ન્યૂઝીલૅન્ડે રદ કર્યો પાકિસ્તાન પ્રવાસ
પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ વનડે મૅચના તાકડે ન્યૂઝીલૅન્ડે પ્રવાસ રદ કર્યો છે. ન્યૂઝીલૅન્ડે સુરક્ષાનાં કારણોસર રાવલપિંડીના સ્ટેડિયમ ખાતે જવાનો ઇનકાર કરી દીધો. અહીં પાકિસ્તાન વિરુદ્ધ તેઓ પ્રથમ ODI રમવાના હતા. ન્યૂઝીલૅન્ડની ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ક્રિકેટ રમવા માટે આવી છે. બંને ટીમો વચ્ચે રાવલપિંડીમાં ત્રણ ODI રમાવાની હતી. જે બાદ લાહોરમાં પાંચ T-20 મૅચોની સિરીઝનો કાર્યક્રમ હતો.
ન્યૂઝીલૅન્ડ ક્રિકેટ ઍસોસિયેશને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે "પાકિસ્તાનમાં જોખમના સ્તરમાં વધારાને કારણે સુરક્ષા સલાહકારો સાથે ચર્ચા બાદ ન્યૂઝીલૅન્ડે પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે."
ન્યૂઝીલૅન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઇટે કહ્યું કે તેમને જે સલાહ મળી રહી હતી તેના કારણે પ્રવાસ ચાલુ રાખવો શક્ય નહોતો. તેમણે કહ્યું કે, "હું સમજુ છું કે આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આંચકો હશે કારણ કે તેઓ શાનદાર મેજબાન રહી ચૂક્યા છે. પરંતુ અમારા માટે ખેલાડીઓની સુરક્ષા સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે અને અમારું માનવું છે કે આ જ એકમાત્ર વિકલ્પ છે."
ડૉન ન્યૂઝ પ્રમાણે, પ્રવાસ રદ ન થઈ શકે એ માટેની PCBના તમામ પ્રયત્નો બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ જેસિંડા આર્ડર્નને ફોન કર્યો હતો. તેમણે આર્ડર્નને મનાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ ના માન્યાં.
પ્રવાસ રદ થયા બાદ ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા આર્ડર્ને કહ્યું કે ખેલાડીઓને સુરક્ષાને જોતાં પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા બાદ ન્યૂઝિલૅન્ડ ક્રિકેટ બોર્ડના નિર્ણયનું તેઓ સંપૂર્ણપણે સમર્થન કરે છે.
સમાચાર એજન્સી રૉયટર્સને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, "મેં પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાત કરી અને અમારી ટીમનું ધ્યાન રાખવા માટે તેમનો આભાર માન્યો."
તેમણે લખ્યું, "દુર્ભાગ્યપૂર્ણ છે કે રમત ન યોજાઈ શકી. પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે નિર્ણયનું સમર્થન કરીએ છીએ."