1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (16:02 IST)

કોરોના વાઇરસ : વુહાન લૅબોરેટરી તપાસ માટે તૈયાર પણ ચીન રહસ્ય ઉકેલવા દેશે?

દુનિયા કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. કેસોમાં વધારો, ઘટાડો અને ફરી વધારો એવો માહોલ તો હતો જ પણ હવે એમાં કોરોના વાઇરસની પ્રકૃતિમાં આવી રહેલો ફેરફાર નવી ચિંતા ઊભી કરી રહ્યો અને મહામારીનું મૂળ શોધવામાં વિજ્ઞાનીઓ લાગેલા છે.
 
કોરોના વાઇરસની કોવિડ-19ની મહામારી ગત વર્ષે ચીનના વુહાનથી શરૂ થઈ ત્યારથી વારંવાર ચીન તરફ આંગળી ચિંધાય છે.
 
અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો આ વાઇરસને લઈને ચીનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી ચૂક્યા છે અને આને ‘ચીની વાઇરસ’ ગણાવી ચૂક્યા છે.
 
સવાલ એ છે કે આ વાઇરસ આવ્યો ક્યાંથી? શું તે લૅબમાંથી લીક થયો? કે એક પ્રાણી થકી માણસમાં પહોંચ્યો? કે પછી બીજું જ કંઈ?
 
આરોપ છે કે વાઇરસ વુહાનની લૅબોરેટરીમાંથી શહેરમાં લીક થયો. જોકે, ચીને આ દાવો ફગાવી દીધો હતો.
 
હવે જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ આવતા મહિને વાઇરસની તપાસમાં વુહાનની મુલાકાત લેવાની છે ત્યારે એ જ લૅબોરેટરીનાં વિજ્ઞાનીએ બીબીસીને કહ્યું કે તેઓ વાઇરસ લૅબમાંથી લીક થયો છે એ થિયરીને ખોટી પાડવા કોઈ પણ મુલાકાત માટે તૈયાર છે.
 
ડૉકટર શુ ઝીંગ લી વાઇરૉલૉજિસ્ટ છે જેઓ વર્ષોથી કોરોના વાઇરસના પ્રકારનો અભ્યાસ કરી રહ્યાં છે.
 
આ મહામારીનું ઉદ્ગગમ સ્થાન કદાચ ચીનના યુનાન પ્રાંતની જંગલની ટેકરીઓમાં રહેલું હોય શકે. પણ અંહીથી રિપોર્ટિંગ કરવું સરળ નથી. કેમ કે આ અહેવાલ બનાવતી વખતે બીબીસી સંવાદદાતા જ્હોન સડવર્થનો સતત પીછો કરવામાં આવતો હતો.
 
ચીનના યુનાન પ્રાંતની જંગલની ટેકરીઓમાં ચામાચિડીયાઓમાં હજારોની માત્રામાં કોરોના વાઇરસ રહેલો છે. જેમાંથી માણસોમાં સંક્રમણ થયું એમ હોઈ શકે. યુનાની ગુફાઓમાંથી મળી આવેલા વાઇરસ પર વર્ષોના વૈજ્ઞાનિક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે તે વધુ સંવેદનશીલ છે.
 
અહીંથી અનેક નમૂનાઓ વુહાનથી જોજનો દૂર આવેલી લૅબોરેટરીમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે વાઇરસ અંહીથી લીક થયો હોવાના દાવાઓને ભારે ઉગ્રતાપૂર્વક નકારી દેવામાં આવ્યા છે.
 
અગ્રણી વૈજ્ઞાનિક પ્રૉફેસર શુ ઝીંગ લીને જયારે બીબીસીએ પૂછયું કે તેઓ અધિકૃત તપાસ માટે તૈયાર છે કે કેમ ત્યારે તેમણે ઇમેલ પર જવાબ આપ્યો કે, "હું ખુલ્લા, પારદર્શક, વિશ્વાસપાત્ર અને વાજબી સંવાદના આધારે કોઈ પણ પ્રકારની મુલાકાતને વ્યક્તિગત રૂપે આવકારીશ. પરંતુ હું કોઈ ચોક્કસ યોજના નક્કી નથી કરતી."
 
જોકે, ચીનના સત્તાધીશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ માટે ઓછો રસ ધરાવતા હોવાનું જણાય. વુહાનની લૅબોરેટરીએ ડૉ. શુ ઝીંગ લીને આપેલા નિવેદન સાથે છેડો ફાડી દીધો છે અને તેને અંગત ગણાવ્યું છે.