બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By જયદીપ વસંત|
Last Modified બુધવાર, 28 એપ્રિલ 2021 (18:25 IST)

ગુજરાતમાં કોરોનાનો કેર : લૉકડાઉનની અનેક ભલામણો છતાં સરકાર લાગુ કેમ નથી કરતી?

ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારે રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી થઈ હતી, જેમાં સરકારની કામગીરીની ઝાટકણી કાઢવામાં આવી હતી.આ પહેલાં રાજ્ય સરકારે રાજ્યનાં વધુ નવ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી તથા અન્ય વેપારી પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાદ્યાં હતાં. સાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે કે સરકારનો હેતુ '29 શહેરમાં હરફરની પ્રવૃત્તિને નિયંત્રિત કરવાનો છે અને તે કર્ફ્યુ નથી.'
 
હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરનાર એક વર્ગનું માનવું છે કે લૉકડાઉન લાદીને સ્થિતિને કાબૂમાં લાવી શકાય એમ છે અન્યથા પરિસ્થિતિ વણસી જશે. બીજી બાજુ, નિષ્ણાતોનું માનવું છે કે પ્રવર્તમાન સંજોગોમાં લૉકડાઉન લાદવામાં આવે તો અસંગઠિતક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓ વધી જશે.
 
ગુજરાતમાં લૉકડાઉન લાદવા માટેનો તર્ક શો છે?
 
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન લૉકડાઉનની હિમાયત કરનારા વરિષ્ઠ વકીલ શાલીન મહેતાએ સુનાવણી બાદ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
 
"મારા મતે કોરોનાના પ્રસારની ચેઇન તોડવા માટે લૉકડાઉન સિવાય કોઈ શ્રેષ્ઠ વિકલ્પ નથી. સરકાર લોકોને ઘરમાં જ રહેવા તથા કારણ વગર બહાર નહીં ફરવા માટે અપીલ કરે છે, પરંતુ તે અસરકારક નથી."
 
"સ્વભાવગત રીતે જ લોકો જ્યારે તેનો અમલ ન કરે અને અકારણ હરફર કરે તેનું શું? તેઓ જ મોટી સમસ્યા ઊભી કરી રહ્યા છે. લોકો જ્યારે અપીલ દ્વારા ન માને, ત્યારે કાયદા દ્વારા તેનું અમલીકરણ કરાવવું રહ્યું."
 
રાજ્ય સરકારની દલીલ છે કે જો લૉકડાઉન લાદવામાં આવે તો રોજમદાર તથા પરપ્રાંતીય શ્રમિકો તથા રોજેરોજનું રળી ખાનારાઓને મુશ્કેલી પડી શકે છે.
 
અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીમાંથી કાયદામાં અનુસ્નાતકની પદવી મેળવનારા મહેતા માને છે કે સુવ્યવસ્થિત રીતે લૉકડાઉન લાદવાની અને શ્રમિકોને હાલાકી ન પડે તેની જવાબદારી રાજ્ય સરકારની છે.
 
દેશનાં અન્ય રાજ્યોમાં તથા અમેરિકા, ઇંગ્લૅન્ડમાં પણ સ્થિતિને ધ્યાને રાખીને લૉકડાઉન લાદવામાં આવ્યાં છે.
 
ગત વર્ષે મહેતાને પણ કોરોના થયો હતો તથા હાલમાં પણ તેમના કેટલાક પરિવારજનોની કોરોનાની સારવાર ચાલી રહી છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને 'છેલ્લા વિકલ્પ' તરીકે લૉકડાઉન લાદવા હિમાયત કરી હતી, આમ છતાં ભાજપશાસિત કર્ણાટકમાં 14 દિવસનું લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
 
ગુજરાતમાં લૉકડાઉન કેમ લાદવું જોઈએ નહીં?
 
લૉકડાઉનને કારણે શ્રમિકો માટે સમસ્યા સર્જાવાની આશંકા
 
વરિષ્ઠ અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ માને છે કે પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાતમાં લૉકડાઉન ન લાદવું જોઈએ, આ માટેનું કારણ સમજાવતા શાહ કહે છે :
 
"જો રાજ્યમાં લૉકડાઉન લાદવામાં આવે તો તે અસંગઠિતક્ષેત્રના શ્રમિકો માટે ભારે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેઓ કહે છે કે ગુજરાતની વસતિનો મોટો હિસ્સો ગરીબીની રેખાની નીચે કે નજીક જીવે છે, ત્યારે લૉકડાઉન લાદતી વેળાએ તેમની ચિંતા કરવી રહી."
 
તેઓ ઉમેરે છે, "માત્ર મફત અનાજ આપવાથી કામ પતી નથી જતું. એ સિવાય શ્રમિકો કે સમાજના નબળા વર્ગની અન્ય જરૂરિયાતો પણ છે, જેના ઉપર ધ્યાન આપવું રહ્યું."
 
શાહ ઉમેરે છે કે જો રાજ્ય સરકાર શ્રમિકોની મુસિબતોને ટાળી શકતી હોય તો જ 'ઘોષિત લૉકડાઉન' લાદવું જોઈએ અન્યથા, તંત્રના દબાણ હેઠળ 'અઘોષિત લૉકડાઉન' લદાયેલું જ છે.
 
થોડા દિવસો અગાઉ સુરતની એક કાપડ માર્કેટના પદાધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિકતંત્ર દ્વારા કામના કલાકોને નિયંત્રિત કરવાનો તથા બજારમાં આવતા-જતા લોકો ઉપર કેટલાક નિયંત્રણ લાદવાનો 'ભારપૂર્વક આગ્રહ' કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં 'દબાણ'નો સૂર હતો.
 
મંગળવારની સાંજે રાજ્યની પ્રજાને સંબોધતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શ્રમિકોની આજીવિકાને અસર ન પડે તે માટે નિર્માણકાર્ય ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
 
હાઈકોર્ટ, લૉકડાઉન અને સત્તા
 
ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે સુઓ મોટો સુનાવણી હાથ ધરી તે પહેલાં એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં જરૂર પડ્યે લૉકડાઉન લાદવાનું સૂચન કર્યું હતું. મંગળવારની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ તથા જસ્ટિસ બલરામ કારિયાની ખંડપીઠે કોરોનાના પ્રસારની ચેઈનને તોડવા માટે નાગરિકોને જવાબદારીપૂર્વક વર્તવા તથા બધું સરકાર ઉપર નહીં છોડવાનું વલણ દાખવ્યું હતું. કાયદાકીય બાબતોના જાણકાર આને માટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને જવાબદાર માને છે. 
 
એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજ, લખનૌ, વારાણસી, કાનપુર તથા ગોરખપુર જેવાં શહેરોમાં લૉકડાઉન લાદવાના આદેશ આપ્યા હતા. જેને રાજ્ય સરકારે ઉચ્ચતમ અદાલતમાં પડકાર્યા હતા. યોગી આદિત્યનાથ સરકારે સૉલિસિટર જનરલ તુષાર મહેતા મારફત સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજ્યમાં મહામારીની સ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતા પ્રયાસ કર્યા છે. આ સંજોગોમાં 'ન્યાયિક આદેશ' દ્વારા પાંચ શહેરોમાં લૉકડાઉન લાદવાનો નિર્ણય યોગ્ય નહીં હોય.
 
તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હાઈકોર્ટના આદેશ ઉપર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો, સાથે જ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે મહામારીને ડામવા માટે તેમણે શું પગલાં લીધાં છે, તેનાથી હાઈકોર્ટને વાકેફ કરે.
 
આ કેસમાં વરિષ્ઠ વકીલ પી. નરસિહ્માએ 'અદાલતમિત્ર'ની ભૂમિકા ભજવી હતી.
 
હાઈકોર્ટ લૉકડાઉન લાદવાનો આદેશ કરી શકે કે નહીં, આ માટેની સત્તા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.
 
કોરોનાની વેદના : જે હૉસ્પિટલમાં ભણાવતા હતા ત્યાં જ લાચાર સ્થિતિમાં ડૉક્ટરે ગુમાવ્યો જીવ
 
ગુજરાતમાં લૉકડાઉન નહીં નિષેધ
 
હાઈકોર્ટમાં ગત સુનાવણી દરમિયાન ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના વડા ડૉ. દેવેન્દ્ર પટેલે લૉકડાઉનની ભારપૂર્વક હિમાયત કરી હતી, પરંતુ રાજ્ય સરકારે લૉકડાઉન નહીં લાદવાનું વલણ દાખવ્યું છે. મંગળવારે સવારે સુનાવણી પહેલાં ગુજરાત રાજ્યનાં આઠ મહાનગર સહિત 20 શહેરમાં લદાયેલા રાત્રિ કર્ફ્યુને વધુ નવ શહેરમાં લાગુ કરવામાં આવ્યો હતો.
 
રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે તા. 28 એપ્રિલ 2021, બુધવારથી 5મી મે 2021, બુધવાર સુધી અમલી રહેશે.ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે આ નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશીષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.નવા આદેશ પ્રમાણે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
 
આ પહેલાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ગાંધીધામ, ભુજ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભરૂચ, સુરેન્દ્ર નગર, અમરેલી અને મહેસાણામાં રાત્રિ કર્ફ્યુ લાગુ હતો.
 
 
શું ચાલુ, શું બંધ?
 
· આ સમયગાળા દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી-ફળોની દુકાન, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બૅકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખી શકાશે.
 
· 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત્ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 
· તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે.
 
· 29 શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવા ચાલુ રાખી શકાશે.
 
· તમામ 29 શહેરોમાં મોલ, શૉપિંગ કૉમ્પલેક્સ, સિનેમાહોલ, ઑડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વૉટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર અને અન્ય ઍમ્યુઝમૅન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
 
· સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
 
· સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
 
· સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સ્પૉર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
 
· સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે, આ માટે અગાઉથી મંજૂરી લેવાની રહેશે
 
· અંતિમવિધિમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
 
· રાત્રિના સમયમાં લગ્નસમારંભ કે કાર્યક્રમ યોજી નહીં શકાય.
 
· બીમાર, સગર્ભા કે અશક્ત વ્યક્તિના ઍટેન્ડન્ટને અવરજવરની છૂટ રહેશે.
 
· રેલવે, ઍરપૉર્ટ કે બસની ટિકિટ ધરાવનારી વ્યક્તિને અવરજવરની છૂટ રહેશે.
 
· ઓળખપત્ર, તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાગળિયા લઈને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારને હરફરની છૂટ રહેશે.
 
· ફેસકવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
 
આ સંબંધે પોલીસ કમિશનર, જિલ્લા મૅજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડાએ ક્રિમિનલ પ્રોજિર કોડ તથા ગુજરાત પોલીસ ઍક્ટની જોગવાઈ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે તથા તેનું અમલીકરણ કરાવવાનું રહેશે.
 
આ જોગવાઈઓનો ભંગ કરનાર સામે ઍપિડેમિક ડિસીઝ ઍક્ટ 1897, ઇન્ડિયન પીનલ કોડ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, ગુજરાત ઍપિડેમિક ડિસીઝ કોવિડ-19 રૅગ્યુલેશન, 2020 ની વિવિધ જોગવાઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.