શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:35 IST)

અમદાવાદી ક્રિકેટર પાર્થિવ પટેલની ક્રિકેટ મેચમાં અનોખી સિદ્ધિ

Parthiv patel achievement
ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટ સહિત ઈન્ટરનેશનલ લેવલે રમી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ગુજરાત તરફથી 100 રણજી ટ્રોફી મેચ રમવાની એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. 27મીએ સુરત ખાતે શરૂ થયેલી વિદર્ભ સામેની મેચમાં મેદાનમાં ઉતરવા સાથે પાર્થિવે આ રેકોર્ડ કર્યો હતો.
અત્યારસુધી કોઈપણ ક્રિકેટર એકલા ગુજરાત માટે 100 રણજી ટ્રોફી રમવા સુધી પહોંચી શક્યો નથી. રણજી ટ્રોફીમાં 100 કે તેથી વધુ મેચ રમનારા ભારતના ઘણા ક્રિકેટર છે પરંતુ ગુજરાત તરફથી પાર્થિવ પ્રથમ ક્રિકેટર છે, જે આ મંઝીલે પહોંચ્યો છે. પાર્થિવની અન્ય સિદ્ધિઓમાં તેણે 2002માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાત તરફથી વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં રમનારો પહેલો ખેલાડી હતો. એ વખતે તે વિશ્વનો સૌથી યુવાન વયના વિકેટકીપરનો રેકોર્ડ પણ તેણે કર્યો હતો. 2003માં તે ભારતની વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ થયો હતો.
તે એવા જૂજ ખેલાડીઓમાંનો એક છે જે પહેલા ટેસ્ટ રમ્યા હતો અને પછી રણજી ટ્રોફી રમ્યો હતો. પાર્થિવ પટેલે ટેસ્ટ રમ્યા પછી 2004માં ગુજરાત માટે રણજી ટ્રોફીમાં રમવાનો પ્રારંભ કર્યો હતો. તેની સૌથી મોટી સિદ્ધિ 2017માં હતી, તેની સુકાનીપદે ગુજરાત રણજી ટ્રોફીમાં સૌપ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું. પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ગુજરાતે વન-ડેમાં વિજય હઝારે ટ્રોફી અને ટી-20માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ મેળવી છે. પાર્થિવ પટેલના સુકાનીપદે ગુજરાતે 89 મેચમાંથી 33 મેચમાં વિજય મેળવ્યો છે.