ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (09:00 IST)

ટેક્સાસમાં ગોળીબાર, ઓછામાં ઓછા પાંચનાં મૃત્યુ, 16 લોકો ઘાયલ

અમેરિકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ બે શહેરોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
આ ઘટના યૂએસના સ્થાનિક સમય પ્રમાણે શનિવારે બપોરે ઘટી છે. પોલીસનું કહેવું છે શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો છે.
જોકે અન્ય એક હુમલાખોર પણ સામેલ હોવાની માહિતી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
ઓડેસા શહેરની પોલીસનું કહેવું છે કે બંદૂકધારીએ સૌથી પહેલાં ગાડી રોકનાર ટ્રાફિક-પોલીસના કર્મચારી પર ગોળી ચલાવી હતી.
ત્યારબાદ હુમલાખોરે એક પોસ્ટલ ટ્રક ચોરી કર્યું અને પાસેના અન્ય શહેર મિડલૅન્ડ તરફ જઈને પણ ગોળીબાર કર્યો.
પોલીસે આખરે એક સિનેમા કૉમ્પલેક્સમાં વળતો ગોળીબાર કરીને હુમલાખોરને ઠાર માર્યો.
પોલીસે જણાવ્યું કે હુમલાખોર લગભગ 35 વર્ષની એક શ્વેત વ્યક્તિ હતી. શનિવારે બપોરે થયેલા આ હુમલા પાછળનો ઉદ્દેશ હજી સુધી સ્પષ્ટ થયો નથી.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેક્સાસના ગોળીબાર અંગે તેમને માહિતી મળી રહી છે.
ઘટનાસ્થળ નજીકની એક રેસ્ટોરાંમાં કામ કરતા જુનિયર બેજારાનોએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, "થોડી જ પળોમાં અફરાતફરી મચી ગઈ."
"લોકો ચીસો પાડતા હતા, ખુરશીઓ ઉછાળતા હતા અને ભોજનની પ્લેટો ફેકીને ભાગી રહ્યા હતા."
આ હુમલાના ચાર અઠવાડિયાં પહેલાં ટેક્સાસમાં એક બંદૂકધારીએ અલપાસો શહેરમાં ગોળીબાર કરીને 22 લોકોને મારી દીધા હતા.