાણાકીય વ્યવહારો રોકડમાં જ થાય છે.
આ વ્યવહારોને ડિજિટલ તરફ લઈ જતાં વરસોનાં વરસો લાગશે. એટલે જે કોઈએ 'કૅશલેસ ઇકોનોમી' શબ્દ પ્રધાનમંત્રીના મોંમાં મૂક્યો તે ખોટો હતો અને એને વહેલામાં વહેલી તકે ઉલટાવીને એ જ શબ્દમાંથી 'લેસકૅશ ઇકોનોમી' શબ્દ ઘડી કાઢ્યો તે પણ પ્રસ્તુત બનતાં ઘણો લાંબો સમય લાગશે.
 
બ્લૅક મનીનું શું?
છેલ્લે આવે કાળા નાણાંની વાત. આ દિશામાં 'ધ બ્લૅક ઇકોનોમી ઇન ઇન્ડિયા'ના લેખક ડૉ. અરુણકુમારના મત મુજબ અસંગઠિત ક્ષેત્ર અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા આજે પણ ભારતમાં સૌથી વધુ રોજગારી આપતાં ક્ષેત્ર છે.
લગભગ 80 ટકા જેટલી રોજગારી ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે. ત્યારે સ્વાભાવિક રીતે જો એ મંદીમાં મુકાય તો એની અસર રોજગારીની નવી તકો ઉભી કરવા ઉપર થાય જ.
કાળા નાણાંની વાત કરીએ તો રોકડમાં કાળું નાણું રહેતું હોય એ પ્રાથમિકતાઓમાં ઘણું પાછળ આવે.
કાળું નાણું સૌથી વધારે જમીન અને કન્સ્ટ્રકશનના ક્ષેત્રમાં, ત્યારબાદ હીરા અને કિંમતી પથ્થરોમાં, સોનું અને ઘરેણાંમાં, પ્લેટિનમથી માંડી ચાંદી જેવી મોંઘી ધાતુઓમાં, શેરબજાર, વેપાર કે ઉદ્યોગમાં આવે છે.
જેને, સ્ટૉક અને ઇન્વેન્ટરી અનુકૂળતા પ્રમાણે વૅલ્યૂએશન કરીને વિદેશી બૅન્કોમાં, હવાલા ફંડ તરીકે અને આ બધાયમાંથી ચૂકી જવાય તો પછી રોકડ સ્વરૂપે રાખવામાં આવે.
એટલે મૂળતઃ કાળું નાણું રોકડ સ્વરૂપે છે અને નોટબંધીને કારણે નષ્ટ થઈ જશે એ વાત જ તર્કસંગત નથી.
સ્વિસ બૅન્ક તેમજ જર્મન બૅન્કોમાં પોતાના નાણાં રાખનારાઓ, જેમણે આયાત અથવા નિકાસના વેલ્યુએશન સાથે છેડછાડ કરીને આ નાણાં વિદેશમાં મોકલાવ્યાં અથવા રહેવા દીધાં છે તેમાંથી કોઈ ખુબ મોટી રકમ આ દેશમાં પાછી આવી ગઈ હોય અથવા એ બેનામી ખાતેદારોને કંઈ સજા થઇ હોય એવું કશું દેખાતું નથી.
કેટલાક વિવેચકો આ અંગે એવું પણ કહે છે કે બધા જ રાજકીય પક્ષો અને કેટલાક મોટા ગજાના રાજકારણીઓ જ્યારે આમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોય ત્યારે કાળાં નાણાંના ભોરિંગને નાથવાનું સરકાર માટે સરળ નથી.
દેશનું કાળું નાણું ખૂબ મોટી રકમ સ્વરૂપે વિદેશી બૅન્કોમાં પડ્યું છે એ માન્યતાનો છે છેદ ઉડાડતાં આ વિશ્લેષકો કહે છે કે 90 ટકા કાળું નાણું તો આ દેશમાં જ છે.
એક જમાનામાં આવકવેરાના દર પણ એવા વિચિત્ર હતા કે કેટલાક કિસ્સાઓમાં તો 100ની આવક દર્શાવો તો 120 રૂપિયા વેરો ભરવાનો આવે.
એસ્ટેટ ડ્યૂટી, વારસાઈ પર લાગતા વેરાઓ, આ બધાને કારણે ભારતમાં ઘણો લાંબો સમય સુધી કરદાતાને પ્રમાણિક બનવું હોય તો પણ ન બનવાની ફરજ પડે એ પ્રકારના કાયદા ચાલતા રહ્યા.
આ બધાનું ભેગું થયેલું પરિણામ એટલે આ દેશમાં હાજરાહજૂર કાળું નાણું છે. રિઝર્વ બૅન્ક પાસે માંડ 612.6 ટન સોનું છે જ્યારે ભારતમાં કુલ 33000 ટન સોનું ખાનગી માલિકીનું અને મંદિરો તેમજ ટ્રસ્ટો પાસે સંગ્રહાયેલું છે.
એક અંદાજ મુજબ આખી દુનિયામાં ઉપલબ્ધ સોના પૈકીનું લગભગ 9 ટકા સોનું ભારત પાસે છે.
કેટલાક મંદિરોનાં સુવર્ણભંડારો, કેટલાક પૂર્વરાજવીઓ પાસે ઉપલબ્ધ સોનાનો સંગ્રહ તેમજ ત્યારબાદ નવાં રજવાડાં સ્વરૂપે અસ્તિત્વમાં આવેલા રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ પાસે મબલખ સોનાના ભંડારો છે. આજે પણ ભારત વરસે 1000 ટન સોનું ખરીદે છે એ બધું સરકારની નીતિના ઘડવૈયાઓની જાણ બહાર તો નથી જ.
રિઝર્વ બૅન્ક દ્વારા છેક 1992માં મુકાયેલ અંદાજ મુજબ ૧૮૦ બિલિયન ડૉલર (8 લાખ 30 હજાર કરોડ) કાળું નાણું વિદેશમાં છે.
જમીનો અને મિલકતોમાં તો જો કાળું નાણું ન હોય તો આ દેશના જીડીપીમાં 8 ટકા ફાળો આપતો અને રોડ, રેલ, ઍરપૉર્ટ, બંદરો, પાણીની યોજનાઓ જેવી મહત્વની આંતરમાળખાકીય સવલતો ઉભી કરતો, પાયાની એક જરૂરિયાત એવું મકાન પૂરી પાડતો બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ જાય એમાં કોઈ શંકા નથી.
 
શું તારણ કાઢીશું આપણે?
સરકારની કાળું નાણું નાબૂદ કરવાની નિયત અંગે કોઈ શંકા ઉઠાવવાની જરુર હું જોતો નથી પણ આ એક બહુ ઉતાવળે વિચારાયેલો પ્રયોગ હતો જેને નિષ્ફળ કરે એવા કારણો ઠાંસી ઠાંસીને આ દેશના પર્યાવરણ અને વહેવારોમાં ભરેલાં છે.
આ કારણોને લઈને તાર્કિક રીતે પુખ્ત વિચારણા થઇ હોત તો નોટબંધીનો આ પ્રયોગ કદાચ વિચારાયો ન હોત. એને કારણે ઊભી થયેલ હાડમારીઓ અને બેરોજગારી માટે જવાબદાર ગણીને એના ઉપર માછલાં ન ધોવાયાં હોત.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. 70 ટકા વસતિ 35 વરસથી નીચે છે. વર્ષે 1 કરોડ કરતાં વધુ રોજગારીનું સર્જન ન થાય તો આ દેશનું યુવાધન હતાશામાં દોરવાઇને ખંડનાત્મક રસ્તાઓ અપનાવે તેવી પરિસ્થિતિ ઉભી થતી જાય છે.
પ્રધાનમંત્રી મોદીએ જ્યારે પોતાની જાત સામે ત્રણ મોટા પડકાર આંતરિક મોરચે મૂક્યા છે તેમાંનો પહેલો, ખૂબ મોટા પાયે રોજગારીનું સર્જન, બીજો, ખેડૂતને ખેતીથી દૂર જતો અટકાવી 2022 સુધીમાં એની આવક બમણી કરવી તે અને ત્રીજો, આવનાર સમયમાં ઊભી થનાર પાણીની ભયાનક તંગીને નાથવા માટેના ઉપાયો કરવા તે છે.
આ ત્રણમાંથી છેલ્લા બે સાથે તો ગ્રામ્ય અર્થવ્યવસ્થા સીધે સીધી જોડાયેલી છે. પણ પહેલા એટલે કે રોજગારી સાથે તો ગ્રામ્ય અર્થતંત્ર અને કૃષિ સીધેસીધાં જોડાયાં છે.
બન્ને થઈને 50 ટકા કરતાં વધુ રોજગારીનું સર્જન કરે છે ત્યારે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં જો કૃષિ અને પાણી બંનેને તકલીફ પડે તેવી સ્થિતિનું સર્જન થાય તો આવનાર દિવસો કપરા હશે.