જાણીતા વકીલ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા રામ જેઠમલાણીનું રવિવારની સવારે 95 વર્ષની વયે નિધન થયું છે.
જેઠમલાણી બાર કાઉન્સિલના ચૅરમૅન પણ હતા.
જેઠમલાણીએ ઘણા હાઈ પ્રોફાઇલ કેસ લડ્યા હતા અને આ મામલે તેમણે ઘણી પ્રતિષ્ઠા પણ મેળવી હતી.
જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો. 17 વર્ષની ઉંમરે જેઠમલાણીએ કાયદા ક્ષેત્રે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી.
તેમનો જન્મ વર્તમાન પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન સમયે તેઓ ભારત આવી ગયા હતા.
1959માં નાનાવટી કેસમાં જેઠમલાણીએ પોતાની ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદથી તેઓ ક્રિમિનલ લૉ પ્રેક્ટિસનો જાણીતો ચહેરો બની ગયા હતા.
જેઠમલાણીના બે દીકરા અને બે દીકરીઓ છે. તેમાંથી મહેશ જેઠમલાણી અને રાણી જેઠમલાણી પણ જાણીતાં વકીલ છે.
હાલના કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની વર્ષ 2010માં કથિત સોહરાબુદ્દીન નકલી ઍન્કાઉન્ટરમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી.
23 જુલાઈ 2010માં સીબીઆઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સામે આરોપનામું દાખલ કર્યું હતું.
આરોપનામું દાખલ કર્યા બાદ સીબીઆઈએ 25 જુલાઈ 2010ના રોજ અમિત શાહની ધરપકડ કરી હતી. જે બાદ તેમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
અમિત શાહને જેલમાંથી છોડાવવા અને તેમને જામીન અપાવવા માટે રામ જેઠમલાણી તેમના વકીલ તરીકે ગુજરાત આવ્યા હતા.
અમદાવાદ આવેલા રામ જેઠમલાણીએ સીબીઆઈની કોર્ટમાં દલીલો કરતાં કહ્યું હતું કે અમિત શાહની ધરપકડ પાછળ ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને પકડવાનો સીબીઆઈનો ઉદ્દેશ છે.
ઉપરાંત શાહનો બચાવ કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે અમિત શાહને જામીન ના આપીને સીબીઆઈ કોર્ટ ન્યાયની સમાનતા જાળવી રહી નથી.
આશરે ત્રણ મહિના જેટલો સમય જેલમાં ગાળ્યા બાદ અમિત શાહ જામીન પર બહાર આવી શક્યા હતા.
અમિત શાહના આ હાઈપ્રોફાઇલ કેસમાં રામ જેઠમલાણીની એન્ટ્રી થતા સીબીઆઈએ પણ વરિષ્ઠ વકીલ કે. ટી. એસ. તુલસીને રોક્યા હતા.
30 ડિસેમ્બર 2014ના રોજ સીબીઆઈની વિશેષ કોર્ટે અમિત શાહને આ કેસમાંથી દોષમુક્ત જાહેર કરી દીધા હતા.
મોદીની તરફેણથી વિરોધ સુધી
2014માં લોકસભાની ચૂંટણીની પહેલાં જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનવવાનું સમર્થન કર્યું હતું.
જેઠમલાણી એ નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું કે 'નરેન્દ્રભાઈ મોદી દેશના શ્રેષ્ઠ વડા પ્રધાન બનશે. સેક્યુલરિઝ્મની મારી વ્યાખ્યામાં નરેન્દ્ર મોદી 100 ટકા સેક્યુલર છે.'
જોકે, મોદી વડા પ્રધાન બન્યા એ પછી તેમણે તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
2015માં અરુણ જેટલીએ દિલ્હીના મુખ્ય મંત્રી પર માનહાનિનો દાવો કર્યો ત્યારે જેઠમલાણીએ કેજરીવાલની તરફેણ કરી હતી.
જ્યારે જેઠમલાણીએ ભાજપ સામે જ કેસ દાખલ કરી દીધો
વાત વર્ષ 2013ની છે, જ્યારે રામ જેઠમલાણીએ નીતિન ગડકરી ફરીથી ભાજપના અધ્યક્ષ બને તે સામે વાંધો ઉઠાવ્યો.
તેમણે પક્ષની કમાન બીજી ટર્મ માટે ગડકરીના હાથમાં જાય તેનો ખુલ્લો વિરોધ કર્યો હતો.
આ મામલાને લઈને તેમને 6 વર્ષ માટે ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભાજપમાંથી તેમનું પ્રાથમિક સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.
જે બાદ રામ જેઠમલાણીએ તેમને આ રીતે પક્ષમાંથી હાંકી કાઢવા બદલ ભાજપ સામે જ કેસ દાખલ કરી દીધો.
જોકે, વર્ષ 2018માં બંને પક્ષોએ સમાધાન કરીને આ કેસ પરત લઈ લીધો હતો. મહત્ત્વનું છે કે ત્યારે પક્ષના અધ્યક્ષ ગુજરાતના અમિત શાહ હતા. જેમને એક વખતે સીબીઆઈના સકંજામાંથી બચાવવા માટે જેઠમલાણીએ મદદ કરી હતી.