ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 ઑગસ્ટ 2019 (11:52 IST)

#OperationKashmir : અમિત શાહના આદેશ પછી કાશ્મીરમાં આટલી હલચલ કેમ છે ?

ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા કેટલાક કલાકોમાં હલચલ ખૂબ વધી ગઈ છે. સરકાર તરફથી કાશ્મીર ખીણમાંથી તમામ પ્રવાસીઓને અને અમરનાથયાત્રીઓને વહેલી તકે કાશ્મીર છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ શુક્રવારે રાત્રે એમના નિવાસ્થાને એક ઇમજન્સી મિટિંગ બોલાવી હતી.
 
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં અન્ય પક્ષોના નેતાઓ, નેશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાહ, પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન અને પીપલ મૂવમેન્ટના ફૈસલ શાહ પણ હાજર રહ્યાં. બેઠક પછી મહબૂબા મુફ્તીએ કહ્યું કે તેમણે કાશ્મીર ખીણની હાલત વિશે ચર્ચા કરી છે.
 
મહબૂબા મુફ્તીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ''કાશ્મીરમાં જે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી તેને લીધે વિદ્યાર્થીઓ સહિત તમામ ડરેલાં છે. જે પ્રકારનો ખોફ હું આજે જોઈ રહી છું એવો મેં અગાઉ કદી જોયો નથી.''
 
મહબૂબા મુફ્તીએ સવાલ કર્યો, ''સરકાર જો એવો દાવો કરે છે કે કાશ્મીરમાં હાલત બહેતર છે તો અહીં સુરક્ષાદળોની સંખ્યા શા માટે વધારવામાં આવી રહી છે.''
 
એમણે કહ્યું, ''સરકાર આર્ટિકલ 35-એ અને વિશેષ રાજ્ય તરીકેના દરજ્જામાં ફેરફાર કરવા જઈ રહી છે એવી અફવાઓ છે. ઇસ્લામમાં હાથ જોડવાની પરવાનગી નથી પરંતુ તે છતાં હું હાથ જોડીને વડા પ્રધાનને અપીલ કરું છું કે આવું ન કરે.''

 
જમ્મુ-કાશ્મીરના તમામ દળોના નેતાઓએ રાજ્યપાલ સત્યપાલ મલિકની પણ મુલાકાત લીધી. એમણે કાશ્મીર ખીણ વિસ્તારમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થા અને અફવાઓને રોકવા માટે અપીલ કરી.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ રાજ્યપાલે આ ઘટનાક્રમ પર કહ્યું છે કે સ્થિતિ સામાન્ય છે. સત્યપાલ મલિકે કહ્યું, ''સુરક્ષા સંબધિત સૂચના અને અન્ય મુદ્દાઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા છે અને તેને લીધે અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. મેં તમામ રાજનેતાઓને અપીલ કરી છે કે તેઓ એમનાં સમર્થકો આ બે મુદ્દાઓ ભેગા ન કરે તે જુએ અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે.''
 
કાશ્મીર છોડવાનો આદેશ
 
શુક્રવારે જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક સુરક્ષા સૂચના જાહેર કરવામાં આવી. સરકારે કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલાની દહેશત વ્યકત કરી અને અમરનાથયાત્રીઓને પાછા ફરી જવાનો આદેશ કર્યો.
સરકારે અમરનાથયાત્રીઓ તેમજ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને શક્ય એટલી ઝડપે કાશ્મીર છોડી દે. સરકારે આ સૂચના જાહેર કરતા અનેક પ્રકારની અફવાઓએ જન્મ લીધો છે.
 
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કરીને સવાલ કર્યો,''આખા રાજ્યમાં ડરનો માહોલ કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે.''
 
એમણે કહ્યું,''ગુલમર્ગમાં રોકાયેલા દોસ્તોને ત્યાંથી હઠાવાઈ રહ્યાં છે. લોકોને ગુલમર્ગ અને પહેલગામથી કાઢવા માટે બસો લગાવવામાં આવી રહી છે. જો યાત્રાને લઈને ખતરો છે તો ગુલમર્ગ કેમ ખાલી કરાવાઈ રહ્યું છે?''
 
શ્રીનગરથી મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ ટ્વીટ કરી કે આજે જાહેર કરવામાં આવેલી સૂચનાથી કાશ્મીર ખીણમાં આ વર્ષનું પર્યટન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. મને સમજાઈ નથી રહ્યું કે આ ખોફ કેમ છે પરંતુ એટલું ચોક્કસ સમજાય છે કે અહીંની જનતાનું કોઈ મહત્ત્વ નથી. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર બશીર અહમદ ખાનનું કહેવું છે, ''ક્યાંય પણ કરફ્યૂ લાદવાનો આદેશ આપવામાં આવ્યો નથી. શાળાઓ પણ કાલે બંધ નહીં રહે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલી સૂચનાઓને લઈને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે ગૃહમંત્રાલયે તકેદારીરૂપે આદેશ આપેલો છે.''
 
આ દરમિયાન ઍર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તે શ્રીનગર અવરજવર કરનારા પ્રવાસીઓની ટિકિટોના રિશિડ્યુલિંગ કે રદ કરવા પર તમામ ચાર્જ માફ કરશે.
 
આટલું જ નહીં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે પણ પઠાણકોટ જિલ્લાતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ અમરનાથથી આવનારા યાત્રીઓને સુરક્ષિત પાછા મોકલવા તૈયારીઓ કરે.