ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2020 (18:24 IST)

સાઉદી અરેબિયામાં હવે કોરડા મારવાની સજા નહીં અપાય

સાઉદી અરેબિયામાં હવે કોરડા મારવાની સજા નહીં અપાય. એક લિગલ ડૉક્યુમેન્ટને આધારે આ વાત કહેવાઈ રહી છે.સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે આના સિવાય જેલની સજા અપાશે અથવા તો દંડ ભરવો પડશે.
 
આ નિર્દેશને સાઉદી કિંગ સલમાન, તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના માનવાધિકાર સુધારાને વધુ પ્રોત્સાહન આપવાની કડીના રૂપમાં જોવામાં આવે છે.
 
સાઉદી અરેબિયાની ત્યાંના કેટલાક કાયદાને લઈને હાલના વર્ષમાં સાઉદી પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યાને મુદ્દે ટીકા થઈ રહી છે.
 
ટીકાકાર સમૂહ અને માનવાધિકાર કાર્યકરોનો આરોપ છે કે સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી ખરાબ દેશમાંનો એક છે, જ્યાં માનવાધિકારોનું સૌથી વધુ ઉલ્લંઘન થાય છે. જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ગંભીર પ્રતિબંધ છે અને જ્યાં શાસન સામે બોલનારની ગમે ત્યારે ધરપકડ કરાય છે.
 
ગત વર્ષોમાં છેલ્લે સાઉદી અરેબિયામાં કોરડા મારવાની સજા ત્યારે સમાચારોમાં આવી જ્યારે વર્ષ 2015માં બ્લૉગર રૈફ બદાવીને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા.
 
તેમના પર સાઇબર ક્રાઇમનો આરોપ હતો અને સાથે જ ઇસ્લામના અપમાનનો પણ.
 
બદાવીની જૂન 2012માં ધરપકડ કરાઈ હતી. તેમને 10 વર્ષની કેદ અને 1000 કોરડા મારવાની સજા અપાઈ હતી.
 
બદાવી પર પોતાની વેબસાઇટ 'સાઉદી લિબરલ નેટવર્ક' પર ઇસ્લામનું અપમાન, સાઇબર અપરાધ અને તેમના પિતાની અવહેલનાનો આરોપ હતો. આ વેબસાઇટ બંધ કરી દેવાઈ છે.
 
આ સજાની અમેરિકા અને માનવાધિકાર સંસ્થાઓએ નિંદા કરી હતી.
 
બીબીસી અરેબિયામાં વિદેશી મામલાના સંપાદક સેબેસ્ટિયન ઉશેરનું કહે છે કે આ ચોક્કસ રીતે સાઉદી અરેબિયાની છબિ માટે ખરાબ હતું.
 
હવે, આ નિર્દેશ બાદ એવું લાગી રહ્યું છે કે કોરડા મારવાની સજા હંમેશાં માટે બંધ થઈ ગઈ છે.
 
પરંતુ કિંગ અને ક્રાઉન પ્રિન્સ પ્રત્યે અસંતોષ પ્રગટ કરનારની સતત થઈ રહેલી ધરપકડ આ નિર્દેશ પર સંદેહ પેદા કરે છે. તેમાં મહિલા કાર્યકરો પણ સામેલ છે.
 
આ પહેલાં શુક્રવારે સાઉદી અરેબિયાના સૌથી જાણીતા માનવાધિકાર કાર્યકરનું જેલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ ગયું. તેને લઈને અન્ય કાર્યકરોનો આરોપ છે કે તેમના સ્વાસ્થ્યની ચિંતા ન કરાઈ અને તેને કારણે તેમનું મૃત્યુ થયું.