ભારતે વેસ્ટ ઈન્ડિઝને આપ્યો 352 રનનો ટારગેટ : મુકેશ કુમારને મળી ત્રીજી સફળતા, કિંગ, મેયર્સ પછી હોપની વિકેટ લીધી
India gave West Indies a target of 352 runs
ભારતે ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 351 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝે ઈનિંગની શરૂઆત કરતા 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતા. એલિક એથનાજ અને કેપ્ટન કેસી કાર્ટી અણનમ છે.
મુકેશ કુમારે ભારતને સતત ત્રીજી સફળતા અપાવી. કુમારે શાઈ હોપના રૂપમાં ત્રીજી વિકેટ લીધી હતી. કુમારનો બોલ હોપના બેટની કિનારે અથડાયો અને સ્લિપમાં ઉભેલા શુભમન ગિલના હાથે કેચ થયો.
કુમારે ઓપનર કાયલ મેયર્સની વિકેટ પણ લીધી હતી. આ પહેલા મુકેશ કુમારનો બોલ બ્રેન્ડન કિંગના બેટની કિનારી સાથે અથડાઈને વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં ગયો હતો. કિંગ 0 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પોર્ટ ઓફ સ્પેનમાં પ્રથમ દાવમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા 70, શુભગન ગિલ 85, ઈશાન કિશન 77 અને સંજુ સેમસને 51 રનની અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. સૂર્યકુમાર યાદવે 35 રનનું યોગદાન આપ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક વિકેટ મળી હતી.
પંડ્યાએ 52 બોલમાં 70 રન બનાવ્યા હતા
રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમની કમાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. તેણે ODI કારકિર્દીની 10મી અડધી સદી પૂરી કરી. પંડ્યાએ 52 બોલમાં 70 રન બનાવ્યા હતા.
સંજુ સેમસને ત્રીજી ફિફ્ટી ફટકારી
સંજુ સેમસને તેની ODI કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તે 51 રન બનાવીને આઉટ થયો હતો. સેમસને ગિલ સાથે 53 બોલમાં 69 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલે તેની કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી છે.