મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (12:07 IST)

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું હજી વિદાય કેમ નથી લઈ રહ્યું?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ગયો છે.
જૂનમાં શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે પૂર્ણ થતું હોય છે. એટલે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે.
જોકે, આ વખતે હજી પણ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આગામી 20થી 22 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
મોટા ભાગે સાઉથ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે.
જૂનથી શરૂ થયેલા આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
 
ચોમાસું વિદા કેમ નથી લેતું?
એક બાદ એક બની રહેલા લૉ પ્રેશરને કારણે દેશમાંથી ચોમાસાની વિદાય થવામાં હજી સમય લાગશે.
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આંધ્ર પ્રદેશના દક્ષિણ તટિય ક્ષેત્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે. જે લૉ પ્રેશરમાં ફેરવાઈને આગળ વધશે.
જે બાદ તે મધ્ય મહારાષ્ટ્રના ભાગો પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે મળી જશે. જેના કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
સ્કાયમેટના અહેવાલ અનુસાર બંને એક સાથે મળ્યા બાદ આ સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વોત્તર અરબ સાગર તરફ આગળ વધશે અને લૉ પ્રેશરમાં ફેરવાઈ જશે.
જેના કારણે દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
સ્કામેટ પોતાના અહેવાલમાં લખે છે કે એક વધુ લૉ પ્રેશર 22 અથવા 23 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીમાં ઉત્પન્ન થવાની સંભાવના છે.
બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક બાદ એક ઊભાં થઈ રહેલા લૉ પ્રેશરને કારણે ગુજરાત, ગોવા, કોંકણ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી હજી ચોમાસું વિદાય લઈ રહ્યું નથી.
 
ગુજરાત-દેશમાં ચોમાસાની વિદાય ક્યારે થાય?
ગુજરાતમાં ચોમાસું રાજસ્થાનમાં સૌથી મોડું શરૂ થાય છે પરંતુ સૌથી પહેલાં ચોમાસાની વિદાય પણ અહીંથી જ શરૂ થાય છે.
રાજસ્થાનમાં સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે.
ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થાય છે, એટલે કે રાજ્યમાં વરસાદ મોટા ભાગે બંધ થઈ જાય છે.
મહારાષ્ટ્ર અને ગોવા-કોંકણ વિસ્તારમાં 1 ઑક્ટોબરને ચોમાસાના પરત જવાનો સમય માનવામાં આવે છે.
સામાન્ય સંજોગોમાં દેશમાં 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની વિદાય થઈ જાય છે.
જોકે, એનો એવો જરા પણ અર્થ નથી કે ચોમાસાની વિદાય બાદ દેશના કોઈ પણ વિસ્તારમાં વરસાદ નહીં પડે.
આ વખતે આ તારીખ મુજબ દેશના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.
જોકે, દેશમાં આ વખતે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં મોડું શરૂ થયું હતું.
2010થી 2018ના વર્ષોની વાત કરીએ તો માત્ર 2015માં ચોમાસાએ 15 સપ્ટેમ્બર પહેલાં વિદાય લીધી હતી. બાકીનાં વર્ષોમાં તે 15 સપ્ટેમ્બર બાદ પૂર્ણ થયું હતું.